પુરુષોની ઊંધી ફૅશન: ચહેરા પર બિઅર્ડ અને બૉડી ક્લીનશેવ

17 December, 2018 12:39 PM IST  |  | Varsha Chitaliya

પુરુષોની ઊંધી ફૅશન: ચહેરા પર બિઅર્ડ અને બૉડી ક્લીનશેવ

પ્રતીકાત્મક તસવીર

ઍન્ગ્રી યંગ મૅન અમિતાભ બચ્ચને ‘દીવાર’ ફિલ્મમાં શર્ટનાં ઉપરનાં બે બટન ખુલ્લાં રાખી પ્રેક્ષકોને છાતીના વાળ બતાવ્યા હતા તો સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પણ ‘આરાધના’ ફિલ્મના એક ગીતમાં આવો જ સીન આપ્યો હતો. એ જમાનામાં પુરુષની છાતી પર વાળ હોવા એ મર્દાનગીની નિશાની ગણાતી હતી. આજે શરીર પર રૂંવાટી ધરાવતા પુરુષોની ગણના ઓલ્ડ મૅનમાં થાય છે. મહિલાઓની જેમ હવે પુરુષોને પણ શરીર પર રૂંવાટી ગમતી નથી. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અઢારથી ૪૦ વર્ષની ઉંમરના સત્તાવન ટકાથી વધુ પુરુષો પબ્લિક પાર્ટના હેર રિમૂવ કરાવવા લાગ્યા છે. હેર રિમૂવ કરાવવાનું મુખ્ય કારણ જિમ અને ગ્લૅમર ઇન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવવાની ચાહ હોવાનું તારણ નીકળ્યું છે. એક તરફ પુરુષોમાં બિઅર્ડ રાખવાની ફૅશન જોર પકડી રહી છે તો બીજી તરફ તેઓ વૅક્સિંગ અને થ્રેડિંગ માટે સૅલોંની મુલાકાત લેતા થયા છે. પર્મનન્ટ હેર રિમૂવિંગ માટેની કૉસ્મેટિક ટેãક્નક પ્રત્યે પણ તેમનો ઝુકાવ વધી રહ્યો છે. ચેસ્ટ, હાથ અને પગના વાળ દૂર કરાવતા પુરુષોએ કેવી કાળજી લેવી જોઈએ એ જાણીએ.

છેલ્લાં પાંચ-સાત વર્ષમાં યુવાનોમાં વૅક્સિંગ અને થ્રેડિંગનો ક્રેઝ વધ્યો છે એનું મુખ્ય કારણ જિમ છે એવો અભિપ્રાય આપતાં વસઈમાં આવેલા ઇરફાન ફૅમિલી પાર્લરના પાર્ટનર અને હેર એક્સપર્ટ મોહમ્મદ એહસાન કહે છે, ‘આજે ભાગ્યે જ તમને એવા યુવાનો જોવા મળશે જેઓ જિમમાં ન જતા હોય. બૉડીના હેર રિમૂવ કરવાનું કારણ બૉડી-બિલ્ડિંગ છે. અત્યારે ઊંધી ફૅશન ચાલે છે. સેલિબ્રિટીઝ અને સ્પોટ્ર્સ પર્સનાલિટીથી પ્રભાવિત યુવાનોમાં ચહેરા પર બિઅર્ડ અને હેર-ફ્રી બૉડી રાખવાનો ટ્રેન્ડ છે. આ નવી ફૅશન તેમને મૅચોમૅન લુક આપે છે. મારી પાસે આવતા કસ્ટમરની વાત કરું તો વીસથી ૪૫ વર્ષની ઉંમરના પચાસ ટકાથી વધુ પુરુષો હાથ અને પગ પર વૅક્સ કરાવતા થયા છે.

ગ્લૅમર-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા યુવાનોમાં ચેસ્ટ અને બૅકના વાળ દૂર કરાવવાનો પણ ટ્રેન્ડ જોવા મળે છે. આઇબ્રો તો લગભગ બધા જ પુરુષો કરાવે છે. મજાની વાત એ છે કે આ આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ઘણી વાર અમારે કસ્ટમરને અગાઉથી અપૉઇન્ટમેન્ટ લેવાની ભલામણ કરવી પડે છે.’

પુરુષોમાં વૅક્સિંગ અને થ્રેડિંગ કરાવવાનો ક્રેઝ મૉડર્ન કલ્ચરને આભારી છે એ વાત સાથે સહમત થતાં કાંદિવલીમાં આવેલા એસ્થેટિક્સ ક્લિનિકનાં કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ રિન્કી કપૂર કહે છે, ‘છેલ્લાં થોડાં વર્ષોથી પુરુષોમાં શરીરના પબ્લિક પાર્ટના વાળ દૂર કરાવવાની ફૅશન ચાલી છે એનું મુખ્ય કારણ છે જિમ અને બીચ ટ્રિપ. ટીનેજરથી લઈને દરેક વયના પુરુષો જિમમાં જઈ વર્કઆઉટ કરે છે. એક્સરસાઇઝ કરતા હોઈએ ત્યારે આજુબાજુમાં મહિલાઓ પણ હોય છે, તેથી બૉડી પર હેર સારા નથી લાગતા એવું તેમનું માનવું છે. શરીર પર વાળનો જથ્થો વધુ હોય તો તેઓ સંકોચ અનુભવે છે. બીજું એ કે પહેલાં આપણે ત્યાં રાતના સમયે જ પુરુષો શૉટ્ર્સ પહેરતા હતા. હવે લોકો હરવા-ફરવા જાય છે ત્યારે પણ શૉટ્ર્સ જ પહેરવાનું પસંદ કરે છે. પબ્લિક સામે હૅન્ડસમ દેખાવું કોને ન ગમે?’

