"એક સ્ત્રી માટે સારા દેખાવું જરૂરી છે"

31 October, 2012 06:08 AM IST  | 

"એક સ્ત્રી માટે સારા દેખાવું જરૂરી છે"



અર્પણા ચોટલિયા

સ્ટાર પ્લસની ‘કહીં તો હોગા’માં કશિશના પાત્રથી ફેમસ થયેલી અને અત્યારે સોની પર આવતી સિરિયલ ‘વાદા રહા સનમ’થી ટેલિવિઝનમાં પાછી ફરેલી બ્યુટિફુલ આમના શરીફ સુંદર તો છે જ, સાથે તે પોતાની સુંદરતાની એટલી તકેદારી પણ રાખે છે. તેના મતે સુંદર દેખાવું ખૂબ જરૂરી છે. આજે તે પોતાનાં બ્યુટી-સીક્રેટ્સ શૅર કરે છે આપણી સાથે.

સુંદરતા અને પૉઝિટિવિટી

સુંદરતા ફક્ત બહારથી સારા દેખાવાની જ વાત નથી. વ્યક્તિનું મન પણ સારું હોવું જોઈએ. અંદરથી પોતાના માટે સારું ફીલ કરવું અને પૉઝિટિવ ઍટિટ્યુડ રાખવો સુંદરતા માટે જરૂરી છે. જો તમે પૉઝિટિવ હશો તો એ તમારી સુંદરતામાં વધારો કરશે. એક સ્ત્રી માટે સારા દેખાવું જરૂરી છે અને એટલે જ હું મારું પોતાનું ખૂબ ધ્યાન રાખું છું.

ખાઈ-પીને મજા

હું સ્કિન સારી રહે એ માટે ડાયટ કરવામાં નથી માનતી. મારા મતે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય ચીજો ખાઓ તો કોઈ ડાયટ કરવાની જરૂર નથી પડતી. મારા દિવસની શરૂઆત પાણી સાથે થાય છે અને હું સ્કિન સારી રહે એ માટે ખૂબ-ખૂબ પાણી પીઉં છું. એ સિવાય યોગ પણ કરું છું અને વર્કઆઉટ કરીને શરીરને સમતોલ રાખું છું. હું સારું ખાવામાં માનું છું એટલે ગ્રિલ કરેલી ચીજો તેમ જ સૅલડ વધુ ખાઉં છું. એ સિવાય ફ્રૂટ્સ પણ મને ભાવે છે. એ સ્કિન માટે સારાં હોય છે.

મૉઇસ્ચરાઇઝિંગ જરૂરી


મારી સ્કિન કૉમ્બિનેશન ટાઇપની છે એટલે કે થોડી ઑઇલી અને થોડી ડ્રાય. આવામાં મારે મૉઇસ્ચરાઇઝરનો ખૂબ ઉપયોગ કરવો પડે છે. હું સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર મારી સ્કિન મૉઇસ્ચરાઇઝ કરું છું.

મારું ફેવરિટ ક્રીમ


હું લા પેરી અને ડીઓર આ બે બ્રૅન્ડની સ્કિન-કૅર પ્રોડક્ટ્સ વાપરું છું. ડીઓરનું મૉઇસ્ચરાઇઝર અને લા પેરીનું એક ગોલ્ડ સિરમ છે જે મારું ફેવરિટ છે. આ સિરમ મને ગોલ્ડન ગ્લો આપે છે. આ સિવાય ડીઓરનું એક ક્લેન્ઝિંગ મિલ્ક પણ હું વાપરું છું.

ઘરગથ્થુ ઉપાયો


હું સુંદરતા મેળવવા માટે ઘરે પણ ઘણા અખતરાઓ કરતી રહું છું. મારી મમ્મીએ મને કેટલીક ટિપ્સ આપી છે તો કેટલીક ચીજો મને મારી ડર્મેટોલૉજિસ્ટે સમજાવી છે. હું આંખોની નીચે કાળાં કૂંડાળાં ન પડે એ માટે ટી-બૅગ્સ, કાકડી વગેરે લગાવું છું. એ ઉપરાંત ક્યારેક મુલતાની માટીનો ફેસપૅક પણ લગાવી લઉં. ફ્રૂટ્સ અને દૂધની મલાઈ સ્કિન માટે ઉપયોગી હોવાથી એને પણ ત્વચા પર ઘસું, જેથી ગ્લો મળે.

સનકૅર જરૂરી

જેમ સીઝન બદલાય એમ સ્કિનકૅર રેજિમમાં પણ ચેન્જ લાવવો જોઈએ. મારી સ્કિન શિયાળામાં વધુ ડ્રાય રહે છે એટલે મારે એ પ્રમાણે મૉઇસ્ચરાઇઝ કરવી પડે છે. ઉનાળામાં એ ઑઇલી વધુ થઈ જાય છે. આ કોઈ પણ સીઝનમાં સન બ્લૉક લગાવવો જરૂરી છે. એક વાર મેં સનસ્ક્રીન નહોતું લગાવ્યું અને શૂટિંગ પત્યા બાદ જોયું તો મારા હાથ ટૅન થઈ ગયા હતા. ત્યાર બાદ હવે હું રોજ સનસ્ક્રીન લગાવવાનું ખાસ ધ્યાન રાખું છું.

ફેવરિટ મેક-અપ

મેકની કાજલ પેન્સિલ, લિપબામ અને મારા કૉન્ટૅક્ટ લેન્સિસ આ ત્રણ ચીજો એવી છે જેના વગર હું નથી રહી શકતી. મેકની લિપસ્ટિક મારી ફેવરિટ છે તેમ જ વાઇએસએલ બ્રૅન્ડનું બ્લશ હું હંમેશાં લગાવું છું. શૂટિંગ ન કરતી હોઉં ત્યારે મેક-અપનો વપરાશ ઓછામાં ઓછો કરું છુ. રોજબરોજની લાઇફમાં હું ચહેરા પર સિરમ અને લિપબામ આ બે જ ચીજો લગાવું છું.

હેર સ્પા


વાળ પૉલ્યુશનને લીધે ડૅમેજ થઈ જાય છે એટલે એને સંભાળવા જરૂરી બને છે. હું વાળમાં તેલ લગાવું છું તેમ જ સ્પા પણ કરાવું છું. હેર સ્પા કરાવવાથી વાળ મુલાયમ અને સુંદર લાગે છે એટલે એ જરૂરી છે.