રાંધણિયો વર, ચીંધણિયો વર, બેડે પાણી લાવે (મારા કિચનના પ્રયોગો)

08 November, 2012 08:40 AM IST  | 

રાંધણિયો વર, ચીંધણિયો વર, બેડે પાણી લાવે (મારા કિચનના પ્રયોગો)



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)

જો વેસ્ટનું મૉડર્ન કલ્ચર અપનાવવું હોય તો ત્યાં પુરુષો પોતાની વાઇફને હેલ્પ કરે છે એ નિયમ પણ અપનાવવો જોઈએ.

આ શબ્દો છે મૂળ જાફરાબાદના કપોળ વાણિયા જ્ઞાતિના રાકેશ મહેતાના. રાકેશભાઈ માર્કેટિંગ પ્રોફેશનલ છે અને તેમને રસોઈ કરવાની ખૂબ મજા પડે છે. ક્યારેક ગોટાળા પણ થાય છે અને માટે જ તેઓ નવું-નવું ટ્રાય કરવા કરતાં જેટલું શીખ્યા છે એ જ બનાવવાનું પસંદ કરે છે. જાણીએ રસોઈના તેમના શોખ વિશે જાણીએ તેમના જ શબ્દોમાં.

શું ગડબડ થયેલી?

મહેમાન આવવાના હતા અને મને થયું કે તેમને કંઈક બનાવીને સરપ્રાઇઝ આપું, પણ તેમણે કંઈ ફૅન્સી બનાવવાની ના પાડી એટલે મેં લોટનો શીરો બનાવવાનું વિચાર્યું. લોટ શેક્યો અને ગોળનું પાણી નાખીને શીરો પણ બનાવ્યો, પણ એ શીરો ઓછો અને લોટની લાહી બનાવી હોય એવો ચીકણો પદાર્થ વધુ લાગતો હતો. હકીકતમાં શીરામાં ઘી પહેલેથી જ થોડું વધુપડતું નાખવું જોઈએ. પછીથી ઘી એક્સ્ટ્રા લાગે તો કાઢી શકાય, પરંતુ જો ઓછું પડે તો એનો કોઈ રસ્તો નથી અને એ શીરા જેવું લાગે પણ નહીં. એ દિવસે મારા હાથે એવી જ ભૂલ થઈ. મેં શીરા માટે ઘી ખૂબ થોડું લીધું અને ત્યાર બાદ લોટ પણ બરાબર શેકાયો નહીં જેથી એ ચીકણું બની ગયું. એને સુધારવાનો આમ તો કોઈ ચાન્સ નહોતો, પણ મેં છેલ્લું રિસ્ક લેતાં એક તપેલીમાં બીજું ઘી ગરમ કર્યું. એ ગરમ ઘી શીરામાં રેડી પછી એને ઢાંકીને ચડવા દીધો અને ખોલીને જોયું તો શીરો ખરેખર ખૂબ સારો બની ગયો હતો. આમ એ દિવસે મારો મહેમાનો સામે ફિયાસ્કો થતાં બચી ગયો.

લોટ હું નહીં બાંધું

મને બધું જ બનાવતાં આવડે છે, પરંતુ લોટ નથી બાંધતો. મેં પહેલાં બે-ત્રણ વાર લોટ બાંધવાની ટ્રાય કરી છે, પણ દર વખતે કાં તો લોટ ઓછો પડતો અને કાં તો પાણી વધુ પડી જતું. ભાખરીનો લોટ બાંધવાનો હોય તો કાંઈક બીજું જ પેસ્ટ જેવું બની જાય. આને લીધે હવે હું લોટ બાંધવાની ટ્રાય નથી કરતો. જો એવી કોઈ ચીજ બનાવવી હોય તો વાઇફ સાધનાને કહું કે તું લોટ બાંધી આપ. આમ પણ મને લોટ બાંધતી વખતે હાથ પર એ ચોંટી જાય એ નથી ગમતું.