પબ્લિક પાર્ટના હેર રિમૂવ કરાવવા લેઝર પદ્ધતિ શ્રેષ્ઠ છે, પરંતુ ખર્ચાળ હોવાને કારણે લોકો વૅક્સિંગનો સહારો લે છે એમ જણાવતાં રિન્કી કપૂર કહે છે, ‘સામાન્ય રીતે યુવતીઓ ટીનેજમાં પ્રવેશ કરે એટલે વૅક્સિંગની શરૂઆત કરી દે છે, પણ યુવાનો થોડા લેટ જાગે છે. મેં એવા ઘણા કેસ જોયા છે જેમાં ૩૦ વર્ષની ઉંમર પછી તેમણે વૅક્સિંગ શરૂ કર્યું હોય. પુરુષોના વાળ કડક અને વાંકડિયા હોય છે એટલે પ્રથમ વાર વૅક્સ કરાવતાં પહેલાં મારી સલાહ છે કે વૅક્સિંગ કઈ રીતે થાય છે એના વિડિયો જોઈ લેવા. સ્ત્રીઓ બિકિની વૅક્સ પણ સહેલાઈથી કરાવી લે છે, જ્યારે પુરુષોમાં આવી પીડા સહન કરવાની શક્તિ ઓછી હોય છે. સૌથી પહેલાં હાથ અથવા પગના ખૂણામાં વૅક્સ કરાવી પોતાની સહનશક્તિ ચકાસી લેવી. જો સહન ન થાય તો અન્ય વિકલ્પ શોધી લેવા. વૅક્સિંગ એવી ટેãક્નક છે જેમાં મૂળમાંથી વાળને ખેંચીને કાઢી નાખવામાં આવે છે. એક વાર કરાવી લો પછી દોઢ-બે મહિનાની નિરાંત થઈ જાય છે. બે-ત્રણ વાર જો સહન કરી લેશો તો ટેવાઈ જશો. વૅક્સિંગ કરાવ્યા બાદ અલોવેરા લોશન અથવા સ્મૂધિંગ ક્રીમ લગાવી દેવાથી રાહત થાય છે.’

વૅક્સિંગ કરાવતા પુરુષોએ સ્કિનકૅરનો સિમ્પલ ફન્ડા યાદ રાખવો જોઈએ એમ જણાવતાં એહસાન કહે છે, ‘વૅક્સ કરાવતી વખતે ત્વચાનાં છિદ્રો ખૂલી જાય છે. પુરુષોના વાળ કડક અને લાંબા હોય છે, તેથી વાળ ખેંચતી વખતે લોહીની ટશર ફૂટે છે. જોકે એમાં ડરવા જેવું કશું હોતું નથી. આ સામાન્ય બાબત છે. સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિને અસહ્ય પીડા થાય એવું ક્યારેક બને છે, પરંતુ તેઓ પણ હિંમત રાખીને વૅક્સ કરાવે જ છે. વૅક્સિંગ કરાવ્યા બાદ મૉઇરાઇઝિંગ ક્રીમથી મસાજ કરાવી લેવો. ઘરે જઈને બરફ પણ લગાવી શકાય. હાલમાં શિયાળાની •તુ છે અને આ મોસમમાં ત્વચા શુષ્ક થઈ જાય છે. મારી સલાહ છે કે ત્વચાની નરમાશ જળવાઈ રહે એ માટે જે પાર્ટ પર વૅક્સ કરાવવાનું હોય એના અઠવાડિયા પહેલાંથી ત્યાં કોલ્ડ ક્રીમ લગાવવું જોઈએ. પુરુષોના શરીર પર સૌથી કડક વાળ છાતીના હોય છે અને ત્યાં પીડા પણ વધારે થાય છે તેથી થોડી તકેદારી રાખવી. વૅક્સિંગની અન્ય કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. એક વાર કરાવ્યા બાદ ત્રણેક મહિના વાંધો આવતો નથી. થþેડિંગમાં તો કોઈ જ જોખમ નથી.’

સ્ત્રીઓ નિયમિતપણે વૅક્સ કરાવે તો ધીમે-ધીમે હેરનો ગ્રોથ ઓછો થાય છે, પણ પુરુષોમાં મેલ હૉર્મોનના કારણે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે એમ જણાવતાં રિન્કી કપૂર કહે છે, ‘વૅક્સિંગ એવી વ્યક્તિ પાસે જ કરાવવું જોઈએ જેમને વાળની દિશાની સમજ હોય. ઘણા લોકો આડેધડ વાળ કાઢી તો નાખે છે, પરંતુ હેર રીગ્રોથમાં અડચણ ઊભી થાય છે. ઊંધી દિશામાં ઊગતા વાળ કરડે છે અને ફરીથી વૅક્સિંગ કરાવતી વખતે અસહ્ય પીડા થાય છે. સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિને દરેક પ્રકારનાં વૅક્સ માફક આવતાં નથી. જો વૅક્સની ઍલર્જી હોય તો સાવધ થઈ જવું. કેટલાકને વૅક્સ કરાવ્યા બાદ ત્વચા પર રીઍક્શન આવે છે, જેને તબીબી ભાષામાં ફોલિક્યુલાઇટિસ કહે છે. એ જ રીતે થþેડિંગ બાદ ચહેરાની ત્વચા પર રૅશિસ જોવા મળે તો ડૉક્ટરનો સંપર્ક કરવો. વૅક્સિંગ કરાવ્યા બાદ બે-ત્રણ દિવસ એક્સરસાઇઝ ન કરવી જોઈએ તેમ જ હૉટ શાવર ન લેવાની ભલામણ છે.’