આલિયા ભટ્ટ જેવાં મિની સ્કર્ટ્સ કઈ રીતે પહેરવાં?

07 November, 2012 06:48 AM IST  | 

આલિયા ભટ્ટ જેવાં મિની સ્કર્ટ્સ કઈ રીતે પહેરવાં?




‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં આવેલી ૧૯ વર્ષની આલિયા ભટ્ટ પોતાની સ્ટાઇલ અને માસૂમ લુક્સને કારણે ખાસ કરીને યંગસ્ટર્સમાં લોકપ્રિય થઈ ગઈ છે. આલિયાની સ્ટાઇલની ખાસિયત એ છે કે તે પોતાની ઉંમર પ્રમાણે ડ્રેસિંગ કરી રહી છે. તે જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં હાજરી આપે છે ત્યારે તે ટીનેજ છોકરી પ્રમાણે શૉર્ટ ડ્રેસ અથવા સ્કર્ટ જ પહેરેલી દેખાય છે. તેના મિની સ્કર્ટની ડિઝાઇન્સ કૉલેજ જતી ટીનેજરો માટે બેસ્ટ સ્ટાઇલ બની શકે છે. આ સ્કર્ટને પહેર્યા બાદ આલિયાની જેમ ગ્રેસફુલ કઈ રીતે દેખાઈ શકાય એ જાણી લો...

કૉન્ફિડન્સ

આટલું શૉર્ટ સ્કર્ટ પહેર્યા બાદ તમે કૉન્ફિડન્ટ દેખાઓ એ જરૂરી છે અને જો કૉન્ફિડન્સ ન હોય તો પહેરવું જ નહીં. સ્કર્ટ દેખાવમાં ક્યુટ લાગે છે અને એ પહેરીને ફરવામાં પણ કમ્ફર્ટેબલ લાગે છે, પરંતુ જો વારંવાર સ્ક્ટર્‍ ખેંચ્યા કરશો કે એનાથી પગને ઢાંકવાની કોશિશ કર્યા કરશો તો એ સારું નહીં લાગે એટલે પહેરતી વખતે જે કૉન્ફિડન્સ હતો એ પહેર્યા બાદ ચહેરા પર પણ દેખાવો જોઈએ.

કમ્ફર્ટેબલ

તમને રોજ જીન્સ પહેરવાની આદત હોય તો કદાચ સ્કર્ટ પહેરવા તમને આરામ મહેસૂસ ન થાય. આવામાં શરૂઆત થોડા લાંબા સ્કર્ટથી કરવી. જો ડાયરેક્ટ્લી મિની સ્કર્ટ પહેરશો તો આરામદાયક ફીલ નહીં જ થાય. ગોઠણ કે એનાથી થોડી વધુ લંબાઈનું સ્કર્ટ પહેરીને ટ્રાય કરો. જો ફાવે તો પછી શૉર્ટ પહેરો. કૉલેજમાંથી આઉટિંગ માટે જાઓ કે ફ્રેન્ડ્સ સાથે ફરવા જાઓ ત્યારે મિની સ્કર્ટ ટ્રાય કરી શકાય.

ફ્લેર અને ટાઇટ


સ્કર્ટ ફ્લેરવાળું પહેરવા કરતા ટાઇટ ફિટિંગ સ્કર્ટ પહેરો. સ્કર્ટ થાઇઝ પાસેથી થોડું સાકડું હશે તો એ ઊડશે નહીં અને કોઈ ક્ષોભજનક પરિસ્થિતિમાં નહીં મુકાવું પડે, પરંતુ જો ફિગર સારું હોય તો ફ્લેરવાળું સ્કર્ટ પણ બિનધાસ્ત પહેરી શકાય.

