તમે આ બધાં સૅલડ ટ્રાય કર્યા છે કે નહીં?

28 November, 2014 05:26 AM IST  | 

તમે આ બધાં સૅલડ ટ્રાય કર્યા છે કે નહીં?



ફાલ્ગુની જડિયા-ભટ્ટ

આજકાલ જેને મળો તે ડાયટિંગ કરતું સાંભળવા મળે છે અને ડાયટિંગની વાત આવે એટલે સૅલડનું નામ પહેલું સાંભળવા મળે. મોટા ભાગના લોકોને મન સૅલડ એટલે કાકડી, ટમેટાં, કાંદા અને ગાજરની ગોળ કાપેલી સ્લાઇસ; પરંતુ આવું બોરિંગ સૅલડ ખાવું તો કોને ગમે? એમાંય જ્યારે ડાયટિંગ દરમ્યાન બીજી બધી ભાવતી વાનગીઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોય ત્યારે કોઈ આવી કાકડી- ટમેટાની સ્લાઇસ પેટ ભરીને ખાવાનું કહે તો-તો ડાયટિંગ કાળા પાણીની સજા જેવું જ લાગેને! પરંતુ એ જ સૅલડ જો કોઈ તમને જેલી સ્વરૂપે, આઇસક્રીમના કોનમાં કે પછી પીટા બ્રેડ અથવા લેટસ વગેરે જેવા સૅલડ લીવ્ઝમાં પૅક કરીને આપે તો? તો ડાયટિંગ સજા નહીં, જલસો બની જાય; ઉત્સવ બની જાય. તો આવો આજે કુકિંગ એક્સપર્ટ કેતકી સૈયા પાસેથી જાણીએ ડાયટિંગથી માંડી કોઈ પણ પાર્ટી કે સમારંભને અનેરો ચાર્મ આપતાં સૅલડની દુનિયાના નવા આવિષ્કારો વિશે...

કોન સૅલડ

મોટા ભાગની મમ્મીઓની ફરિયાદ હોય છે કે તેમનાં બાળકો ચૉકલેટ કે આઇસક્રીમ  આપશો તો પેટ ભરીને ખાઈ જશે, પરંતુ શાક અને એમાંય સૅલડ ખાવાનું કહેવામાં આવશે તો એક કોળિયો પણ તેમના ગળે ઊતરશે નહીં. અહીં કેતકીબહેન કહે છે, ‘ભોજન માત્ર જીભને જ સ્વાદિક્ટ લાગે એટલું પૂરતું નથી. એ આંખોને પણ આકર્ષક લાગવું જરૂરી છે. બલકે બાળકોના સંદર્ભમાં તો આ બાબત પહેલાં લાગુ પડે છે. તેથી તેમના માટે કોઈ પણ વાનગી બનાવો ત્યારે એ તેમના ટેસ્ટ અને રુચિને અનુકૂળ રીતે બનાવવાનો પ્રયત્ન પહેલાં કરવો જોઈએ. આ જ કારણ છે કે કુકિંગના ફીલ્ડમાં આજકાલ કોન સૅલડ ખૂબ જાણીતાં બન્યાં છે. આ પ્રકારનાં સૅલડ આઇસક્રીમ ભરવા માટે બનેલા વૉફલ કોન અથવા નાગરવેલના પાનમાંથી બનાવેલી પૂડીમાં ભરીને પીરસવામાં આવે છે. એમાં સ્ટફિંગ રૂપે તમે બારીક સમારેલું તમારું મનગમતું સૅલડ થોડા સીઝનિંગ અથવા સૅલડ ડ્રેસિંગ સાથે ભરી શકો છો. ટૂંકમાં વસ્તુ એ જ છે, બસ પ્રેઝન્ટેશન બદલાઈ જતાં વસ્તુની આખી મજા બદલાઈ જાય છે. આવું સૅલડ માત્ર બાળકોને જ નહીં, મોટાઓને પણ આકર્ષક લાગતું હોવાથી આજકાલ પાર્ટીઓમાં અને લગ્ન સમારંભોમાં એ ખૂબ પ્રચલિત બની રહ્યું છે.’

