સ્ટાઇલમાં રાખો તાલમેલ

26 December, 2011 07:54 AM IST  | 

સ્ટાઇલમાં રાખો તાલમેલ

પર્સનલ સ્ટાઇલ પોતપોતાની ચૉઇસ છે, પણ પ્રસંગ પ્રમાણે તમારા પાર્ટનર સાથે સારું લાગે એવું ડ્રેસિંગ કરવું. જો તમે હજીયે એક જીન્સમાં અને એક સિલ્કમાં સજ્જ હોય એવું ડ્રેસિંગ કરતા હો તો જોઈએ કેટલીક કપલ ડ્રેસિંગ ટિપ્સ જેને જોઈને જ કોઈ પણ બોલી ઊઠે કે બ્યુટિફુલ કપલ.

સૌથી પહેલાં પાર્ટીમાં કે જ્યાં જવાનું છે ત્યાંનું ઇન્વિટેશન ચેક કરો. એમાં કોઈ ડ્રેસ-કોડ વિશે લખવામાં આવ્યું છે? જો હોય તો એના પર કાયમ રહો. જો હોસ્ટે ડ્રેસ-કોડ રાખ્યો હશે તો તેણે પાર્ટી માટે થીમ પણ સેટ કરી હશે. તમે થીમને ન અનુસરો તો એ ખૂબ રૂડ બિહેવિયર બનશે.

જો પૂજા, એન્ગેજમેન્ટ કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો કંઈક એથનિક પહેરો. હંમેશાંનું સાડી-શૃંગારનું રૂટીન છોડો અને કડક ચૂડીદાર-કુરતો અપનાવો. આ કેસમાં પુરુષો જો કુરતો-પાયજામો નહીં પહેરે તો ચાલશે. એને બદલે ફૉર્મલ શર્ટ અને ટ્રાઉઝર પહેરો.

તમારા કૅઝ્યુઅલ અવતાર અને ડ્રેસિંગને મૅચ કરવાની એક ચાવી એટલે થ્રી પીસ સૂટ અથવા બંધ ગળા કુરતા અને તમારા પાર્ટનરે તમારી સાથે મૅચ કરવા માટે સાડી અથવા ગાઉન પસંદ કરવું.

ઇવેન્ટનો સમય શું છે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. બ્રન્ચ કે પછી લન્ચ માટે જવાનું હોય તો ઠંડા લિનન, કૉટન કે મલના ફૅબ્રિકમાં પેસ્ટલ શેડનાં કપડાં પસંદ કરો. કાફ લેન્ગ્થ સ્કર્ટ, કલરફુલ મેક્સી ડ્રેસ સ્ત્રીઓ માટે અને શૂઝમાં ઓપન ટો અથવા વેજીસ સારાં રહેશે. બેજ કે વાઇટ રંગનું કૉટન પૅન્ટ અને ટી-શર્ટ મૅન માટે સારાં રહેશે. શૂઝમાં સૅન્ડલ કે લોફર્સ સારાં લાગશે. શર્ટને ઇન ન કરો. આ સમય લિનનનું બ્લેઝર પહેરવા માટે ખૂબ સારો છે.

જો તમે ડેટ પર બહાર જઈ રહ્યા હો તો તમે ક્યાં જઈ રહ્યા છો એને ધ્યાનમાં રાખો. તમે કોઈ ફાઇવસ્ટાર રેસ્ટોરાંમાં જઈ રહ્યા હો એવું ડ્રેસિંગ કરીને મૂવી જોવા તો નહીં જ જાઓ. જો આ ડિનર-ડેટ હોય તો એ પ્રમાણે ડ્રેસિંગ કરો. ડ્રેસ કે સ્કર્ટ અને પેન્સિલ હીલ સ્ત્રીઓ માટે અને પુરુષ માટે જીન્સ સાથે ટી-શર્ટ કે ઓપન કૉલર શર્ટ.જો તમે બન્ને સાથે ઘરે હો તો બને એટલા કૅઝ્યુઅલ રહેવાની ટ્રાય કરો.

જો તમારા રિલેશનની હજી શરૂઆત જ થઈ હોય અને તમે એકબીજા સાથે ડ્રેસિંગની વાતો શૅર ન કરતા હો તો એક જૅકેટ સાથે રાખો. તમે પુરુષ હો કે સ્ત્રી - એક જૅકેટ ઘણું કામ આવશે. ડાર્ક બ્લુ, ગ્રે કે બ્લૅક જૅકેટ રાતના સમય માટે અને કેમલ કે બીજા કોઈ લાઇટ કલરનું જૅકેટ દિવસના સમય માટે સારું રહેશે. જૅકેટ આઉટફિટને જુદો જ લુક આપશે અને ક્યારેક જો મેઇન આઉટફિટને છુપાવવું હોય તો એમાં પણ હેલ્પ કરશે.બન્ને જણ એ રીતે ડ્રેસિંગ કરો કે કોઈ પણ અજાણ્યું જુએ તો એને પણ તમે કપલ છો એનો તાલમેલ તમારા ડ્રેસિંગ પરથી દેખાઈ આવે.

જો કપલમાં પુરુષ ખૂબ સિમ્પલ હોય તો તેની સાથે જતી વખતે સ્ત્રીએ ખૂબ લાઉડ ઍક્સેસરીઝ ન પહેરવી કે સ્ટાઇલિશ ડ્રેસિંગ ન કરવું. આ જ રીતે જો પુરુષ ખૂબ કૂલ ડૂડ ટાઇપનો હોય તો તેણે સિમ્પલ છોકરી સાથે ફરતી વખતે બને એટલું સિમ્પલ રહેવાની જ ટ્રાય કરવી જોઈએ.

સ્ટાઇલ મૅચ એટલે મૅચિંગ નહીં

તાલમેલ કરતું ડ્રેસિંગ કરવાનો અર્થ રંગ અને ડિઝાઇન મૅચ કરવાનો નથી. પોતાના રિસેપ્શનમાં સ્ટેજ પર ઊભા હો અને જો વાઇફનાં ઑરેન્જ ઘાઘરા-ચોળી સાથે છોકરો પણ કેસરિયા વાઘા પહેરશે તો એ તાલમેલવાળું નહીં પણ મૂખાર્મીભર્યું ડ્રેસિંગ લાગશે. આમ સ્ટાઇલ મૅચ કરો, પણ રંગ અને ડિઝાઇન નહીં.