પ્રેગ્નન્સી દરમ્યાન કઈ રીતે રાખશો તમારી સુંદરતાનો ખ્યાલ?

20 January, 2016 05:05 AM IST  | 

પ્રેગ્નન્સી દરમ્યાન કઈ રીતે રાખશો તમારી સુંદરતાનો ખ્યાલ?



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

પ્રેગ્નન્સીના સમયે મહિલાઓની સ્કિનમાં ઘણા ચેન્જિસ આવે છે. આ બધા બદલાવ હૉર્મોનલ ચેન્જના કારણે હોય છે. આવા સમયે સ્કિનની સંભાળ કઈ રીતે રાખવાની અને કઈ-કઈ બ્યુટી-પ્રોડક્ટ વાપરવી જોઈએ એની જાણકારી હોવી બહુ જરૂરી છે, કેમ કે પ્રેગ્નન્સી દરમ્યાન કોઈ પણ બ્યુટી-પ્રોડક્ટ વાપરતાં ડર લાગે છે. એટલે આ આર્ટિકલમાં તમે જાણશો કે પ્રેગ્નન્સી દરમ્યાન કઈ બ્યુટી-પ્રોડક્ટ વાપરવી અને કઈ નહીં. તેમ જ હૉર્મોનલ ચેન્જના કારણે સ્કિનમાં જે બદલાવ થાય છે એની સંભાળ કઈ રીતે લેવી.

પિગ્મેન્ટેશન

પ્રેગ્નન્સીમાં તમારી સ્કિનનો કલર બદલાઈ જાય છે. આવા સમયે સ્કિન પર ડાર્ક કલરના ડાઘા પડી જાય છે. આ ડાઘા સૌથી વધારે તમારા ગાલ, માથા પર અને નાક પર દેખાય છે; જેને ‘માસ્ક ઑફ પ્રેગ્નન્સી’ પણ કહેવાય છે. એ તડકામાં વધારે નજરે પડે છે. આને તમે પિગ્મેન્ટેશન પણ કહી શકો છો. આ બધું તમને હૉર્મોનલ ચેન્જિસના કારણે થાય છે. આને ઠીક કરવા માટે તમે કંઈ નથી કરી શકતા. એ લગભગ ૯૦ ટકા મહિલાઓમાં જોવા મળે છે અને એને તમે અટકાવી શકતા નથી. એ પ્રેગ્નન્સી પછી જતા રહે છે અથવા એમના એમ જ રહે છે. એના માટે શું સંભાળ રાખવી એ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર કે. ઈ. મુકાદમ કહે છે, ‘પ્રેગ્નન્ટ મહિલાઓએ તડકામાં જવાનું અવૉઇડ કરવું જોઈએ. જ્યારે તેઓ ઘરની બહાર નીકળે ત્યારે તેમણે ૧૫-૩૦+ SPF સનસ્ક્રીન લોશન લગાડીને જ બહાર નીકળવું જોઈએ. એ સિવાય કૅપ પહેરવી જોઈએ અને મોટા સનગ્લાસિસ પહેરવા જોઈએ. બની શકે એટલો આખો ફેસ કવર કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. સ્કિનના ડાર્ક સ્પૉટને છુપાવવા માટે કન્સીલર ક્રીમ અને કૉમ્પૅક્ટ પાઉડર લગાવવો જોઈએ. માર્કેટમાં મળતી સસ્તી પિગ્મેન્ટરી ક્રીમ લગાવવાનું અવૉઇડ કરવું જોઈએ, કારણ કે એમાં એવાં ઇન્ગ્રીડિઅન્ટ હોય છે જે પ્રેગ્નન્સી દરમ્યાન તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.’

સ્કિનની ટાઇપમાં બદલાવ

હૉર્મોનલ ચેન્જના કારણે પ્રેગ્નન્સીમાં તમારી સ્કિન-ટાઇપ પણ બદલાઈ જાય છે. હૉર્મોનલ ચેન્જના કારણે ઑઇલની જે ગ્રંથિ હોય છે એ પહેલાં કરતાં વધારે ઍક્ટિવ થઈ જાય છે, જેના લીધે તમારો ફેસ વધારે ઑઇલી રહે છે અને એના લીધે તમને ફેસ પર પિમ્પલ્સ આવે છે. જો તમને પહેલેથી પિમ્પલ્સ હોય તો એ તમને પ્રેગ્નન્સી દરમ્યાન ઇરિટેટ કરે છે. આનાથી બચાવવા માટે ફેસને થોડી-થોડી વારે ધોવો જોઈએ એમ જણાવતાં ડૉ. કે. ઈ. મુકાદમ કહે છે, ‘તમારી સ્કિનને ઑઇલ-ફ્રી કરવા માટે ઑઇલ-ફ્રી મૉઇસ્ચરાઇઝર વાપરો. પિમ્પલ્સને દૂર કરવા માટે જે ક્રીમ કે ઍસ્ટ્રિન્જન્ટ આવે છે એ ન વાપરવું, કેમ કે એમાં વપરાતાં કેમિકલ પ્રેગ્નન્ટ વુમન માટે નુકસાનકારક છે. જો વધારે પિમ્પલ થયા હોય તો ડર્મેટોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા. પ્રેગ્નન્સીમાં સ્કિન જેમ ઑઇલી થાય છે એમ ક્યારેક ડ્રાય પણ થઈ જાય છે. ત્યારે ડ્રાય સ્કિન માટે જે ફેસવૉશ છે એ વાપરવું.’

