આતંકવાદને ડામવા એ વિચારધારાને ડામવી પડશે

06 June, 2023 02:27 PM IST  |  Mumbai | Swami Satchidananda

ઇસ્લામિક આતંકવાદીઓના મૂળમાં પણ વાત તો એ જ છે કે વિશ્વનો ઉદ્ધાર કરવો છે અને સૌને સુખી કરીને સુખી થવું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આતંકવાદનું મૂળભૂત યુદ્ધ શસ્ત્રોનું નહીં, વૈચારિક છે. ૭૦ વર્ષથી પણ લાંબો સમય આવું જ વૈચારિક યુદ્ધ સામ્યવાદીઓ સામે લડાયું હતું. આખું વિશ્વ લાલ રંગે રંગી નાખવાની મહત્ત્વાકાંક્ષા સાથે સામ્યવાદીઓ વિશ્વ પર છવાઈ જવા માગતા હતા. તેમની ધારણા હતી કે તેઓ જ માત્ર સાચા અને તેમની એકમાત્ર પદ્ધતિથી જ ગરીબ માણસોનું કલ્યાણ થઈ શકશે. ગરીબ માણસોને પણ એવી આશા કે ચાલો, હવે તો આપણો જરૂર ઉદ્ધાર થશે. આવું ધારીને, માનીને સામ્યવાદી આંદોલનોમાં જોડાઈ ગયા હતા, પણ દસકાઓ પછી તેમને ભાન થયું કે મનમાં સેવેલી એ ધારણા ખોટી હતી. લોકો વધુ ગરીબ તો થયા જ સાથોસાથ ગુલામ પણ થયા. હવે વિશ્વને પહેલાં જેવો ખતરો સામ્યવાદનો નથી. વૈચારિક રીતે તેમને પણ પોતાની ભૂલ સમજાવા લાગી છે, પણ હવે વિશ્વને ઇસ્લામિક આતંકવાદીઓનો મોટો ખતરો છે.

ઇસ્લામિક આતંકવાદીઓના મૂળમાં પણ વાત તો એ જ છે કે વિશ્વનો ઉદ્ધાર કરવો છે અને સૌને સુખી કરીને સુખી થવું છે. જરા જુઓ તમે, સામ્યવાદીઓની માફક તે પણ ગમે તેની અને ગમે એ સ્તરની હિંસા કરવામાં જરાયે સંકોચ નથી કરતા. ઇસ્લામિક આતંકવાદીઓના અડ્ડાવાળા જે-જે દેશો છે, એ આજે ભયંકર ગરીબીમાં પીડાય છે. તેમનો વિકાસ અટકી ગયો છે. ખાવા માટે ખીચડી નથી અને સ્કૂલમાં જવા માટે દફ્તર નથી. ઇસ્લામના નામે બધું જ જોહુકમીથી કરાવાય છે. દાઢી રાખવી, બુરખો પહેરવો. ન પહેરે તો તેજાબ નાખશે, હિન્દુ-સિખોએ પોતાની પ્રગટ પહેચાન ધારણ કરવી.

બધું જ જોહુકમીથી, સમજણ સાથે જાણે કંઈ લેવાદેવા નહીં અને આ બધું વળી પાછું ભગવાનના નામે, ધર્મના નામે, ઉદ્ધારના નામે. કેવી વિચિત્રતા અને વિડંબના છે કે આતંક મચાવવો એ પણ ધર્મના નામે.

હું કહીશ કે આજની આ જે પરિસ્થિતિ છે એને મૂળથી જ ડામવી પડશે એટલે કે આ આખા વૈચારિક યુદ્ધને મૂળમાંથી જ હણવું પડશે.

એવું નથી કે ઇસ્લામમાં બધાને આતંકવાદી માનસિકતા જ ગમે છે. ના, જરા પણ નહીં. ઇસ્લામનો ઉદારતાવાદી અને વિકાસ ચાહનારો વર્ગ છે, એ ઘણો મોટો છે, પણ તે પણ સમસમીને લાચારીથી બધું જોયા કરે છે. ‘આ ખોટું થઈ રહ્યું છે’ એવું બુલંદીથી કહી કે પડકારી શકતો નથી. જ્યાં સુધી હિન્દુઓ કે ભારત સામે આતંકવાદ સફળ કરી શકાયો છે ત્યાં સુધી તો ઠીક છે, પણ આતંકવાદે પશ્ચિમી રાષ્ટ્રોને શિંગડાં મારવાનું શરૂ કર્યું એ એની સૌથી મોટી ભૂલ અને એ ભૂલને કારણે જુઓ તમે, આતંકવાદના આકા જેવો ઓસામા ગુમાવવાનો વારો આવ્યો. ભલું થજો, ભાંગી જંજાળ. કરતા રહો આવી ભૂલ.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style culture news