થોડું સંભાળીને


ખૂબ શૉર્ટ સ્કર્ટ પહેરો ત્યારે બેસતા સમયે તમારી સ્કિન ડાયરેક્ટ્લી સીટ સાથે સંપર્કમાં આવી શકે છે માટે જો કોઈ જગ્યા ખૂબ ગંદી કે અસ્વચ્છ લાગતી હોય તો એના પર બેસવું જ નહીં, આ સિવાય સ્કર્ટ પહેરીને બેસો ત્યારે એક પગ પર બીજો પગ ચડાવીને જ બેસવું જરૂરી છે. મિની સ્કર્ટ પહેરીને સીડી ચડો ત્યારે પ્રૉબ્લેમ થઈ શકે છે એટલે એ રીતે ચડો કે ઓપન પ્લેસમાં ન આવવું પડે. અહીં અંદર ટાઇટ્સ પહેરી શકાય જેથી આવી મુસીબતોથી બચી શકાય.

બૉડીના પ્રમાણે સ્કર્ટ

લોઅર-બૉડી હેવી હોય

કેટલીક યુવતીઓને હેવી બૉટમ અને થાઇઝના પ્રૉબ્લેમ ખરેખર ડ્રેસિંગ કરવામાં નડે છે. આ પ્રૉબ્લેમ એરિયા સાથે સ્કર્ટ પહેરવાનો ડર ચીડ ચડે એવો છે, કારણ કે પહેલાં તો એ ડર હોય કે મારા પર સૂટ થશે કે નહીં અને પહેર્યા બાદ એ ડર લાગે કે એ સૂટ થાય છે કે નહીં; પરંતુ ફૅશનના રૂલ પ્રમાણે એ પણ ખોટું નથી કે હેવી પ્રૉબ્લેમ એરિયા પરથી નજર હટાવવા માટે સ્કર્ટ અને ડ્રેસિસ જેવું બીજું કંઈ નથી. તમે થોડું ફ્લેરવાળું સ્કર્ટ પહેરશો તો હિપ્સ ઢંકાશે અને એ હેવી નહીં લાગે.

પાતળું શરીર


પાતળી ફ્રેમવાળું શરીર મળ્યું હોય, ફિગર સમતોલ હોય અને પેટ પણ ફ્લૅટ હોય તો સ્કર્ટ ખૂબ સારાં લાગશે. આવું મૉડલ ટાઇપ ફિગર ધરાવતી યુવતીઓ માટે સ્કર્ટનું સિલેક્શન કરવામાં પર્યાયોની કોઈ કમી નથી. તમે ફ્લેરવાળું અને ટાઇટ ફિટિંગવાળું બન્ને પ્રકારનાં સ્કર્ટ પહેરી શકો છો.

ઑલઓવર હેવી બૉડી

ઑલઓવર બૉડી હેવી હોય ત્યારે સ્કર્ટની પસંદગી કરવી થોડી ટ્રિકી છે. આવા શરીર માટે એવાં કપડાં પસંદ કરવાં જોઈએ જેમાં શરીર થોડું ડેલિકેટ લાગે. ખૂબ લૂઝ પણ નહીં અને ખૂબ ટાઇટ પણ નહીં એવાં સ્કર્ટ સારાં લાગશે. ખૂબ ટાઇટ હશે તો હેવી બૉડી વધુ હેવી દેખાશે, જ્યારે ખૂબ લૂઝ કપડાં પહેરશો તો સારું શરીર પણ ઢંકાઈ જશે. ફૉર્મલ ડ્રેસિંગમાં સ્કર્ટ પહેરો ત્યારે ફિટિંગ એ રીતનું રાખવું કે જેમાં વધેલી ચરબી ન દેખાય તેમ જ ઓવરઑલ સ્લિમ ઇફેક્ટ આવે. જો સારી હાઇટ હોય તો એનો ફાયદો ઉઠાવો અને ગોઠણ સુધીના સ્ક્ટર્‍ સાથે ઊંચી એડીનાં શૂઝ પહેરો, પરંતુ જો હિપ્સ વધુ હેવી હોય તો હેમલાઇન પ્રત્યે ધ્યાન આપવું.