18 March, 2026 05:49 PM IST | Mumbai | Morari Bapu
પ્રતિકાત્મક તસવીર - એઆઈ
બધાને સારા જોવા, બધામાં સારું જોવું, સહુમાં તે સંકળાયેલો છે એ ભાવ પુષ્ટ કરવો. શું યુવા વર્ગ માટે આ જરૂરી નથી? અત્યંત જરૂરી છે અને આ ભાવ જ જીવને માણસ બનાવવાની દિશામાં લઈ જાય છે.
અરે, પોતાનો સ્વધર્મ નિભાવતાં-નિભાવતાં પોતાનો કામધંધો કરતાં-કરતાં ઘણું મોટું કામ તમે કરી લીધું, પરંતુ એ કાર્ય કરવાને પરિણામે જે મળ્યું એનાથી સંતુષ્ટ થવું શું યુવા વર્ગ માટે જરૂરી નથી? મારું કહેવું એવું નથી કે તમે મોટું કામ ન કરો. કરો, ઘણું મોટું કામ કરો અને કલ્પનાઓની પણ આગળ જાઓ; પણ સાહસ અને મહેનત પછી જે મળે, જેટલું મળે એનાથી માનસ સંતોષ પામે કે ચાલો ઠીક છે, મેં મોટું સાહસ કર્યું, જે મળ્યું એ કર્યું, દાતાએ જે આપ્યું એ યોગ્ય છે તો ભક્તિ થઈ ગઈ કહેવાય અને આ વાત યુવા વર્ગે સમજવી બહુ જરૂરી છે.
સંતોષ પામો અને બીજા લોકોના દોષો ન જુઓ. દોષ જોતાં થઈ જશો તો ક્યારેય સંતોષને પામી નહીં શકો. આજે મોટા ભાગના સંબંધો આ દોષ કાઢતા રહેવાની નીતિને લીધે જ સંતોષના ઓડકાર સુધી પહોંચતા નથી એટલે સંતોષ પામો અને ક્યારેય કોઈના દોષો ન જુઓ.
ગોસ્વામીજીએ કહ્યું છેઃ નવમ્ સરલ સબ સન છલ હીનાની.
સરળ રહેવું, છળ છોડવું.
આ ભક્તિનાં લક્ષણો છે અને આ લક્ષણો ગોસ્વામીજીએ દર્શાવ્યાં છે. ખાસ કરીને કોઈ એમ ન કહે કે ભક્તિની ચર્ચા માત્ર યુવા વર્ગ માટે જ કેમ? એટલા માટે આ ચર્ચા યુવા વર્ગ માટે છે કે ભૂમિકા સાથે જ આપણે આ વિષય પર વાત શરૂ કરી હતી કે આ બન્ને વાત યુવા વર્ગ માટે આવશ્યક છે. સરળ રહેવાનો સૌથી મોટો લાભ એ કે તમારે કશું વિચારવાનું જ નથી. તમારે તો પ્રવાહ સાથે, તમારામાં રહેલી નિર્દોષતા સાથે આગળ વધતા જવાનું છે.
ચિંતા કરશે તે જેને છળ કરવું છે. વિચારોમાં તે રહેશે જેને છળ રમવું છે. પ્રયત્નશીલ તે રહેશે જેને છળનો આશરો લેવો છે, પણ જેને છળ જોઈતું જ નથી, જેને સરળતા છોડવી જ નથી તેને કોઈ વાતની ચિંતા જ નથી. તે તો સહજ ભાવ સાથે આગળ વધે છે અને એ સહજ ભાવમાં રહેલી સરળતા જ તેને ઈશ્વરની સમીપ લાવીને મૂકી દે છે.