Navratri 2021: પ્રિયા સરૈયાએ ‘નવલખ’ માટે જિગરદાન ગઢવી સાથે કર્યું સૌપ્રથમ કોલેબ

08 October, 2021 12:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રેક્ષકો જીગ્રા અને પ્રિયાના પ્રથમ સહયોગને જોવા માટે ઉત્સાહિત હતા અને આ ગીત રિલીજ થતાં જ દર્શકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

પ્રિયા સરૈયા

કોરોનાના કારણે મુંબઈ અને ગુજરાતમાં જાહેર નવરાત્રિ પર પ્રતિબંધ છે, ત્યારે ઘણા ગુજરાતી કલાકારો ગરબા પ્રેમીઓને તેમની ધૂનમાં ડોલાવવા હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આગમન કરી રહ્યા છે. આ ક્રમમા હવે પ્રખ્યાત પ્લેબેક સિંગર પ્રિયા સરૈયાએ પ્રથમ વખત, ગાયક જીગરદાન ગઢવી સાથે આધ્યાત્મિક ગીત ‘નવલખ’ માટે જોડી બનાવી છે.

આ ખાસ ગીત ગાવા પાછળની પ્રેરણા જણાવતા, પ્રિયાએ કહ્યું કે “હું બાળપણથી જ ગુજરાતી સાહિત્ય પ્રત્યે હંમેશા આકર્ષિત રહી છું. મેં ડાયરામાં ગાયક તરીકે મારી સફર શરૂ કરી હતી, જ્યારે મેં આ ગીત જીગરદાનની યુટ્યુબ ચેનલ પર સાંભળ્યું ત્યારે હું તરત જ તેની વાઈબ સાથે જોડાઈ ગઈ હતી. તે મારી આંખોમાં આંસુ લાવ્યું હતું અને તે જ ક્ષણે મેં મારા અવાજમાં ભરતદાન ગઢવી દ્વારા લખાયેલા આ સુંદર ગીતોનું ગાવાનું વિચાર્યું હતું.”

તેણીએ ઉમેર્યું કે “નવલખ માતાજીની તાકાત, સુંદરતા અને જીવનની તમામ સમસ્યાઓ દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે તેની પ્રશંસા કરે છે. તે વિશ્વાસ અને આશાનું ગીત છે. જિગરદાન ગઢવી એક અદ્ભુત માનવી અને સાચા કલાકાર છે, અમે બંને આપણી સમૃદ્ધ સંગીતની ધરોહરને એ સ્વરૂપમાં રજૂ કરવાનું સ્વપ્ન શેર કરીએ છીએ જે સાંભળીને આ પેઢી આનંદ માણી શકે.” તેમ તેણી ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પ્રેક્ષકો જીગ્રા અને પ્રિયાના પ્રથમ સહયોગને જોવા માટે ઉત્સાહિત હતા અને આ ગીત રિલીજ થતાં જ દર્શકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

navratri Jigardan Gadhavi