“મને હીલવાળાં જૂતાં પહેરવાં નથી ગમતાં”

31 July, 2012 05:47 AM IST  | 

“મને હીલવાળાં જૂતાં પહેરવાં નથી ગમતાં”

અર્પણા ચોટલિયા

હાલમાં કલર્સ પર આવતા ‘ઝલક દિખલા જા’ની ડાન્સ-કન્ટેસ્ટન્ટ અને ઍક્ટ્રેસ ઈશા શરવની મૂળ અમદાવાદની ગુજરાતી છે. ડાન્સનો ભરપૂર શોખ રાખતી ઈશા પોતાના શરીરને મંદિર માનીને એની સંભાળ રાખવામાં માને છે અને ફૅશન ફૉલો કરવામાં પણ તે શરીરને નુકસાન પહોંચાડવા નથી માનતી. જાણીએ ઈશાના કમ્ફર્ટેબલ સ્ટાઇલ અને બ્યુટી ફન્ડા વિશે.

કમ્ફર્ટ મારી સ્ટાઇલ

મને કમ્ફર્ટેબલ લાગે એવાં કપડાં પહેરવાં ગમે છે. બહુ ઠંડી લાગતી હોય તોય ખુલ્લા ડ્રેસિસ પહેરવા એ મારી સ્ટાઇલ નથી. હું હંમેશાં બહાર નીકળું ત્યારે ગળા ફરતે એક શાલ વીંટાળી રાખું છું. જે કપડાંમાં મને સારું અનુભવાશે તો એ મારા પર સારાં લાગશે. અનકમ્ફર્ટેબલની ફીલિંગ તમારા ચહેરા પર આવી તો એક સારામાં સારો ડ્રેસ પણ તમારા પર સારો નહીં જ દેખાય.

કૉન્ફિડન્સ

તમે જે ડ્રેસ પહેરો એમાં તમે કૉન્ફિડન્ટ હોવા જોઈએ. ટૂંકામાં ટૂંકો ડ્રેસ શોખ ખાતર પહેરશો, પણ જો ચહેરા પર કૉન્ફિડન્સ નહીં હોય તો એમાં તમે સુંદર નહીં લાગો. હું એક ડાન્સર છું. બાળપણથી જ ડાન્સિગ મારી રગેરગમાં છે એટલે મને કપડાં પણ એ જ પ્રકારનાં પસંદ છે. તમે મોટા ભાગે મને સિમ્પલ જીન્સ અને ટૉપમાં જોશો અને એ જ મારી સ્ટાઇલ છે. મારા વૉર્ડરોબમાં લેગ વૉર્મર, ડાન્સ-ટ્રેક્સ તેમ જ સ્પોર્ટ્સ અટાયર જ વધુ દેખાશે. એ સિવાય મને શર્ટ પહેરવાં ગમે છે. અંતે તો તમે જે પહેરો એ ભલે સિમ્પલ હોય પણ ક્લાસિક લાગવું જોઈએ.

શૉપિંગ મારું કામ નહીં

મને શૉપિંગનો એટલો શોખ નથી. છોકરીઓનો ખરાબ મૂડ શૉપિંગ કરવાથી સારો થઈ જાય એ ફૉમ્યુર્લા મારી લાઇફમાં નથી. આનાથી ઊલટું મને તો જો શૉપિંગ કરવું પડે તો મારો મૂડ ખરાબ થઈ જાય છે. મને શૉપિંગ નથી ગમતું, પરંતુ જરૂર હોય એનું શૉપિંગ તો કરવું જ પડે છે જે હું અબ્રૉડમાં જ કરવાનું પસંદ કરું છું. મારું ફેવરિટ શૉપિંગ-ડેસ્ટિનેશન ન્યુ યૉર્ક છે. ત્યાં બધા જ ડિઝાઇનરો અને બધી જ બ્રૅન્ડની ચીજો મળી રહે છે. મને તો એવું લાગે છે કે બીજે ક્યાંય કરતાં ન્યુ યૉર્ક શૉપિંગની બાબતમાં સસ્તું પણ છે.

મારી બૉડી-કૅર

મારી સ્કિનની હું ખૂબ સંભાળ લઉં છું. એના માટે હું ખૂબ પાણી પીઉં છું. આ ઉપરાંત હંમેશાં એને ક્લેન્ઝ્ડ અને મૉઇસ્ચરાઇઝ્ડ રાખું છું. દિવસના ૮-૯ કલાક સુધી મેક-અપ લગાવ્યા બાદ સ્કિનને આરામની સખત જરૂર હોય છે. ઊંઘમાં હોઈએ ત્યારે ત્વચા અને વાળ બન્ને આરામ કરે એ જરૂરી છે. હું જેવું શૂટિંગ પતે કે તરત જ મેક-અપ ઉતારી નાખું છું અને ચહેરાને ડીપ ક્લેન્ઝ કરી મૉઇસ્ચરાઇઝર લગાવું છું.

થોડા ઘરગથ્થુ ઉપાયો

મને સ્પામાં જવું ખૂબ ગમે છે, પરંતુ બિઝી શેડ્યુલને કારણે વારંવાર સ્પામાં જવું શક્ય નથી બનતું. હું ઘરે પણ બ્યુટી માટે કેટલાક નુસખાઓ અપનાવું છું. જેમાં ચહેરાને દહીંથી ધોઉં તો ક્યારેક વાળમાં કોકોનટ ઑઇલ અને કેસ્ટર ઑઇલનું મિશ્રણ પણ લગાવું છું. ભલે આજે ઘણા લોકો કહેતા હોય કે વાળમાં તેલ નથી લગાવવું ગમતું, પણ વાળમાં તેલ લગાવવાથી જ એને પોષણ મળે છે.