વાગડના વિરલ પિતા-પુત્ર કોરસીબાપા અને રાયચંદભાઈ નિસર

15 October, 2019 05:37 PM IST  |  મુંબઈ ડેસ્ક | વસંત મારુ

વાગડના વિરલ પિતા-પુત્ર કોરસીબાપા અને રાયચંદભાઈ નિસર

પિતા-પુત્ર કોરસીબાપા અને રાયચંદભાઈ નિસર

ક્ચછના સપૂતો

અંદાજે ૧૦૫ વર્ષ પહેલાં કોરસી નામનો ૮ વર્ષનો છોકરો વાગડના ખારોઈ ગામથી મોંભઈ (મુંબઈ) આવ્યો, કારણ કે કોરસી ૬ વર્ષનો હતો ત્યારે જ તેના પિતાજી હીરજીભાઈનું અવસાન થયું. કોરસીભાઈનાં બા કામલબાઈ મોલઈ (મજૂરી) કરીને ત્રણ સંતાનો ઉછેરવા લાગ્યાં. પણ દુકાળિયા પ્રદેશના એક નાના ગામ ખોરાઈમાં ઢબુ (ત્યારનું કચ્છનું ચલણ) કમાવા કામલબાઈને રીતસરનાં લોહીપાણી એક થઈ જતાં. કોરસીભાઈથી માનું દુઃખ જોવાતું નહોતું. પરિણામે માત્ર આઠ વર્ષની ઉંમરે કોઈ કચ્છી સથવારાની સાથે મોંભઈ (મુંબઈ)ની અજાણી ભોમ તરફ જવા પ્રવાસ આરંભ્યો.
કોરસીભાઈ ભણવામાં અત્યંત તેજસ્વી હતા. ખારોઈની દેશી નિશાળમાં એક જ વર્ષમાં એકસાથે ત્રણ ધોરણ પાસ કરી લીધાં, પણ ભણતર અધૂરું મૂકી આંખમાં સ્વપ્ન આંજી ખારોઈથી મોંભઈ (મુંબઈ) આવવા નીકળ્યા. ઊંટ, પગપાળી અને દરિયાના માર્ગે ચારપાંચ દિવસ પ્રવાસ કરી રૂપિયા પાંચના ખર્ચે મુંબઈ પહોંચનાર વાગડના પહેલા વ્યક્તિ હતા. નાનકડા કોરસીભાઈ ૩ રૂપિયા મહિનાના પગારે એક કચ્છી ભાઈ ઓભાયાબાપા પાસે નોકરીએ રહ્યા અને શરૂ થઈ ‌તેમની સંઘર્ષકથા.
કોરસીભાઈએ શરૂઆતમાં નોકરી કરી, પછી પોતાની દુકાન શરૂ કરી. દુકાન લેતી વખતે લોકોએ તેમને ચેતવ્યા હતા કે ‘આ દુકાનમાં ભૂત છે, દુકાન લેનાર તમામ લોકો એમાં મૃત્યુ પામ્યા છે.’ પણ આ તો વાગડના કોરસીબાપા હતા, ભૂતને ગાંઠે એવા ક્યાં હતા? લોકોની વાત હસી કાઢીને દુકાન ખરીદી લીધી અને એ ભૂતિયા કહેવાતી દુકાનની કમાણીમાંથી અનેક દુકાનો ઊભી કરી દીધી.
એ સમયે અછત અને અભાવના પ્રદેશ તરીકે જાણીતા વાગડ પરદેશમાં લોકો પેટનો ખાડો પૂરો કરવા સખત સંઘર્ષ કરતા છતાં તેમનું ગુજરાન ચાલતું નહીં. આવા લોકોમાં જે મહેનત કરી ઉપર આવવા માગતા એ જ્ઞાતિજનોને કોરસીબાપા મુંબઈ લઈ આવતા, દુકાનમાં રાખી ધંધાની ટ્રેઇનિંગ આપતા, રહેવા-ખાવા-પીવા માટે આશ્રરો આપતા અને સમય જતાં અલગ દુકાન કરી આપતા. આ રીતે તેમણે ૩૦૦થી વધુ કુટુંબોને મુંબઈમાં ઠરીઠામ (સેટલ) કરી અનોખા પ્રકારની સમાજસેવા કરી.
