તમારો ચહેરો ગોળ હોય તો ડ્રેસનું ગળું વી રખાવો

05 November, 2012 06:35 AM IST  | 

તમારો ચહેરો ગોળ હોય તો ડ્રેસનું ગળું વી રખાવો


મોટા ભાગના લોકો માને છે કે હેરકટથી ચહેરાને શેપ મળે છે અને હેરકટ ચેન્જ કરીને ચહેરાનો શેપ પણ ચેન્જ કરી શકાય છે, પરંતુ વાળ સિવાય જે ડ્રેસ પહેર્યો હોય એની નેકલાઇન પણ ચહેરાના આકાર માટે મોટો ભાગ ભજવે છે. દરેક આકારના ચહેરા માટે જુદી-જુદી પૅટર્ન છે. તમને કેવી નેકલાઇન અને કેવા ટાઇપના કૉલર સૂટ કરશે એ તમારા ચહેરાના આકાર પર આધાર રાખે છે.

ગોળાકાર ચહેરો

ગોળમટોળ ચહેરો હોય ત્યારે જરૂર કોઈ એવી ચીજની હોય છે જેનાથી એને વર્ટિકલ ફોકસ મળે. ચહેરો ગોળ હોય ત્યારે સ્વાભાવિક છે કે શરીર પણ થોડું હેવી હોઈ શકે. એટલે પુરુષોએ એવા કૉલર પસંદ કરવા જે પહોળા ન હોય. એ ડીપ હશે તો ચાલશે. આ સિવાય વી-નેકનું ટી-શર્ટ પહેરી શકાય. સ્ત્રીઓએ વી નેકનાં ટૉપ્સ અને બ્લાઉઝ પહેરવાં. ડીપ વી નેક તમારા ગોળ ચહેરાને વર્ટિકલ શેપ આપશે.

લાંબો ચહેરો

લાંબા ચહેરાના ગુણધર્મ ગોળાકાર ચહેરાથી વિરુદ્ધ હશે. લાંબો ચહેરો ધરાવતાં પુરુષો અને સ્ત્રીઓએ એવી નેકલાઇન પહેરવી જે હોરિઝૉન્ટલ ફોકસ આપે. આનાથી ચહેરો લંબગોળ કરતાં પહોળો વધુ લાગશે. તમને આડી રાઉન્ડ શેપની અથવા સ્ક્વેર શેપની નેકલાઇન સારી લાગશે. એવું કંઈ પણ ન પહેરવું જે ઉપરથી નીચે તરફનો ફોકસ આપે. એવા શેપ્સ પહેરો જે ચહેરાની લંબાઈ સાથે પહોળાઈને પણ બૅલેન્સ કરે.

ઍન્ગ્યુલર ફેસ

ઍન્ગ્યુલર ચહેરો કે જેનાં ફીચર્સ ખૂબ શાર્પ હોય, દાઢીનો ભાગ અણીદાર હોય અને જડબું પણ પહોળું હોય એવા ચહેરા માટે નેકલાઇન સિલેક્ટ કરવામાં કોઈ પાબંધી નથી. આવો ચહેરો ધરાવતી વ્યક્તિ કોઈ પણ નેકલાઇન પહેરી શકે છે અને એ તેને શોભશે, પરંતુ ખૂણા નીકળતા હોય એવી ડિઝાઇન પણ સિલેક્ટ ન કરવી. આવા ચહેરામાં આંખો પર ફોકસ થવો જોઈએ અને એટલે કર્વવાળી નેકલાઇન પસંદ કરી શકાય. 

ચોરસ ચહેરો


જો તમારા ચહેરાનો આકાર ચોસર જેવો હોય તો ફ્રીલવાળી નેકલાઇનનું ટૉપ પસંદ કરો. ફ્રીલની સૉફ્ટનેસ બૉડી-સ્ટ્રક્ચરને બૅલેન્સ કરશે. ચોરસ ચહેરો ધરાવતા પુરુષોએ પૉઇન્ટેડ કૉલર પહેરવાનું ટાળવું, કારણ કે એનાથી તેમના જડબાનો ભાગ વધુ ચોરસ લાગશે.

લંબચોરસ ચહેરો

લંબચોરસ ચહેરો ધરાવતી વ્યક્તિએ પણ લંબગોળ ચહેરો ધરાવતી વ્યક્તિની જેમ એવી કોઈ પણ નેકલાઇનથી દૂર રહેવું, જે લંબાઈ પર ફોકસ કરતી હોય, કારણ કે એમ કરવાથી ગરદન વધુ લાંબી હોય એવું લાગશે.