વૉર્ડરોબમાં આટલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી

24 October, 2012 05:54 AM IST  | 

વૉર્ડરોબમાં આટલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી



શું તમારો વૉર્ડરોબ એક ફ્રિજ જેવો છે? જેમાં કામનું અને નકામું બધું જ ભરેલું હોય છે. તો આવા વૉર્ડરોબને ખાલી કરીને એમાં ફક્ત બેસિક ચીજો રાખવાની જરૂર છે, જે કોઈ પણ પ્રસંગે કે કોઈ પણ બીજાં કપડાં સાથે સારું કૉમ્બિનેશન બનાવી શકે, કારણ કે આ આઉટફિટ્સ વર્સેટાઇલ હોય છે અને બીચ હોય કે ઑફિસ કે પછી લગ્ન, પહેરી શકાય. જોઈએ વૉર્ડરોબની કેટલીક બેસિક જરૂરિયાતો.

વાઇટ બટન ડાઉન શર્ટ

વાઇટ શર્ટ વૉર્ડરોબમાં રાખી શકાય એવું સૌથી ફ્લેક્સિબલ વસ્ત્ર છે. કેઝ્યુઅલ લુક માટે શૉર્ટ્સ અને જીન્સ સાથે પહેરી શકાય અને જો ઑફિસમાં પહેરવો હોય તો ટાઈ અને કૉટન ટ્રાઉઝર સાથે પહેરો. ફૉર્મલ ઇવેન્ટ માટે ડાર્ક સૂટ સાથે પણ વાઇટ શર્ટ જરૂરી છે. ટ્રેડિશનલ લુક માટે ૧૦૦ ટકા કૉટન અથવા લિનનનું વાઇટ શર્ટ પહેરો અને જો મૉડર્ન લુક જોઈતો હોય તો સ્ટ્રેચ કૉટન ટ્રાય કરો.

ડાર્ક જીન્સ

ડાર્ક ડેનિમ પૅન્ટ્સ દરેક પુરુષના વૉર્ડરોબમાં જરૂરી છે, કારણ કે એને તમે ફૉર્મલ જૅકેટથી લઈને ટી-શર્ટ સુધી બધા સાથે પહેરી શકશો. આ એક જીન્સ બ્રૅન્ડેડ લેવાનું પ્રિફર કરો, કારણ કે બ્રૅન્ડેડ જીન્સનું ફિટિંગ ખૂબ સારું હોય છે અને એ લુકમાં પણ સારું લાગશે. વાઇટ શર્ટ સાથે પણ ડાર્ક શેડનું ડેનિમ બેસ્ટ પેર લાગશે. આ કૉમ્બિનેશન એક કોરા કાગળ જેવું છે, જેના પર તમે કોઈ પણ એક્સેસરીથી સજાવી શકશો.

વી-નેક સ્વેટર

કેશમીર મટીરિયલનું ગૂંથેલું વી-નેક સ્વેટર તમે સૂટ કે જીન્સ સાથે પહેરી શકશો. ફક્ત જીન્સ સાથે પહેરતાં કેઝ્યુઅલ લુક આપશે અને ફૉર્મલમાં બ્લેઝરની અંદર પણ પહેરી શકાય. જો ગરમી વધી જાય તો સ્વેટરને કાઢીને ગળા ફરતે વીંટાળી દો. કેઝ્યુઅલ લુક આપશે. જો સ્વેટર ખરીદવાના હો તો ન્યુટ્રલ શેડ ખરીદવો, જે બીજા કોઈ પણ રંગ સાથે સારો લાગે. ઉદાહરણ તરીકે બ્લૅક, બ્રાઉન કે ચારકોલ. અને જો બીજા એક સ્વેટરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ગ્રીન, પિન્ક કે બ્લુ જેવા બ્રાઇટ કલર પસંદ કરો, જે તમારા બેસ્ટ ફીચર્સને હાઇલાઇટ કરશે.

નેવી બ્લેઝર


નેવી બ્લુ કલરનું આ જૅકેટ હંમેશાં જેન્ટલમૅન લુક આપશે. અને એને ડેનિમ કે ફૉર્મલ ટ્રાઉઝર્સ સાથે મૅચ કરી શકાય. બ્લેઝરનાં બટન્સ બ્રાસનાં હોવાં જોઈએ અને એને ખુલ્લાં રાખવાં. ફૉર્મલ પાર્ટી તો નહીં, પરંતુ મીટિંગ કે સેમી ફૉર્મલ ઇવેન્ટ માટે આ બ્લેઝર સારું લાગશે.

સૉલિડ ડાર્ક સૂટ

ઑફિસમાં અવાર-નવાર સૂટ પહેરવાનો હોય કે ન હોય, પણ આ તમારી પાસે હોવો જ જોઈએ. આજના સમયમાં કેટલીક કૉપોર્રેટ કંપનીઓના જૉબ ઇન્ટરવ્યુ માટે પણ આવો સૂટ પહેરીને જવું પડી શકે છે અને લગ્નમાં પણ ડાર્ક કલરનો સૂટ સારો લાગશે. બ્લૅક, નેવી બ્લુ અથવા ચારકોલ ગ્રે હંમેશાં સારા લાગતા રંગો છે. જો કેઝ્યુઅલ રીતે પહેરવું હોય તો ફક્ત કોટને જીન્સ અને ટી-શર્ટ સાથે મૅચ કરો. ચારકોલ બ્રાઉન શેડના લાઇટ વેઇટ ફૅબ્રિકનો સૂટ પર્સનાલિટી સારી પાડશે.

સ્ટાઇલિશ સ્નિકર્સ

ફક્ત જિમમાં પહેરવા માટે જે સ્નિકર્સ પહેરતા હશો એ જીન્સ કે સારા શર્ટ સાથે સૂટ નહી થાય. એના માટે એવી કોઈ સિમ્પલ ડિઝાઇન પસંદ કરો, જે જોવામાં સ્પોર્ટ શૂઝ જેવા ન લાગતા હોય. પુમા, રીબૉક, આદીદાસ જેવી બ્રૅન્ડ્સ સારી છે, પણ ઍથ્લેટિક અને ફૅશનેબલ વચ્ચે મોટી ભેદરેખા છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. થોડા લેધર જેવા મટીરિયલનાં બનેલાં સ્નિકર્સ જીન્સ અને જૅકેટ સાથે સારાં લાગશે.

કુરતો

એક શૉર્ટ કે લૉન્ગ કુરતો હરેક પુરુષના વૉર્ડરોબમાં હોવો જોઈએ. આ કુરતો તમે કોઈ પૂજા, ધાર્મિક પ્રસંગ, તહેવાર કે સાદડી સુધ્ધાંમાં પહેરી શકશો, જેના માટે નીચે ચૂડીદાર પહેરવાની જરૂર નથી. જીન્સ સાથે પણ એ સારો લાગશે. જો વાઇટ કુરતો જોઈતો હોય તો ગો ફૉર ચીકનકારી.