ભાવનગરમાં આવેલી છે એક એવી હોસ્પિટલ, જ્યાં સારવાર થાય છે સાવ મફત

26 May, 2019 12:48 PM IST  |  ભાવનગર | ભાવિન રાવલ

ભાવનગરમાં આવેલી છે એક એવી હોસ્પિટલ, જ્યાં સારવાર થાય છે સાવ મફત

સ્વામી શ્રી નિર્દોષનંદ માનવ સેવા હોસ્પિટલ

આપણને સૌથી વધુ ચિંતા એક જ વાતની હોય છે, કે ગમે ત્યારે આકસ્મિક ખર્ચા આવી જાય તો શું કરવું. એમાંય જો પરિવારમાં ઉંમરલાયક વ્યક્તિ હોય તો આ ચિંતા વધુ સતાવે. જો તમને પણ આવી ચિંતા થતી હોય તો આ આર્ટિકલ તમારા કામનો છે. જી, અમે તમને મેડિક્લેમ કે અન્ય કોઈ સ્કીમની વાત નથી કરવાના. આજે આ આર્ટિકલમાં અમે તમને એક એવી હોસ્પિટલની માહિતી આપીશું જ્યાં સારવાર સાવ ફ્રીમાં થાય છે. વિશ્વાસ ન આવે એવી વાત છે, પરંતુ આવી હોસ્પિટલ ગુજરાતમાં જ આવેલી છે.

અહીં આવેલી છે હોસ્પિટલ

ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલી આ હોસ્પિટલનું નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ. હોસ્પિટલ પોતાના નામમાં આવેલા માનવસેવાના નામને બરાબર સાર્થક કરે છે, અને અહીં આવતા દર્દીઓની સારવાર માટે કોઈ પણ ખર્ચનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર પ્રશાંત પંડ્યા કહે છે કે અમે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ નથી વસુલતા ઉપરથી દર્દીઓની સાથે કેરટેકર તરીકે આવતા તેમના પરિવારજનોને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે.


આ સારવાર મળે છે મફત

કદાચ તમે એમ વિચારશો કે કોઈ ટ્રસ્ટની માફક આ હોસ્પિટલમાં પણ નાની બીમારીઓની સારવાર થતી હશે. પરંતુ એવું નથી ભાવગરના ઉમરાળા તાલુકાના ટીંબા ગામમાં આવેલી આ હોસ્પિટલમાં ઓપીડીથી લઈને ,સોનોગ્રાફી,એક્સ-રે, લેબોરેટરીમાં થતા ટેસ્ટ સાવ મફત થાય છે અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે. આ હોસ્પિટલ જે ટ્રસ્ટ દ્વારા ચાલે છે તેના ટ્રસ્ટી બાબુભાઈ રાજપરાનું કહેવું છે કે મોટી હોસ્પિટલમાં જે ઓપરેશનો લાખો રૂપિયામાં થાય છે, તે અહીં સાવ નિઃશુલ્ક થાય છે. સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, આંતરડાના ઓપરેશન સાવ જ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ગાયનેક, ENT, ડેન્ટલ ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી પણ સાવ જ ફ્રી થાય છે.

હોસ્પિટલના ટ્રસ્ટી બાબુભાઈ રાજપરા

એટલું જ નહીં સારવાર આપવાથી આ હોસ્પિટલ માત્ર તેનો ધર્મ પૂરી નથી કરતી. તેના પછી પણ દર્દીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે જો અહીં કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય, તો પ્રસૂતિ બાદ પ્રસૂતાને એક કીટ આપવામાં આવે છે. જેમાં ચોખ્ખુ ઘી, ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે. આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કોલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે.

આ માનવ સેવા કરતી હોસ્પિટલના ટ્રસ્ટી બાબુભાઈ રાજપરા જણાવે છે કે આ હોસ્પિટલમાં યુરો સર્જન અને સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ વિઝિટમાં આવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં ફિઝિશિયન, રેડિયોલોજીસ્ટ, ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો,આયુર્વેદીક, ઓડિયો મેટી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે. અમારો પ્રયત્ન છે કે દરેક પ્રકારની સારવાર જરુરિયાતમંદ લોકોને અમે પહોંચાડી શકીએ. જેથી કોઈ વ્યક્તિનું પૈસાના અભાવે બીમારીના કારણે મૃત્યુ ન થાય. આશ્ચર્યની વાત એ છે કે 2011થી એટલે કે છેલ્લા 8 વર્ષથી આ હોસ્પિટલ આવી જ રીતે ચાલે છે. ટ્રસ્ટ તેનો વહીવટ ચલાવે છે, પરંતુ અત્યાર સુધી ફંડની કમી નથી ઉભી થઈ. દાતાઓ પૂરતુ દાન મળી જ રહે છે.

કેવી રીતે શરૂ થઈ હોસ્પિટલ ?

આ હોસ્પિટલ કેવી રીતે શરૂ થઈ એ વિશે વાત કરતા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર પ્રશાંત પંડ્યા કહે છે કે હોસ્પિટલનું નામ જે નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના નામ પરથી રખાયું છે, તેઓ આ વિસ્તારના જુદા જુદા આશ્રમમાં વિહાર કરતા હતા. તેમની ઈચ્છા આવી સેવા શરૂ કરવાની હતી. તેમના આદેશથી જ આ હોસ્પિટલનો પાયો નંખાયો. આજે સ્થિતિ એવી છે કે દિવસના 700થી 800 દર્દીઓ આ હોસ્પિટલમાંથી સારવાર મેળવે છે, સાજા થાય છે અને બદલામાં આશીર્વાદ આપતા જાય.

આ પણ વાંચોઃ સાસણગીરનો આ રિસોર્ટ છે ખાસ, આ વ્યક્તિઓ માટે રોકાવાનું છે એકદમ ફ્રી

તમે પણ આપી શકો છો દાન

આપણે વાતો કરતા હોઈએ છીએ કે કળયુગ છે, માનવતા નથી રહી. પરંતુ આવી હોસ્પિટલ્સ હજી પણ માનવતાનો ધર્મ નિભાવી રહી છે. ધન્ય છે એ દાતાઓને અને હોસ્પિટલમાં સેવા આપતા તમામ લોકોને જેના કારણે પૈસાના અભાવે પણ હજારો લોકો સારવાર મેળવી શકે છે. તમે પણ આ હોસ્પિટલને દાન આપવા માટે તેનો સંપર્ક કરી શકો છો. જો હોસ્પિટલ વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો હોસ્પિટલની વેબસાઈટની મુલાકાત લો.

bhavnagar gujarat news