પ્રેગ્નન્સી દરમ્યાન ક્યારેક પેટની સ્કિન પર ખંજવાળ આવે છે અને એ ડ્રાય થઈ જાય છે. આના માટે પેટ પર અલોવેરા જેલ લગાવી શકાય. એ સિવાય મૉઇસ્ચરાઇઝિંગ સાબુ અથવા શાવર જેલ પણ વાપરી શકાય. ઇચિંગથી રાહત માટે ઍન્ટિ-ઇચિંગ ક્રીમ અથવા લોશન પણ વાપરી શકો છો, પણ જો આ પ્રૉબ્લેમ વધારે થાય તો તરત ડર્મેટોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. તમે અલોવેરા જેલને પેટ ઉપર સ્ટ્રેચ-માર્ક રિમૂવ કરવા માટે પણ લગાવી શકો છો. સ્કિન ડ્રાય ન થાય એ માટે પ્રેગ્નન્ટ મહિલાઓએ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. આનાથી સ્કિન હાઇડ્રેટ થાય છે. પ્રેગ્નન્ટ મહિલાઓએ ફ્રૂટજૂસ પીવું જોઈએ. આનાથી સ્કિન પર ગ્લો આવશે. પ્રેગ્નન્સી દરમ્યાન તમે ફેશ્યલ કે ક્લીનઅપ પણ કરાવી શકો છો, પણ આ બધું કરતા સમયે એ ધ્યાન રાખવું કે આમાં વપરાતી ક્રીમ બેસ્ટ ક્વૉલિટીની હોવી જોઈએ. બ્યુટી-પાર્લરમાં જઈ તમે પેડિક્યૉર કે મૅનિક્યૉર પણ કરી શકો છો.

ઘરગથ્થુ ઉપાય

પ્રેગ્નન્ટ મહિલા સ્કિનનો ખ્યાલ રાખવા માટે ઘરગથ્થુ ઉપાય પણ કરી શકે છે. જેમ કે મૉઇસ્ચરાઇઝર ક્રીમના બદલે ફેસ પર બદામનું તેલ અથવા દૂધ કે મલાઈ પણ લગાવી શકે છે. સ્ક્રબ માટે બદામ પીસીને એમાં દૂધ કે મલાઈ મિક્સ કરીને એની પેસ્ટ પણ વાપરી શકે છે. હોઠને સૉફ્ટ કરવા માટે નાળિયેર તેલ અથવા દૂધની મલાઈ લગાવી શકે છે. પ્રેગ્નન્સીમાં થતા સ્ટ્રેચ-માક્ર્સને દૂર કરવા માટે વિટામિન ઈ ઑઇલ લગાવી શકે છે. પિગ્મેન્ટેશન દૂર કરવા માટે સ્કિન પર નિયમિત કાચું પપૈયું ઘસવું. કાચા પપૈયામાં પેપિન નામક એન્ઝાઇમ હોય છે જે સ્કિનના રંગને સાફ રાખશે. પ્રેગ્નન્સી દરમ્યાન એ જ કૉસ્મેટિક્સ વાપરો જે ખાસ પ્રેગ્નન્ટ વુમન માટે બનાવવામાં આવ્યાં છે. કોઈ પણ કૉસ્મેટિકનો જરૂર કરતાં વધારે વપરાશ કરવો નહીં. પ્રેગ્નન્સી દરમ્યાન હેર-ટ્રીટમેન્ટ જેમ કે સ્ટ્રેટનિંગ, કલરિંગ ન કરાવવું. એ વાળને નુકસાન પહોંચાડી શકે છે. નખમાં નેઇલ-પૉલિશ લગાવો તો એ કેમિકલ વગરની લગાવો અને નેઇલ-પૉલિશ રિમૂવ કરવા માટે પણ એસીટોન-ફ્રી નેઇલ-રિમૂવર જ વાપરો.