નાના બાથરૂમને બનાવો વિશાળ

22 November, 2012 06:16 AM IST  | 

નાના બાથરૂમને બનાવો વિશાળ



શહેરમાં નાનું બાથરૂમ હોય ત્યારે એમાં બાથટબ વસાવવાની ફૅસિલિટી મળવી થોડી અશક્ય છે. આવામાં જો ઇચ્છા હોય કે બાથરૂમ મોટું લાગે અને લક્ઝુરિયસ ફીલિંગ આપે તો એનું ઇન્ટિરિયર એ રીતે કરો કે એ મોટું લાગે. ભલે મોટું હોય નહીં, પરંતુ ખૂબ બિઝી હશે તો એ વધુ નાનું લાગશે. આવા બાથરૂમને બને એટલું ખાલી રાખી જો યોગ્ય રીતે ડેકોરેટ કરવામાં આવે તો એ વિશાળ લાગી શકે છે. જોઈએ આ પ્રકારના બાથ ડેકોરમાં કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

રંગોની પસંદગી


ભડક તેમ જ ઘેરા રંગોને કારણે બાથરૂમ હોય એના કરતાં નાનો લાગે છે અને થોડા હળવા રંગો નાની જગ્યાને પણ મોટી હોવાનો આભાસ કરાવે છે. ઠંડા રંગો શાંતિ અને નિર્મળતા આપો છે. બ્લુ, વાયલેટ અને ગ્રીન ઠંડા રંગો ગણાય છે. આ કલર્સ તમારા બાથરૂમને સ્વચ્છ લુક આપશે. ઇન્ટિરિયરમાં રંગની પસંદગી સૌથી મહત્વનું સાધન છે એટલે જ કલર પ્રત્યે થોડું વધારે ધ્યાન આપવું આવશ્યક છે

મોટા અરીસા


અરીસાઓને યોગ્ય જગ્યાએ ગોઠવીને બાથરૂમમાં વધુ ઉજાસની સગવડ કરી શકાય. સિન્કની ઉપરની બાજુએ અરીસા લગાવવાની વાત હવે સામાન્ય વાત થઈ ગઈ છે. દીવાલો પર મોટા મિરર લગાવીને પ્રકાશ વધારી શકાય છે. એક નાના બાથરૂમમાં યોગ્ય રીતે લગાવેલા અરીસા એનો આખા દેખાવમાં બદલાવ લાવી શકે છે.

બ્રાઇટનેસ વધારો

ટુવાલ હોય કે સોપ-ડિશ, બાથરૂમમાં વાપરવાની બધી જ ચીજોનો રંગ બ્રાઇટ રાખો. તટસ્થ રંગો કે સફેદ બૅકગ્રાઉન્ડ લાઇટ વધારશે. નાના બાથરૂમને મોટો દેખાડવા માટે લાઇટનો વધુમાં વધુ ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે. જો તમે થોડો ખર્ચ કરવા માગતા હો તો સીલિંગમાં પણ લાઇટિંગ કરી શકાય, પરંતુ બાથરૂમમાં લગાવવાની લાઇટ સિસ્ટમ બહુ મોટી સાઇઝની ન હોવી જોઈએ. ટૂંકમાં, બાથરૂમ માટે કોઈ પણ ઍક્સેસરીઝ ખરીદતાં પહેલાં એની સાઇઝ અને રંગ પ્રત્યે ખાસ ધ્યાન આપવું, કારણ કે લાઇટ બાથરૂમના ડેકોરમાં બાધારૂપ ન લાગવી જોઈએ. જો ફુલ વાઇટ ન ગમે તો ફુલ વાઇટ ટાઇલ્સના બૅકગ્રાઉન્ડ સાથે વચ્ચેના ભાગમાં કે બૉર્ડર્સમાં કોઈ ડાર્ક કલરની ડેકોરેટિવ ટાઇલ્સનો પટ્ટો લગાવી શકાય.’

શાવર એરિયા

હવે જગ્યાના અભાવને કારણે લોકો બાથરૂમમાં બાથટબ કરતાં શાવર સ્ટૉલ બેસાડવાનું પસંદ કરે છે. જેને થોડો જુદો પાડવા માટે કાચના ટ્રાન્સપરન્ટ દરવાજા લગાવી શકાય. કાચના દરવાજા બાથરૂમના એક નાના ખૂણાને પળવારમાં મોટો દેખાડી શકે છે. દરવાજાની જગ્યાએ શાવર કર્ટન પણ હવે મળતા થઈ ગયા છે જે એક સારો ઑપ્શન છે, કારણ કે જ્યારે જરૂર ન હોય ત્યારે એને બાંધીને એક સાઇડમાં મૂકી શકાય.