ક્રૉકરી ખરીદતા સમયે શું ધ્યાનમાં રાખશો?

29 November, 2012 06:38 AM IST  | 

ક્રૉકરી ખરીદતા સમયે શું ધ્યાનમાં રાખશો?



ડાઇનિંગ રૂમમાં કે કિચનમાં ક્રૉકરીનું સ્થાન એક ગૃહિણી માટે ખૂબ જ મહત્વનું હોય છે, કારણ કે ક્રૉકરી એવી ચીજ છે જે વપરાશમાં તો આવે જ છે, સાથે કિચનને ડેકોરેટ કરવાનું પણ કામ કરે છે. ડાઇનિંગ હૉલમાં લગાવેલા શોકેસમાં ડેકોરેટિવ અને મોંઘી ક્રૉકરી ડિસપ્લે માટે રાખવી એ ખરેખર સારી વાત કહેવાય, પરંતુ ઘણી વાર આ રૉયલ્ટી દેખાડવાના ચક્કરમાં આપણે એવી ક્રૉકરી ખરીદી લેતા હોઈએ છીએ જેનો આપણને ખરેખર કોઈ ઉપયોગ થતો નથી. ક્રૉકરી એવી હોવી જોઈએ, જે જમતી વખતે મૂડ સારો બનાવે અને એમાં પીરસાયેલી ડિશની વૅલ્યુ વધારે. જોઈએ ક્રૉકરી ખરીદતા સમયે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

પસંદગી

તમે ખરીદેલી કાચની કે પોર્સેલિનની ક્રૉકરી ઑરિજિનલ છે કે નહીં એ જાણવા માટે કેટલીક ટેસ્ટ કરી શકાય. સૌથી પહેલાં જુઓ કે એનો રંગ સફેદ છે કે નહીં તેમ જ જ્યારે એને લાઇટની નીચે રાખવામાં આવે ત્યારે પ્રકાશ એ ક્રૉકરીની આરપાર થવો જોઈએ. જો એ બન્ને ટેસ્ટ પાસ થાય તો એ ક્રૉકરી પોર્સેલિનની છે. કોઈ પણ ક્રૉકરી ખરીદતા સમયે એનો વપરાશ, સાઇઝ અને સાચવણી ધ્યાનમાં રાખવી જરૂરી છે.

વપરાશ

ક્રૉકરી એક-બે દિવસ વાપરીને ફેંકી દેવાની ચીજ નથી. માટે એની પસંદગી કરતા સમયે ફક્ત કોઈ પીસનો દેખાવ ધ્યાનમાં ન રાખતાં એનો વપરાશ કેટલો થશે એ પણ ચેક કરો. ચીજો એવી પસંદ કરો, જે દેખાવમાં સુંદર તો હોય જ પરંતુ સાથે રોજ વપરાશમાં પણ લઈ શકાય. માટીની બનેલી ક્રૉકરી બોન ચાઇના કે પોર્સેલિન કરતાં વધુ ટકાઉ હોય છે. સ્ટોનવેઅર પણ લાંબા સમય માટે સારી રહેશે.

કૉસ્ટ

ક્રૉકરીની વૅલ્યુ એ કેટલી નાજુક અને સારી છે એના પરથી નક્કી થાય છે. બોન ચાઇનાની બનેલી ક્રૉકરી માટી અને સ્ટોનવેઅરની ક્રૉકરી કરતાં પ્રમાણમાં મોંઘી હોય છે, પરંતુ બોન ચાઇનાની ક્રૉકરી વધુ ગરમી સહન નથી કરી શકતી એટલે હાઇ ટેમ્પરેચરના સંપર્કમાં આવતાં તૂટી શકે છે.

સાચવણી

બધી જ સિરામિક આઇટમો આસાનીથી સાચવી શકાય એવી નથી હોતી. બોન ચાઇનામાંથી બનેલી ક્રૉકરીને ખાસ સાચવવી પડે છે અને જો એ રોજબરોજના વપરાશમાં લેવાતી હોય તો એક્સ્ટ્રા કૅર માગે છે. અર્થનવેઅરને જો બરાબર સાચવવામાં ન આવે તો એની પોપડીઓ ખરી શકે છે. પોર્સેલિનને હાઇ ટેમ્પરેચરમાં જ બનાવેલી હોવાથી એને હીટથી નુકસાન નથી પહોંચતું. હવે તો કેટલીક ક્રૉકરીઓ ડિશ વૉશર અને અવન ફ્રેન્ડલી પણ હોય છે.

કલેક્શન


ડાઇનિંગ ટેબલ પર હોવી જોઈએ એટલા પૂરતી ક્રૉકરી હોય એનું ધ્યાન રાખો. અહીં ટેબલ કેટલી વ્યક્તિઓ માટેનું છે એ પણ મહત્વની બાબત છે. આ સિવાય ઘરમાં જો કોઈ મહેમાન આવતા હોય તો એ માટેની ક્રૉકરીનો સેટ જુદો હોવો જોઈએ. કાંટા તેમ જ ચમચીની સંખ્યા અને ડિઝાઇન બન્ને પણ એકસરખી હોવી જરૂરી છે. રેગ્યુલર વાપરવાના ડિનર સેટ સિવાય એક પોર્સેલિન કે કાચનો ડિનર સેટ સ્પેશ્યલ ઓકેઝન માટે વસાવી શકાય.

ક્રૉકરીના પ્રકાર

બોન ચાઇના

બોન ચાઇનાની ક્રૉકરી તેના સફેદ રંગ માટે જાણીતી છે. ટકાઉ હોવાને કારણે બોન ચાઇનામાંથી નાજુકમાં નાજુક આઇટમો પણ બનાવી શકાય છે. બોન ચાઇનાનો રંગ અને પારદર્શકતા પોર્સેલિન જેવી જ હોય છે તેમ જ એ કેટલાક બીજા રંગો અને ડિઝાઇનમાં પણ મળે છે.

પોર્સેલિન

ચાઇનાની સ્પેશ્યલિટી એવી પોર્સેલિન માટીની બનેલી આ ક્રૉકરી કેટલીયે સાઇઝ અને શેપમાં મળી રહે છે. પોર્સેલિન માટીને જુદા-જુદા ટેમ્પરેચર પર ટ્રીટ કરીને બનાવવામાં આવે છે. આ ક્રૉકરી મજબૂત હોય છે અને દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. પોર્સેલિન ક્રૉકરીમાં પણ જુદી-જુદી પ્રાઇઝની ક્રૉકરી મળી રહેશે. આ ક્રૉકરીની સારસંભાળ થોડી વધુ મહેનત માગે છે.

સ્ટોનવેઅર


સિરામિકમાં સૌથી વધુ ટફ ગણાતી સિરામિકની ક્રૉકરીને જુદી-જુદી માટીનાં કૉમ્બિનેશનથી બનાવવામાં આવે છે. મોટા ભાગે આ ક્રૉકરી એક ખાસ પ્રકારની માટીને આગમાં મજબૂત બનાવીને બનાવવામાં આવે છે. આ સ્ટ્રૉન્ગ છે, ટકાઉ છે અને ડેઇલી વપરાશ માટે પણ સારી રહેશે. સ્ટોનવેઅરમાં પણ જુદા-જુદા અનેક પ્રકાર છે.