ડ્રાય સ્કિન પર શેવિંગ કરતાં પહેલાં સાવધાન

06 December, 2012 09:00 AM IST  | 

ડ્રાય સ્કિન પર શેવિંગ કરતાં પહેલાં સાવધાન




શિયાળામાં શેવિંગ કરવું સૌથી દુખદાયક અને અઘરું છે, કારણ કે સ્કિન જ્યાં પહેલેથી સૂકી અને બરછટ બની ગઈ હોય ત્યાં રેઝર ફરે ત્યારે ઉઝરડા થઈ શકે છે. શિયાળામાં પુરુષો શેવિંગ કરવાનું ટાળતા હોય છે, પરંતુ જો યોગ્ય ક્રીમ અને મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ કરવામાં આવે તો શેવિંગનો એક્સપિરિયન્સ સારો થઈ શકે છે. જાણી લો કેટલીક ટિપ્સ...

ટેક્નિક સાથે શેવિંગ

શિયાળામાં શેવિંગને કમ્ફર્ટેબલ બનાવવું હોય તો શેવિંગ કરતાં પહેલાં બિયર્ડના વાળ અને સ્કિનને સૉફ્ટ બનાવવી જરૂરી છે. સ્નાન કર્યા બાદ શેવિંગ કરવામાં આવે તો એ વધુ યોગ્ય રહેશે, કારણ કે એનાથી વાળ સૉફ્ટ બની ગયા હશે અને સ્કિન પર રેઝર આરામથી મૂવ થશે. પુરુષોમાં દાઢીના વાળ ટફ હોય છે એટલે શિયાળામાં એ વધુ ટફ બનશે તો શેવિંગ આરામદાયક નહીં થાય.

સ્કિન ટાઇપ

તમારી સ્કિન ડ્રાય હશે તો આ સીઝનમાં એ વધુ ડ્રાય બનશે એટલે એને સૂટ થાય એવા મૉઇસ્ચરાઇઝિંગ પ્રોડક્ટ્સ વાપરવી. અલોવેરા હોય એવું ક્રીમ સેન્સિટિવ સ્કિન માટે સારું રહેશે.

આફ્ટર શેવ

આ સીઝનમાં જે પણ આફ્ટર શેવ વાપરો એમાં આલ્કોહોલ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. ડ્રાય સ્કિનને આલ્કોહોલ વધુ ડ્રાય બનાવશે. આફ્ટર શેવ બામ કે ક્રીમના સ્વરૂપમાં વાપરવું. શેવિંગ કર્યા બાદ ઇનગ્રોન હેર ન થાય એ માટે આફ્ટર શેવ જરૂરી છે. વિટામિન-ઈ, અલોવેરા, ઑલિવ ઑઇલ વગેરે વાળી પ્રોડક્ટ્સ વાપરવી.

મૉઇસ્ચરાઇઝ કરો

પુરુષો મોટા ભાગે ચહેરા પર મૉઇસ્ચરાઇઝર લગાવવાનું ટાળતા હોય છે, પરંતુ ઠંડીમાં મૉઇસ્ચરાઇઝર ખૂબ જરૂરી છે. મૉઇસ્ચરાઇઝર ડ્રાય થયેલી ત્વચાને સૉફ્ટ બનાવશે તેમ જ સ્કિનને વધુ ડ્રાય થતા અટકાવશે. આ સિવાય સનસ્ક્રીન પણ રોજ લગાવવું જોઈએ. બજારમાં હવે કેટલાંય એવાં મૉઇસ્ચરાઇઝર મળી રહે છે, જેમાં સનસ્ક્રીન પણ હોય.

ફેશ-વૉશ વાપરો

મેટ્રોસેક્સ્યુઅલ પુરુષો હવે પોતાની બ્યુટી પ્રત્યે સભાન જરૂર થયા છે, પરંતુ આજેય કેટલાક પુરુષો ચહેરા પર સાબુ ન વાપરવો જોઈએ એ વાતથી અજાણ છે. ચહેરાની ત્વચા પર સાબુ વાપરવો જ ન જોઈએ અને શિયાળામાં તો જરાય નહીં. આનાથી ત્વચા ડ્રાય અને ખેંચાતી હોય એવું લાગે છે. 

એક્સફોલિએટ કરો

એક્સફોલિએશનથી દાઢીના વાળ નરમ થશે અને ત્યાર બાદ શેવિંગ કરવામાં આસાની થશે તેમ જ એક્સફોલિએશનથી મૃત ત્વચા દૂર થશે અને શેવિંગ કર્યા બાદ સ્કિન સૉફ્ટ બનશે.