ઠંડીમાં બ્યુટીની ચિંતા સતાવે છે, તો શું કરશો?

03 January, 2012 06:35 AM IST  | 

ઠંડીમાં બ્યુટીની ચિંતા સતાવે છે, તો શું કરશો?



શિયાળામાં મારે આલ્પ્સ માઉન્ટેન પર જઈને સ્કિઇંગ કરવાનું હું પસંદ કરીશ, કારણ કે મેં એ પહેલાં ક્યારેય નથી કર્યું, પણ મને ખાતરી છે કે એમાં ખૂબ મજા આવશે. આ વિચારો છે બ્યુટિફુલ અનુષ્કા શર્માના, જેને શિયાળો ખૂબ પસંદ છે, પણ તો એ એને શિયાળામાં પોતાની બ્યુટીની ચિંતા તો સતાવે જ છે, કારણ કે આ સીઝન સુંદરતા માટે ખૂબ ત્રાસદાયક છે. તો જાણીએ એની શિયાળાની યાદગાર વાતો અને વિંટર બ્યુટી રેજિમ.

બૅન્ગલોરની બેબ

હું બૅન્ગલોરમાં મોટી થઈ છું અને ત્યાંનો શિયાળો ખૂબ સુંદર હોય છે, જ્યારે મુંબઈની સરખામણી કરવામાં આવે ત્યારે હું ખરેખર ત્યાંના શિયાળાને ખૂબ મિસ કરુ છું. મને જૅકેટ્સ પહેરવા અને હૉટ ચૉકલેટ પીવી ખૂબ ગમે છે. મને વર્ષના આ સમયગાળામાં ગરમા-ગરમ જલેબીઓ ખાવી પણ ગમે છે. ભારતમાં મારો સૌથી યાદગાર શિયાળો એટલે જ્યારે હું મારી ફૅમિલી સાથે નૉર્થ ટ્રાવેલ કરવા ગઈ હતી. નૉર્થમાં એ સમયે મેં પહેલી વાર ભારતમાં સ્નો જોયેલો અને એ ખૂબ સુંદર હતું.

ઠંડી મજા

હું જ્યારે કૉલેજમાં હતી ત્યારનો મને એક પ્રસંગ યાદ છે. એ શિયાળાની બસ શરૂઆત જ હતી. હું અને મારા થોડી ફ્રેન્ડ્સ એક પાર્ટીમાં પાર્ટીવેઅર ટાઇપના ડ્રેસિસ પહેરીને ગયાં હતાં, પણ એ સાંજે ખૂબ અંધારું થયું અને અચાનક ખૂબ ઠંડી લાગવા માંડી. અમારામાંથી કોઈની પાસે જૅકેટ કે સ્કાર્ફ નહોતો, અને અમે એ પાર્ટીમાંથી બહાર નીકળી જ ન શક્યાં. ફાઇનલી અમે અમારી સાથે છોકરાઓ જે ફ્રેન્ડ્સ હતા તેમની પાસેથી પરાણે જૅકેટ્સ લીધાં અને એ પહેરીને અમે ઘરે ગયાં.

મારા વાળમાં

હું દરેક છોકરીને શિયાળામાં પહેલેથી જ તૈયાર રહેવાનું કહીશ, કારણ કે આ સીઝનમાં પોતાના વાળ અને ત્વચાની યોગ્ય સંભાળ લેવી જરૂરી છે. મારા માટે કોકોનટ ઑઇલ બેસ્ટ છે, કારણ કે હૉટ કોકોનટ ઑઇલથી કરેલી કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ વાળને જરૂરી નરિશમેન્ટ અને મૉઇસ્ચર આપતી હોવાથી સ્કેલ્પ અને વાળ બન્નેને સારી બનાવે છે. માટે જ જ્યારે પણ વાળ ધુઓ એ પછી તેલ લગાવવાની મારી સલાહ છે તેમ જ વાળમાં બ્લો ડ્રાયર અને કલરનો વધુપડતો વપરાશ કરવાનું ટાળો, કારણ કે આનાથી વાળ વધારે સૂકા થઈ જશે. તમે વાળ માટે ઘરે પણ માસ્ક તૈયાર કરી શકો છો. જેમા એગ અને કોકોનટ ઑઇલનું મિક્સચર વાળમાં લગાવવાથી વાળને ડીપ કન્ડિશનિંગ મળશે, જે શિયાળામાં ખૂબ જરૂરી છે.

સ્કિન કૅર

શિયાળામાં સ્કિન પર કુદરતી તત્વો ધરાવતા મૉઇસ્ચરાઇઝર ખૂબ સારી રીતે કામ કરે છે. અને એ આખો દિવસ તમારી સ્કિનને સુંવાળી અને મૉઇસ્ચરાઇઝ્ડ રાખશે. મધ અને દૂધનું મિશ્રણ જ્યારે પણ ઝડપથી ગ્લો જોઈતો હોય ત્યારે કામ આવે છે. કેળાં અને પપૈયાનું બનાવેલું પૅક ડ્રાય સ્કિનથી છુટકારો આપે છે, કારણ કે આ બન્ને ફળો વિટામિન અને પાણી બન્નેથી ભરપૂર હોય છે અને એની ડ્રાય સ્કિન પર ખૂબ સારી ઇમ્પેક્ટ છે. હું આ બધા જ બ્યુટી રેજિમ સારી રીતે ફૉલો કરુ છું, કારણ કે હું માનું છું કે હેલ્ધી સ્કિન અને હેલ્ધી વાળ હેલ્ધી હોવાની નિશાની છે.