તેજસ્વી કોરસીબાપા સંજોગાવશાત ભણી નહોતા શક્યા, પણ ભણતરને ખૂબ મહત્ત્વ આપતા. તે સ્પષ્ટ રીતે સમજતા કે અંગ્રેજોના રાજમાં વિકાસ માટે ભણતર અનિવાર્ય છે. એટલે દેશ આઝાદ થયો એ પહેલાં તેમણે ખારોઈમાં બોર્ડિંગ શરૂ કરી. પાછળથી શ્રી વીસા ઓસવાળ જૈન બોર્ડિંગ ભચાઉ (તાલુકા મથક) ખાતે લઈ જવામાં આવી અને એનું નવું નામ પડ્યું શ્રી રવજી લાલજી છાડવા જૈન બોર્ડિંગ. છેલ્લાં ૮૫ વર્ષમાં (ખારોઈ અને ભચાઉ મળીને) વાગડના હજારો વિદ્યાર્થીઓએ બોર્ડિંગમાં રહી, ભણીને પોતાનો વિકાસ કર્યો છે. ઉપરાંત આગળ ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે મિત્રો સાથે વીસા ઓસવાળ કેળવણી ફન્ડ ચાલુ કર્યું. શ્રી દામજીભાઈ વિજયપર સાવલા (સુવઈ)એ આ પ્રવૃત્તિને વધુ પ્રાણ પૂર્યા અને અત્યારે આ ટ્રસ્ટ સારુ સંચાલન લાકડિયાના શ્રી વિનોદ કાનજી ગડા કરી રહ્યા છે. અત્યાર સુધી અંદાજે દસ હજાર વિદ્યાર્થીઓ મસમોટી સહાય મેળવી ભણીને દેશ-વિદેશમાં ફેલાઈ ગયા છે.
આજથી ૭૦ વર્ષ પહેલાં વાગડમાં આરોગ્યક્ષેત્રે બહુ ઓછી સગવડો ઉપલબ્ધ હતી. એટલે કોરસીબાપાએ પોતાના ગામમાં એક જ દવાખાનું શરૂ કરી સામાન્ય લોકોના ઉપચાર માટે વ્યવસ્થા કરી. સમય જતાં ત્યાં મોતીબિંદુના ઑપરેશન માટે કૅમ્પનું આયોજન કર્યું. ૭૦ વર્ષ પહેલાં આવી વ્યવસ્થા કલ્પના બહારની વાત હતી. સમય જતાં મિત્રોની મદદથી આ પ્રવૃત્તિ ભચાઉ (તાલુકા મથક) ખાતે ખસેડી, વાગડ વેલ્ફેર હૉસ્પિટલ તરીકે આજે પ્રખ્યાત છે. મુંબઈમાં કાંદાવાડી ખાતે જૈન ક્લિનિકમાં પૅથોલૉજી અને આંખનો વિભાગ પણ તેમણે શરૂ કરાવ્યો.
ગાંધીજીએ દેશભરમાં જાગૃતિ લાવવા ૧૯૪૨માં ભારત છોડો આંદોલન કર્યું. એ આંદોલનમાં નીડર અને સાહસિક કોરસીબાપાએ સક્રિય ભાગ લીધો. અંગ્રેજ સરકારે ગાંધીજી અને બીજા આગેવાનો સહિત લાખેક લોકોની ધરપકડ કરી, પણ યુવા નેતા અરુણા અસગરઅલીની મદદથી ગોવાલિયા ટૅન્ક ખાતે શરૂઆત કરી. એના આયોજનમાં કોરસીબાપાએ સક્રિય ભાગ લીધો હતો. પરિણામે આખા દેશમાં આંદોલન ફેલાઈ ગયું અને આઝાદીના ભણકારા વાગવા લાગ્યા.
કોરસીબાપા માનતા કે વેપાર ઉદ્યોગ વગર દેશનો વિકાસ શક્ય નથી. વ્યવસાય પણ એક પ્રકારની સેવા છે. આઝાદી વખતે નોટબુક કાગદીઓ બનાવતા. એટલે નોટબુક મોંઘી વસ્તુ ગણાતી અને બાળકોને ભણવા માટે સ્લેટ-પેનનો ઉપયોગ કરવો પડતો. કોરસીબાપાએ સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીઓને નોટબુક મળી રહે એ માટે સતત ચિંતન કરતા રહ્યા અને છેવટે સીધેસીધું નોટબુક બનાવવાનું કારખાનું જ શરૂ કરી દીધું.
આજે આખું જગત શાકાહારી ભોજનને શ્રેષ્ઠ ભોજન તરીકે સ્વીકારે છે, પણ કોરસીબાપા જૈન ધર્મને કારણે એ સમયે શાકાહારનો પ્રસાર પ્રચાર કરતા રહેતા. વિશ્વશાકાહારી પરિષદમાં ભારતીય ડેલિગેટ તરીકે આ કચ્છીમાડુએ વિદેશમાં જઈ જૈન ધર્મ અને શાકાહારની ભૂમિકા વિદેશીઓને સમજાવી એની નોંધ વિદેશી અખબારોએ લીધી હતી. પોતાની નાની દીકરી શારદા સાથે ભારત પરત ફરતાં મુંબઈ જૈન સમાજે તેમનું સન્માન કર્યું હતું.
