✕

ઇચ્છા મુજબ દૂધનાં પણ રૂપ બદલાતાં જાય

15 October, 2026 12:18 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

એક મજેની વાત કરું?મોસંબીનો રસ બધાને ગમે છે એ નક્કી નથી, પણ લીમડાનો રસ તો કોઈનેય નથી ગમતો એ તો નક્કી જ છે.પુષ્પનું આકર્ષણ સૌકોઈને છે જ એ નક્કી નથી, પણ કાંટાની અકળામણ તો દરેકને છે એ તો નક્કી જ છે.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.

હાઇવે ભલેને ૨૦૦૦ કિલોમીટર લાંબો છે, પણ એ ક્યાંક તો પૂરો થતો જ હોય છે અને રિંગ રોડ ભલેને ટૂંકામાં ટૂંકો હોય છે, એ ક્યાંય પૂરો થતો જ નથી.વિરાટકાય હાથીની જરૂરિયાતો ભલેને વિરાટ હોય છે, ક્યાંક તો એના પર પૂર્ણવિરામ મૂકી જ શકાય છે; જ્યારે ચકલી કદમાં ભલેને નાની હોય છે, એના મનમાં જાગતી ઇચ્છાઓને પૂર્ણતયા તૃપ્ત કરી શકાતી જ નથી.

અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે દૂધ એ જરૂરિયાત છે.ગરમ દૂધ એ ઇચ્છા છે, સાકરવાળું ગરમ દૂધ એ આકાંક્ષા છે; જ્યારે એલચી, બદામ-કેસર અને સાકરવાળું ગરમ દૂધ એ મહત્ત્વાકાંક્ષા છે.

આ ઇચ્છા, આકાંક્ષા અને મહત્ત્વાકાંક્ષા એ ત્રણેય પર આ જીવનમાં જ પૂર્ણવિરામ મૂકી દેવાનું પરિણામ લાવી શકે એવું જો કોઈ એક જ પરિબળ હોય, એક જ યોગ હોય, એક જ અનુષ્ઠાન હોય તો એ પરિબળનું, યોગનું અને અનુષ્ઠાનનું નામ છે સામાયિક પરની આશાથી જેઓ મુક્ત થઈ ગયા છે, પાછા ફરી ગયા છે એવા મહાત્માઓ માટે મોક્ષ અહીં જ છે.
આ સંદર્ભમાં કેટલીક મહત્ત્વની વાતો સમજી લેવી જરૂરી છે. ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથમાં ઉત્તમ, મધ્યમ અને અધમ એ રીતે જીવોના જે ૩ ભેદ બતાવ્યા છે એ તમામની આગવી વિશેષતાની વાત કરી છે.

સ્વભાવથી જ જે જીવો પાપથી દૂર રહે છે એ જીવો ઉત્તમ છે. પરલોકમાં દુર્ગતિ થવાના ભયથી જે જીવો પાપથી દૂર રહે છે એ મધ્યમ છે. આલોકમાં બેઆબરૂ થવાના ભયથી જે જીવો પાપથી દૂર રહે છે એ જીવો જઘન્ય છે.આ ત્રણેય પ્રકારના જીવોમાં જે એક સામાન્ય વિશેષતા છે તે એ છે કે તેઓ પાપથી પોતાની જાતને દૂર જ રાખે છે!કારણ? દુખ કોઈનેય ગમતું નથી અને લાખ પ્રયાસ કરો, પાપ લમણે દુખ ઝીંક્યા વિના રહેતું નથી.

એક મજેની વાત કરું?મોસંબીનો રસ બધાને ગમે છે એ નક્કી નથી, પણ લીમડાનો રસ તો કોઈનેય નથી ગમતો એ તો નક્કી જ છે.પુષ્પનું આકર્ષણ સૌકોઈને છે જ એ નક્કી નથી, પણ કાંટાની અકળામણ તો દરેકને છે એ તો નક્કી જ છે.સન્માનની ભૂખ સૌને છે જ એ નક્કી નથી, પણ અપમાનની અકળામણ તો ગધેડાને પણ હોય છે એ નક્કી જ છે.
સુખ બધાને ગમે જ છે એ નક્કી નથી, પણ દુઃખ કીડા-મંકોડાને અને વાંદરાને પણ નથી જ ગમતું એ નક્કી જ છે. મોક્ષ બધાને જોઈએ જ છે એ નક્કી નથી; પણ દુખરૂપ, દુખફલક અને દુખાનુબંધ સંસાર કોઈનેય જોઈતો નથી એ નક્કી જ છે.

વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્‍મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે

jainism culture news lifestyle news life and style gujarati mid day