મમ્મીને હેલ્પ

મેં રસોઈ કરતાં મમ્મી પાસેથી શીખી છે. મને ખાવાનો ભરપૂર શોખ અને એમાંય મારે બહેન નહીં. હું અને મારો ભાઈ બે જ હતા. એવામાં મમ્મી રસોઈ કરે ત્યારે તેને હેલ્પ કરવા માટે હું અને મારો ભાઈ બન્ને મમ્મી પાસેથી રસોઈ શીખ્યા. મમ્મીને કહ્યું કે હવે તારે બનાવવું પડે એના કરતાં અમને જ શીખવી દે એટલે ક્યારેક એકલા હોઇએ ત્યારે બનાવવું હોય તો કામ લાગે. આમ મેં રસોઈ કરતાં શીખી.

વાઇફ ખુશખુશાલ

મને રસોઈ કરતાં આવડે છે એ વાતથી મારી વાઇફ ખૂબ ખુશ છે. બિલ્ડિંગમાં જો કોઈને કોઈ આઇટમ બનાવતાં ન આવડતું હોય તો મને આવીને પૂછે. મારી વાઇફ ખૂબ ખુશ થાય કે મને ઑલરાઉન્ડર પતિ મળ્યો છે, પરંતુ ક્યારેક અકળાય પણ ખરી. જ્યારે મોડું થતું હોય ત્યારે જો હું કિચનમાં જઈને તેને સલાહ-સૂચનો આપું તો કહી દે કે ‘રાકેશ, મને હમણાં મારી રીતે કામ કરવા દે. તું બહાર જા’. બાકી જો મારે ક્યારેક કંઈક બનાવવાનું હોય તો એ હું કહું એ રીતે બધી જ તૈયારીઓ કરી રાખે.

ઘરમાં બધાનું ફેવરિટ

ઘરમાં મારા હાથની બનાવેલી ઑલમોસ્ટ બધી જ ચીજો બધાને ભાવે છે, પરંતુ મિસળ-પાંઉ ફેવરિટ છે. બિલ્ડિંગમાં પણ જો કોઈ ફંક્શન હોય અને ફટાફટ કંઈ બનાવવાનું હોય તો બધા મારા હાથના મિસળ-પાંઉ ખાવાની ડિમાન્ડ કરે અને મને પણ એ બનાવવું ગમે છે, કારણ કે મિસળ બનાવવામાં મારે વધુ કંઈ કરવાનું નથી. મસાલો મુખ્ય છે બાકી તો કુકરમાં રંધાઈ જાય. ક્યારેક મન થાય તો ઝટપટ પંદર મિનિટમાં બાળકોને જુદા-જુદા ટાઇપનાં ભજિયાં પણ બનાવી આપું. પાંઉભાજી પણ સારી બને છે. બાકી મને પોતાને ભરેલાં શાક બનાવવા ગમે. ભરેલા ભીંડા, ભરેલાં કારેલાં, ભરેલાં રીંગણ-બટાટા જેવાં શાક બનાવવાની મજા આવે અને સારાં પણ બને છે. આ સિવાય હું કંટોલાંનું શાક બનાવું છું, જે ખાશો તો ખબર પણ નહીં પડે કે એ કંટોલાંનું શાક છે. મારા બિલ્ડિંગમાં એક ભાઈ કંટોલાં નહોતા ખાતા, પરંતુ મારી રેસિપી ચાખ્યા બાદ તેઓ કંટોલાં ખાતા થઈ ગયા છે.

વાઇફને હેલ્પ કરો

દરેક પુરુષે વાઇફને કિચનમાં હેલ્પ કરવી જોઈએ. દર વખતે ઑર્ડર છોડવા કરતાં જો તેમની સાથે મળીને કામ કરશો કે તેમને મદદરૂપ થશો તો તે ખુશ થશે અને તેને પણ કામ કરવાની મજા આવશે. સાથે મળીને શાક સમારશો, રસોઈ સાથે મળીને બનાવશો તો એ બહાને વાઇફ સાથે સમય ગાળવાનો પણ ચાન્સ મળશે.