જરા હટકે હો જાએ...

16 October, 2018 06:27 AM IST  | 

જરા હટકે હો જાએ...

લેડીઝ સ્પેશ્યલ - ખુશ્બૂ મુલાની ઠક્કર

કેડિયું એટલે?


કેડિયું રબારીઓનો પોશાક છે. કેડિયું ફ્લેરવાળું જૅકેટ છે જેની લેન્ગ્થ કમરથી બે ઇંચ નીચે હોય છે એટલે કે ઉપરના ભાગમાં યોક હોય છે અને નીચે ખૂબ ફ્લેર હોય છે. ફુલ સ્લીવ્સ હોય છે. કેડિયામાં વરાઇટી આવે જેમ કે કૉલરવાળું અથવા ચાઇનીઝ કૉલરવાળું, ફ્રન્ટ ઓપન અથવા ઓવરલેપિંગ. મોટે ભાગે યોકનો ભાગ ભરેલો હોય છે અને નીચેનો ભાગ પ્લેન હોય છે. જ્યારે કેડિયાને કસ્ટમાઇઝ એટલે કે ક્લાયન્ટની ચૉઇસ પ્રમાણે બનાવવામાં આવે છે ત્યારે એમાં ઘણી પૅટર્ન આપી શકાય. કેડિયા સાથે મોટે ભાગે ચોરણી જ સારી લાગે અથવા લૂઝ સલવાર પહેરી શકાય.

કેવી રીતે પહેરાય?

કેડિયું પુરુષોનો પોશાક છે, પરંતુ કંઈક અલગ પહેરવાની ઇચ્છા હોય તો ઘાઘરા સાથે બ્લાઉઝ ન પહેરવું અને એના બદલે કેડિયું પહેરવું. કેડિયાની બેઝિક પૅટર્ન સેમ રાખવી એટલે કે ફ્રન્ટ ઓપન રાખવું. અને એની અંદર શૉર્ટ લેન્ગ્થનું મિરર વર્કવાળું બૉડી હગિંગ ટૉપ પહેરવું. જ્યારે કેડિયું ઘાઘરા સાથે પહેરવામાં આવે છે ત્યારે એને થોડો ફેમિનિન ટચ આપવો પડે છે જેમ કે કેડિયાનો ઘેરો વ્યવસ્થિત આપવો. કેડિયામાં મિરર પૅચ સાથે થોડી લેસનો પણ ઉપયોગ કરવો. કેડિયાની એજ પર કાંગરીવાળી લેસ મૂકવી અથવા ફૂમતાં લગાડવાં. જો તમે ઘાઘરા સાથે કેડિયું પહેરો તો એમાં દુપટ્ટો ન લેવો. આ લુક સાથે તમે ફુસકી પહેરી શકો. ફુસકી એટલે માથા પર પહેરવાનો ટોપલો, જે આખો વર્કવાળો હોય. જો તમારું સુડોળ શરીર હોય તો જ આ લુક ટ્રાય કરવો. આ લુક સાથે ગળામાં શૉર્ટ નેકલેસ અને લૉન્ગ નેકલેસ તમારી બૉડીટાઇપને આધારે પહેરવા અને કાનમાં ઠોળિયાં અથવા બાલી પહેરવી.

ધોતી સાથે

ધોતી સાથે કેડિયું ટ્રેડિશનલ લુક આપશે, પરંતુ કેડિયાની લેન્ગ્થ હિપ-લેન્ગ્થ રાખવી અથવા તો થાઇઝ સુધી રાખવી. તમારું સુડોળ શરીર હોય તો કેડિયાનો ઘેરો વધારે આપવો નહીં અથવા તો એ-લાઇન શેપમાં આપવો જેથી વધારે જાડા ન લગાય. ધોતી પર જે કેડિયું પહેરો એમાં ફૅબ્રિક વેરિએશન આપી શકાય સાથે થોડું સ્ટાઇલિંગ પણ આપી શકાય. આ સ્ટાઇલ લાંબી અને પાતળી યુવતીઓ પર વધારે સારી લાગશે. કાનમાં તમે લૉન્ગ ઇઅર-રિંગ પહેરી શકો.

ડેનિમ સાથે

જો ડેનિમ સાથે કેડિયું પહેરવું હોય તો કૅઝ્યુઅલ લુક પસંદ કરવો જેથી કૅઝ્યુઅલ ડેનિમ સાથે સારું લાગી શકે. ડેનિમ પર કૉટન ક્રશનું કેડિયું સારું લાગી શકે. ડેનિમ સાથે કેડિયું પહેરતી વખતે ધ્યાન રાખવું કે ડેનિમની લેન્ગ્થ ઍન્કલ સુધીની જ હોય. કૅઝ્યુઅલ કેડિયું ખૂબ વર્કવાળું ન કરાવવું. માત્ર યોકમાં થોડું વર્ક હોવું જોઈએ. કેડિયું જ્યારે ડેનિમ સાથે પહેરો ત્યારે કમર પર ઑક્સિડાઇઝ્ડ જાડો બેલ્ટ ખાસ પહેરવો જેથી કેડિયું જ્યારે ગોળ ફરે ત્યારે ઑક્સિડાઇઝ્ડ બેલ્ટ દેખાય. પગમાં ખાસ કરીને મોજડી પહેરવી. હેરમાં હાઈ પોની અથવા હાઈ બન વાળી  શકાય. નેકમાં લૉન્ગ નેકલેસ પહેરવો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

કેડિયાની લેન્ગ્થ તમારી બૉડીટાઇપને અનુસાર રાખવી.

કેડિયાનું સિલેક્શન તમે બૉટમમાં શું પહેરવાના છો એના હિસાબે કરવું.

જો તમારું શરીર ભરાવદાર હોય તો કેડિયું ન પહેરવું, એનાથી વધારે જાડાં લાગશો.

કેડિયું એક ઑથેન્ટિક પોશાક છે, એથી એની સાથે જેટલું સિમ્પલ મિક્સ ઍન્ડ મૅચ કરશો એટલું વધારે સારું લાગશે.

કેડિયામાં યોક હંમેશાં બસ્ટલાઇનથી થોડો નીચે હોય છે ને પછી ઘેરો ચાલુ થાય છે. જો કસ્ટમાઇઝ કરાવવાના હો તો યોકની લેન્ગ્થ તમારી બૉડીટાઇપ પ્રમાણે ચેન્જ કરી શકો.