પોરબંદરમાં અહીં આવેલી છે ગુફા, જ્યાં કૃષ્ણએ મણિ માટે કર્યું હતું યુદ્ધ

13 August, 2019 12:24 PM IST  |  પોરબંદર

પોરબંદરમાં અહીં આવેલી છે ગુફા, જ્યાં કૃષ્ણએ મણિ માટે કર્યું હતું યુદ્ધ

Image Courtesy: Youtube

કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાતો કૃષ્ણની વ્યૂહરચના પણ કારણભૂત ગણાવે છે. પરંતુ જે હોય તે ગુજરાતની ધરા પર રહીને કૃષ્ણે તેને પવિત્ર કરી છે. ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે, જ્યાં કૃષ્ણ ફર્યા હોવાની, કૃષ્ણની લીલાઓ થઈ છે. આજે આ તમામ જગ્યાઓની મુલાકાત લઈ લોકો પાવન થાય છે.

આમ તો કૃષ્ણ દ્વારકામાં રહ્યા, પરંતુ દ્વારકાથી લઈ સોમનાથ અને પોરબંદર સુધી તેમની હાજરી વર્તાય છે. પોરબંદરમાં એક એવી જગ્યા આવેલી છે, જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજેય મોજુદ છે. પોરબંદરની આ જગ્યા જાંબુવતીની ગુફા તરીકે ઓળખાય છે. આમ તો જાંબુવતીની ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં સેંકડો. ગુફાની છતમાંથી ટપકતાં પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે. આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પહેલા તો આ વાત ચમત્કાર મનાતી હતી. પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો બાદ રહસ્યોનો ખુલાસો થયો છે.

સંશોધનો બાદ સામે આવ્યું કે આ શિવલિંગ ચૂનાનું પાણી ટપકવાથી પડે છે. ગુફાના ખડકો ચૂનાના પથ્થર છે, જેમાંથી હજારો વર્ષ સુધી ટપકી રહેલા પાણીને કારણે આ સ્વયંભૂ સિવલિંગ સર્જાય છે. આ પ્રકારના ચૂનાના પથ્થર કેલિફોર્નિયામાં જોવા મળે છે. આ ઉપરાંત જાંબુવતીની ગુફા સિવાય બરડા ડુંગરમાં આલોચ અને ગોપમાં ડુંગરમાં પણ જોવા મળે છે.

આવી છે માન્યતા

જો કે આ વૈજ્ઞાનિક સંશોધનો છતાંય શ્રદ્ધાળુઓ તો તેને ચમત્કાર જમાને છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ગુફાનો એક રસ્તો કૃષ્ણની નગરી દ્વારકા અને બીજો રસ્તો જૂનાગઢ તરફ જાય છે. આ ઉપરાંત ગુફામાં એક સફેદ નાગ હોવાની અને તેની પાસે મણિ હોવાની પણ માન્યતા છે.

એક માન્યતા એવી પણ છે કે યાદવોના આગેવાન સત્રજીતને સૂર્યદેવે સ્યામંતક મણિ આપ્યો હતો. કહેવાય છે કે આ મણિ રોજ 8 ભાર સોનુ આપતો. સત્રજીતે તેને પૂજાસ્થાને મૂક્યો હતો. જેનાથી તેની સંપત્તિ સમૃદ્ધિ વધવા લાગી. કૃષ્ણે સત્રજીતને આ મણિ ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે માન્યો. એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન પૂછ્યા વગર મણિ લઈને શિકાર કરવા ગયો. જ્યાં સિંહે તેનો શિકાર કર્યો, અને મણિ પણ સિંહના પેટમાં પહોંચ્યો. જો કે આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવને કાઢ્યો. આમ આ મણિ જાંબુવન પાસે પહોંચ્યો. બીજી તરફ સત્રજીતે મણિ ખોવાતા કૃષ્ણ પર આરોપ મૂક્યો. જ્યારે ભગવાન કૃષ્ણ પર સામંત્યક મણિ ચોરવાનું આળ લાગ્યું, ત્યારે આ આળ હટાવવા ભગવાને મણિ શોધવાની શરૂઆત કરી. અને કૃષ્ણને માહિતી મળી કે આ મણિ જાંબુવન પાસે છે. જાંબુવનને શોધતા શોધતા તેઓ આ ગુફા સુધી આવ્યા. આ ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું. ન તો કોઈ હર્યું, ન તો કોઈ જીત્યું. પરંતુ આખરે જાંબુવને ભગવાન શ્રીકૃષ્ણથી પ્રભાવિત થઈને સામંત્યક મણિ તેમને સોંપી દીધો, સાથે પોતાની પુત્રી જાંબુવતીને પણ કૃષ્ણ સાથે પરણાવી. આ ગુફા આ યુદ્ધ માટે પણ પ્રખ્યાત છે.

પોરબંદરના રાણાવાવ નજીક આવેલા આ ગુફા પ્રવાસન વર્ષ સમયે વિક્સાવવામાં આવી છે. જેને કારણે આ અંધારી ગુફામાં લાઈટની વ્યવસ્થા કરાઈ છે. તો અહીં સુધી પહોંચવા માટે રસ્તા પણ બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પરિણામે જાંબુવતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિક્સી છે.

આ પણ વાંચોઃ દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !

કેવી રીતે પહોંચશો ?

જો તમારે પણ જાંબુવતીની ગુફા જોવી છે, તો તમારે પોરબંદર પહોંચવું પડશે. ગુજરાતના કોઈ પણ શહેરથી પોરબંદર માટે બસ અને ટ્રેન મળી રહે છે. પોરબંદરથી આ ગુફા સુધી પહોંચવા ખાનગી અને સરકારી બંને પ્રકારના વાહનો ઉપલબ્ધ છે.

Places to visit in gujarat gujarat porbandar