નવાબની બીકથી શરૂ થયેલા બેઠા ગરબા જૂનાગઢની પરંપરા બની ગઈ

29 March, 2019 06:44 PM IST  | 

નવાબની બીકથી શરૂ થયેલા બેઠા ગરબા જૂનાગઢની પરંપરા બની ગઈ



રશ્મિન શાહ

નવરાત્રિના દિવસોમાં દીવાના સમયે માતાજીના ગરબા ગાવામાં આવે એ તો સમજાય, પણ આ દિવસોમાં માતાજીની સામે બેઠા ગરબા રમવામાં આવે એવું ક્યારેય સાંભળ્યું છે ખરું? હા, જૂનાગઢમાં આવું બને છે અને ત્યાં બેઠા ગરબા રમવામાં આવે છે. બેઠા ગરબાનો ઇતિહાસ સમજાવતાં જૂનાગઢની એચ. એન. પટેલ કૉમર્સ ઍન્ડ આર્ટ્સ કૉલેજના પ્રોફેસર એન. કે. મહેતા કહે છે, ‘આ બેઠા ગરબા ૧૯૪૬થી શરૂ થયા. પાકિસ્તાન સાથે જોડાવા માગતા જૂનાગઢના નવાબ મોહબ્બત અલી ખાને એ અરસામાં જૂનાગઢના લોકોને નવરાત્રિ રમવા કે ઊજવવા પર પ્રતિબંધ જાહેર કરી દીધો એટલે હિન્દુઓએ આજુબાજુનાં ઘરોને ભેગા કરીને જેમ સોસાયટીમાં ગરબા થાય એમ બેઠા ગરબા ઘરમાં શરૂ કર્યા. જમીન પર બેઠા રહેવાનું અને ગરબા કરવાના. નવાબનો હુકમ ન માનવાની સજા ભોગવવી ન પડે એ માટે એ સમયે ધીમા સાદે અને અવાજ ન થાય એ રીતે ગરબા રમવામાં આવતા. એ સમયે તાલી પણ સાવ ધીમી પાડતા. એમ છતાં ચારથી પાંચ જૂથ નવાબના સૈનિકોના હાથમાં પકડાઈ ગયાં હતાં જેમાંથી ચાર પુરુષોને નવાબે મૃત્યુદંડ ફટકાર્યો હતો એટલે જૂનાગઢના પુરુષોએ નક્કી કર્યું કે હવેથી બેઠા ગરબામાં માત્ર પુરુષો જ ભાગ લેશે જે પ્રથા હજી પણ ચાલુ રહી છે અને નવાબના જુલમ વચ્ચે પણ જૂનાગઢમાં માતાજીની નવરાત્રિ ઉજવાતી રહી એ દેખાડવા આજે પણ બેઠા ગરબા થાય છે.’

બેઠા ગરબા હવે સોસાયટીમાં કરવાને બદલે મંદિરોમાં થાય છે. રાતે નવ વાગ્યે શરૂ થતા આ ગરબામાં પુરુષો એકઠા થાય છે અને રાતે બાર વાગ્યા સુધી ગરબા રમે છે. આ ગરબામાં કોઈ ઊભું નથી થતું, બધા બેઠા-બેઠા ગરબા ગાય અને તાળીઓ પાડે. મજાની વાત એ છે કે જેમ ગરબી મંડળમાં બાળાઓને લહાણી આપવામાં આવે એમ અહીં પણ પુરુષોને લહાણી આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાનાં પાંચસથો વધુ મંદિરોમાં થતાં આ બેઠા ગરબા જોવા માટે ટૂરિસ્ટો પણ આવતા હોય છે.