પૉકેટ સૅલડ

સાંજના સમયે ભૂખ લાગે એટલે મુંબઈગરાઓને સમોસા, કચોરી અને વડાપાંઉ પહેલાં યાદ આવે. એવામાં કોઈ ફોર-ઓ-ક્લૉક હંગર તરીકે ઓળખાતી ભૂખના આ સમયે ડાયટિંગ કરનારને સૅલડ ખાવાનું કહે તો કેટલું આકરું લાગે એ સમજી શકાય એવું છે, પરંતુ એ જ સૅલડને સમોસા કે કચોરીની જેમ પીટા બ્રેડમાં પૅક કરીને કે પછી લેટસ વગેરે જેવા સૅલડ લીવ્ઝનાં પૉકેટ્સમાં ભરીને ખાવા આપે તો ખાનારની આખી માનસિકતા જ બદલાઈ જાય. ડાયટિંગ કરનાર માટે આવું સૅલડ સજા નહીં, સેલિબ્રેશન બની શકે છે. આ સેલિબ્રેશનના પ્રિપેરેશનની વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘સ્વાસ્થ્ય માટે સારા સૅલડમાં થોડાં હબ્સર્‍, ઑલિવ ઑઇલ કે સૅલડ ડ્રેસિંગ નાખી દેવાથી એને એક સ્વાદિક્ટ ટચ મળી જાય છે. આવું સૅલડ ચાઇનીઝ લેટસ, રુમાનિયન લેટસ અથવા આપણાં ઇન્ડિયન સૅલડ લીવ્ઝમાં ભરીને એનાં પડીકાં બનાવી પીરસવામાં આવે તો એ જોતાંની સાથે આંખોને ગમી જાય એવા મોમોઝ જેવું લાગે છે. અનુકૂળતા ખાતર એને પૅક કરવા તમે એકાદ ટૂથપિકનો ઉપયોગ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો ચોખાના લોટના પાતળા પાપડની ફ્રેન્કીની જેમ અથવા પીટા બ્રેડને વચ્ચેથી કાપી સૅન્ડવિચની જેમ પણ સૅલડ ખાઈ શકો છો. સાંજના સમયની ભૂખ માટે આનાથી વધુ ટેસ્ટી અને હેલ્ધી વિકલ્પ બીજો કયો હોઈ શકે?’

જેલો સૅલડ

ડાયટિંગ કરી રહ્યા હો ત્યારે ડૉક્ટરો સૅલડ બાદ ફ્રૂટ અને ફ્રૂટજૂસ પર બને એટલો વધુ ભાર મૂકવાનું કહેતા હોય છે, પરંતુ એક વ્યક્તિ ખાઈ-ખાઈને કેટલાં ફ્રૂટ ખાઈ શકે કે પછી કેટલાં જૂસ પી શકે? પરંતુ એ જ વસ્તુ જો જેલો સૅલડ સ્વરૂપે તેની સામે મૂકવામાં આવે તો? તો ખાવા માટે મનનું લલચાવું સ્વાભાવિક છે. આ જેલો સૅલડ શું છે એની વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘કોઈ પણ ફ્રૂટજૂસમાં અન્ય ફ્રૂટના બારીક ટુકડા નાખી એમાં થોડું ચાઇનાગ્રાસ કે પછી જિલેટિન ઓગાળી એને જમાવી દેવામાં આવે તો ખૂબસૂરત જેલો સૅલડ તૈયાર થઈ જાય છે. કાચના ફૅન્સી બાઉલ, ટૉલ ગ્લાસ અથવા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ કપમાં જમાવીને પીરસવામાં આવેલું આ સૅલડ જોતાંની સાથે જ મોંમાં મૂકી દેવાનું મન થઈ જાય એટલું સુંદર હોય છે. આવું સૅલડ ડાયટિંગ કરી-કરીને થાકેલી વ્યક્તિથી માંડી કોઈ પણ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. તમે ઇચ્છો તો આ સૅલડમાં જુદા-જુદા રંગનાં ફ્રૂટ્સ અને ફ્રૂટજૂસના લેયર્સ બનાવી એને એક આકર્ષક ટ્વિસ્ટ પણ આપી શકો છો.’