Diwali 2019: ગુજરાતી પરિવારમાં આવી રીતે ઉજવવામાં આવે છે નવુ વર્ષ

27 October, 2019 04:43 PM IST  |  અમદાવાદ

Diwali 2019: ગુજરાતી પરિવારમાં આવી રીતે ઉજવવામાં આવે છે નવુ વર્ષ

કરો સ્વાગત નવા વર્ષનું

આપણા દેશમાં જેટલી એકતા છે એટલી જ વિવિધતા પણ છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ પહેલી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. જ્યારે મરાઠીઓનું નવું વર્ષ ગુડી પડવો માનવામાં આવે છે. કચ્છીઓ પોતાનું નવું વર્ષ અપાઢી બીજના દિવસે ઉજવે છે. જ્યારે ગુજરાતીઓ કારતક મહિનાના પહેલા દિવસે નવા વર્ષની ઉજવણી કરી છે.

હિંદુ સંસ્કૃતિમાં દિવાળીને સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી આ તહેવાર ચાલે છે. જેની દરેક ઘરમાં ઉલ્લાસ અને આનંદથી ઉજવણી કરવામાં આવે છે. આમ તો દિવાળીના તહેવારો અગિયારસથી ચાલુ થઈને દેવ દિવાળી સુધી ચાલે છે પરંતુ તેમાં આ પાંચ દિવસોનું સૌથી વધારે મહત્વ છે.

ખાસ કરીને દિવાળીનો બીજો દિવસ એટલે કે કારતક મહિનાના પહેલા દિવસે નવા વર્ષ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ગુજરાતીઓ એકબીજાના ઘરે જાય છે. એકબીજાને આગામી વર્ષ મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવે છે. વડીલોને પગે લાગે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. નવા વર્ષના દિવસે ગુજરાતી પરિવારોમાં ખાસ રોનક જોવા મળે છે. સૌ કોઈ નવા પોષાક પહેરી તૈયાર થઈને વડીલોને મળવા જાય છે.

તૈયારીઓ હોય છે ખાસ
નવા વર્ષે મહેમાનોનું સ્વાગત કરવા માટે પહેલેથી જ ખાસ તૈયારીઓ કરી લેવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં જાત જાતના નાસ્તા બનાવવામાં આવે છે. જો કે હવે તો બહારની નાસ્તા લાવવાનું ચલણ વધ્યું છે. પરંતુ આ જે પણ ઘણા ઘરોમાં જાતે જ અલગ અલગ નાસ્તા બને છે. સાથે મુખવાસ, મિઠાઈ, ચોકલેટ તો ખરા જ. ઘરે આવતા મહેમાનોને નાસ્તો પીરસવામાં આવે છે. સાથે મિઠાઈ અને જાત-જાતના મુખવાસ પણ. ઘરે આવેલા અતિથીને આગ્રહ કરીને જમાડવામાં આવે છે.

નવા વર્ષનું ભોજન છે ખાસ
કહેવાય છે કે વર્ષનો પહેલો દિવસ જો સારો જાય તો આખું વર્ષ સારું જાય. એટલે જ નવા વર્ષના દિવસે ખાસ ભોજન પણ તૈયાર કરવામાં આવે છે. જેમાં શાક, પુરી, દાળભાત તો હોય છે. સાથે શુકન માટે લાપસી કે કંસાર પણ બનાવવામાં આવે છે. લોકો ઘરથી દૂર રહેતા હોય તો પણ દિવાળી સમયે તો પરિવાર સાથે જ રહે છે.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

આમ, દિવાળી પ્રકાશનું પાવન પર્વ છે તો નવું વર્ષ નવી આશાઓ લઈને આવે છે. Gujaratimidday.comના વાચકોનું નવું વર્ષ પણ શુભ રહે તેવી શુભકામનાઓ...

gujarat culture news