04 June, 2024 08:26 AM IST | Mumbai | Swami Satchidananda
સ્વામી સચ્ચિદાનંદ
ગુરુ બાબતમાં અગાઉ અનેક સ્થળે લખ્યું છે તો આ કૉલમમાં પણ વારંવાર ઘણું લખ્યું છે એટલે એ વિષય પર અત્યારે વિસ્તાર કરવો નથી પણ જરૂરી કહેવાય, જરૂરી ગણાય એવી કેટલીક વાતો કરવી છે.
જીવનમાં માર્ગદર્શક ગુરુજનો હોવા જોઈએ એની ના નહીં, પણ પંથ-સંપ્રદાય કે પરિવાર જેવા વાડાઓમાં પૂરવા અને માણસોને ઘેટાં બનાવવાની જે ગુરુપ્રક્રિયા ધમધોકાર ચાલે છે એ ન હોવી જોઈએ. ડાહ્યા અને બુદ્ધિશાળી, સમજુ માણસે કદી પણ કોઈ વાડામાં પુરાવું ન જોઈએ. સંપ્રદાયમુક્ત અર્થાત્ વાડામુક્ત રહીને ધર્મની ઉપાસના કરવી એ જ તેની નીતિ હોવી જોઈએ. જીવનમાં જ્ઞાનની ભૂખ જરૂર રાખવી જોઈએ. જ્ઞાન જિજ્ઞાસુને મળતું હોય છે. જ્યાંથી જિજ્ઞાસા સંતોષાય અર્થાત્ જ્યાંથી જ્ઞાન મળે તે ગુરુ છે. જીવનમાં બહુગુરુવાદ પ્રસ્થાપિત કરવો. આ વાત ફરી એકવાર ધ્યાનથી સમજી લેજો. જીવનમાં બહુગુરુવાદ પ્રસ્થાપિત કરવો.
ગુરુ એક જ હોવા જોઈએ, પોતાના ગુરુ સિવાય બીજાને પગે પણ ન લાગવું જોઈએ. આ અને આવી વાતો બરાબર નથી. ગુરુ એક જ હોવા જોઈએ એવી ધારણા વાડાબંધીવાળા કરાવતા હોય છે જેથી તેમના વાડામાં પુરાયેલાં ઘેટાં બીજે છટકી ન જાય. કોઈના દ્વારા કાન ફૂંકાવવાથી કે મંત્ર માત્ર લેવાથી જ્ઞાન થઈ જાય છે એવી ભ્રમણામાં ન પડવું અને એ રીતે ગુરુને પૂર્ણ સાક્ષાત્કાર થયેલો છે એવા ભ્રમમાં પણ ન પડવું. પોતાને માટે આવો પ્રચાર કરતા કે કરાવતા ગુરુઓ દંભી હોય છે. આવા દંભી ગુરુઓથી દૂર રહેવું અને ચોક્કસ અંતર જાળવી રાખવું એ સૌ કોઈના હિતમાં છે. આ પ્રકારના ગુરુઓને ગુરુ બનાવવા કે પછી એવા મહત્ત્વના સ્થાને સ્થાપના કરવી એ ગાઢ અંધકારમાં કૂદકો મારવા જેવું અને જાતને જોખમમાં મૂકવા જેવું કૃત્ય છે. ગુરુ માટે એક વાત બહુ સરળ છે, જેનો અમલ કરવો અને એ જ વાતને કાયમ યાદ રાખવી.
જેમનો કોઈ પંથ-સંપ્રદાય કે પરિવાર નથી, જેમને કશી અર્થલોલુપતા નથી તેમ જ કોઈ મોટાઈ નથી તેવા સીધાસાદા પણ જ્ઞાની પુરુષો પાસેથી સત્સંગના દ્વારા જ્ઞાન લેવું, જે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હોય. વ્યક્તિપૂજા અને વેશપૂજાથી દૂર રહેવું. સંસાર છોડ્યા પછી જે સંસારથી દૂર રહેવાનું કામ કરતા હોય અને આધ્યાત્મિકતાને વધુ ને વધુ બળવત્ બનાવવાના પ્રયાસમાં હોય તે પ્રકારના જ્ઞાની પુરુષનો સંગ માત્ર જો જીવન તારવી દેતો હોય તો તેવા જ્ઞાનીને ગુરુ બનાવવામાં આવે તો જીવન કેવું વૈભવી બની જાય એનો વિચાર એકવાર કરી જોજો. વધુ એક વાત, ગુરુ ક્યારેય રાગદ્વેષ રાખતાં શીખવે નહીં. આ માણસ સારો અને આ માણસ ખરાબ એવી માનસિકતા ગુરુ રાખે નહીં અને કોઈની પાસે રખાવે નહીં. આજે એવું બહુ જોવા મળે છે માટે એવા ગુરુથી પણ સાવધ રહેવું.