ગ્રૂમિંગ માટે આટલું જરૂરી

21 December, 2012 06:41 AM IST  | 

ગ્રૂમિંગ માટે આટલું જરૂરી



મોટા ભાગે પુરુષોને તૈયાર થવામાં ઓછો સમય લાગે છે તેમ જ તેમને વધુપડતું કંઈ કરવું નથી પડતું એ વાતથી હાશકારો અનુભવતા હોય છે અને આનો અર્થ એ પણ થાય છે કે તેઓ પોતાની માટે બનેલી પ્રોડક્ટ્સ પર પણ એટલું ધ્યાન નથી આપતા. જોકે આટલું જ ઝડપથી તૈયાર થવું હોય અને ઓછી ચીજો વાપરીને પણ પર્ફેક્ટ લાગવું હોય તો કેટલીક એવી ચીજો છે, જે રેગ્યુલર વાપરવી જરૂરી છે.

લિપ બામ

અહીં લિપસ્ટિક કે પિન્ક હોઠની વાત જરાય નથી અને ન તો દવા જેવા ટેસ્ટ ધરાવતા લિપ બામની. આ સીઝનમાં જો હોઠ ને પોતાના ઓવરઑલ લુકની જેમ પર્ફેક્ટ રાખવા હોય તો લિપ બામ વાપરવું. કોઈ પણ જાતના રંગ વિનાનું લિપ બામ લગાવવું જોઈએ જેથી હોઠને ઠંડી સામે પ્રોટેક્શન મળે. ફાટેલા અને ડ્રાય લિપ્સ દેખાવામાં ખરેખર ખરાબ લાગે છે. લિપ બામમાં શિયા બટર હોય એ જોવું. એનાથી હોઠ સૉફ્ટ રહેશે.

ફેસ વૉશ


ભલે આ ચીજ કૉમન હોય, પરંતુ કેટલાક પુરુષો હાર્શ સાબુને ચહેરા પર લગાવતા જરાય અચકાતા નથી. યોગ્ય ચીજ નહીં લગાવો તો ચહેરો રફ અને ડ્રાય બની જશે. પુરુષો માટેના ફેસ વૉશ પણ હવે ખૂબ વરાઇટીમાં મળતા થઈ ગયા છે એટલે સ્ત્રીઓની ચીજો વાપરવાની નિરાશા પણ નહીં થાય. પુરુષો માટે જ બનેલા, સારી બ્રૅન્ડના ફેસ વૉશ વાપરશો તો એનાથી મળનારી બ્યુટી પણ પુરુષો જેવી જ હશે.

મૉઇસ્ચરાઇઝર

ફેશ વૉશ લગાવીને કામ પૂરું નથી થતું. એના પર મૉઇસ્ચરાઇઝર લગાવવું પણ જરૂરી છે. અને અહીં ફેરનેસ ક્રીમને કોઈ સ્થાન નથી. ચહેરા પર ફેસ વૉશ લગાવ્યા બાદ એને જો મૉઇસ્ચરાઇઝ ન કરવામાં આવે તો સ્કિન ડ્રાય થઈ જાય છે. સારી ક્વૉલિટીના ચીકણા ન હોય એવા અને સુગંધ વિનાના મૉઇસ્ચરાઇઝર લગાવો. ડ્રાય સ્કિન અટ્રૅક્ટિવ નથી લાગતી અને જો ત્વચા ડ્રાય હોય તો ખંજવાળ પણ આવે છે. આ બધાથી બચવાનો એક ઉપાય છે મૉઇસ્ચરાઇઝર. એટલે રોજ ચહેરા પર સવારે અને રાત્રે એ લગાવો.

સારું ડિઓડરન્ટ

વધુપડતું સ્ટ્રૅન્ગ ડિઓડરન્ટ જરાય આકર્ષક નથી. માટે એનાથી દૂર રહો. આ સિવાય ડિઓડરન્ટમાં જો પાઉડર હોય તો એ ગળા પર કે ચેસ્ટ પર દેખાવો ન જોઈએ. કેટલાક ડિઓડરન્ટ લગાવ્યા બાદ જો પસીનો થાય તો એ ચામડી પર સફેદ રંગનું એક લેયર બનાવે છે. આવાં ડિઓડરન્ટ અવૉઇડ કરવાં. આ સિવાય જાહેર સ્થળે જવાનું હોય ત્યારે લોકોના માથાનો દુખાવો બને એવા સ્ટ્રૉન્ગ ડિઓ લગાવવાનું પણ ટાળવું. આ જ રીતે જાહેરમાં પેસ્ટલ શેડ્સ પણ ન પહેરવા. ગમે તેટલું ડિઓ લગાવ્યા બાદ પણ બગલના ભાગમાં પસીનો થાય જ છે અને એના ડાઘ પેસ્ટલ શેડના શર્ટમાંથી દેખાશે.

નખનું પ્રોટેક્શન

નખ બટકણા હોય તો એનાથી હાથ સારા નથી લાગતા, પ્લસ નખ જો વચ્ચેથી તૂટી જાય તો દુખાવો પણ થાય છે. તો આવામાં નેઇલ-પૉલિશ જેવું જ આવતું નેઇલ-હાર્ડનર લગાવી શકાય, જે પારદર્શક હોવાથી બીજા કોઈને ખબર પણ નહીં પડે અને તમારા નખને ઘસાઈ જતા બચાવશે. એ સાથે નેઇલ-હાર્ડનરથી નખ સાફ અને સ્વસ્થ પણ લાગશે અને આવા હાથ હશે તો સામેવાળું જરૂર ઇમ્પ્રેસ રહેશે.

ટૂથપેસ્ટનો રંગ

રોજબરોજના વપરાશમાં ટૂથપેસ્ટનો પણ સમાવેશ થાય છે. આ ચીજ મોટા ભાગના લોકો નોટિસ નહીં કરે, પરંતુ કોઈ ટૂરમાં કે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો અને ટૂથપેસ્ટની એવી ટ્યુબ બહાર કાઢો જેના પર કાટૂર્ન બનેલા હોય કે બબલગમ જેવો ટેસ્ટ હોય કે પછી લાલ રંગનું જેલ હોય અને જ્યારે તમે કોગળા કરો ત્યારે લોહી નીકળતું હોય એવું લાગે તો એ ખરેખર ખરાબ દેખાય છે. માટે સિમ્પલ દાંત સાફ કરવા માટે બનેલી ટૂથપેસ્ટ વાપરવી. અહીં ફેન્સી આઇટમ્સ ઍડ કરવાની જરૂર નથી. ધ્યાનમાં રાખો કે સિમ્પલ ચીજો વધુ ઇફેક્ટિવ હોય છે.