આ ઉપરાંત કોરસીબાપાએ અસંખ્ય સામાજિક કાર્યો કર્યાં. તેમના પગલે તેમના દીકરા રાયચંદભાઈ પણ ચાલ્યા અને વિવિધ રીતે સમાજ માટે નવી દિશા ચીંધવાનું કાર્ય કર્યું.
રાયચંદભાઈનો જન્મ ખારોઈ ગામે થયો હતો. પિતા કોરસીબાપા જેવો આર્થિક સંઘર્ષ તેમણે નહોતો કરવો પડ્યો. માતા દેસરીબેનના સંસ્કાર અને પિતા કોરસીભાઈની નીડરતા તેમને વારસામાં મળી હતી.
કોરસીબાપાની સ્વપ્નપૂર્તિ કરતા હોય એમ રાયચંદભાઈએ વિલ્સન કૉલેજ તેમ જ ભવન્સ કોલેજમાં એમ.એ. કર્યું . પછી ગવર્નમેન્ટ કૉલેજમાં વકીલાતનું ભણ્યા અને હિન્દી સાહિત્યની સનદ પણ લીધી. તેમને સાહિત્ય અને કલાનો જબરો શોખ હતો. સાહિત્યકારો, કલાકારો સાથે તેમને ઘરોબો પણ ખરો.
એ સમયે વાગડ અને કચ્છ રૂઢિઓ અને અંધશ્રદ્ધામાં જકડાયેલા હતા. રાયચંદભાઈ આ રૂઢિઓ સામે બંડ પોકારી રૂઢિઓને તોડતા રહ્યા.
વડીલોએ રાયચંદભાઈનાં લગ્ન મનફરાનાં અમૃતબેન સાથે નક્કી કર્યાં. એ વખતે લગ્નો વડીલો પોતાની રીતે નક્કી કરી લેતાં, પણ રાયચંદભાઈ પહેલા હતા જેમણે વાગડ સમાજમાં આ રૂઢી સામે બંડ પોકાર્યું અને અમૃતબેનને મળવાની જીદ કરી. વડીલોએ તેમની માગણીને દાદ ન આપતાં પોતે વેશપલટો કરી ભાવિ પત્નીને મળ્યા પછી જ લગ્ન માટે હા પાડી.
રૂઢિઓને ખતમ કરવાનો જાણે તેમને નશો ચડતો હોય એમ લગ્ન પ્રસંગે કુંડળી મેળવવાની પ્રથા સામે બંડ કરી બ્લડ-ગ્રુપ મેળવવાનું આવાહન કરવા લાગ્યા. લગ્નોમાં ધૂમ ખર્ચાઓ થતા જોઈ રાયચંદભાઈ દુઃખ અનુભવતા. એવાં ભભકાદાર લગ્નોમાં જવાનું બંધ કર્યું અને જાય તોય જમવાને બદલે ઉપવાસ કરવાનું શરૂ કર્યું. આજે ચાંદલાવિધિ ધૂમ ખર્ચ થાય છે, એ જમાનામાં પણ થતો. રાયચંદભાઈએ ચાંદલાવિધિમાં પૈસાનો ધુમાડો થતો જોઈ એક નિયમ એ સમયે બનાવ્યો હતો કે ચાંદલાવિધિ ઘરમાં જ રાખવી. ૨૦થી વધુ લોકોને જમાડવા નહીં. અને જો ૨૦થી વધુ લોકો જમે તો પોતે જમે નહીં, ઉપવાસ કરે! પોતાની સગી બહેન લવંગિકાબેનની ચાંદલાવિધિમાં માત્ર એક જ જણ વધુ જમ્યો તો પોતે ઉપવાસ કરી દાખલો બેસાડ્યો.
વર્ષો પહેલાં જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો વિધવા થયેલી સ્ત્રીને અત્યંત દારુણ અને નિસહાય પરિસ્થિતિમાં જીવવું પડતું. આવી વિધવા સ્ત્રીઓને જોઈ તેમને કરુણાભાવ જાગતો. પરિણામે વાગડમાં સૌપ્રથમ વાર તેમણે એક વિધવાનાં પુનઃલગ્ન કરાવ્યાં. વિધવાવિવાહથી હાહાકાર મચી ગયો અને તેમને ન્યાત બહાર કરવામાં આવ્યા, પણ સાચી વાત માટે મરી મીટવા તૈયાર રાયચંદભાઈ ક્યાં કોઈને ગાંઠે એમ હતા? એ સમયે સ્ત્રીઓને ઘરમાં પણ ઘૂંઘટ તાણી રહેવું પડતું. રાયચંદભાઈએ ઘૂંઘટ પ્રથાનો પણ સખત વિરોધ કર્યો.
એ સમયે લોકો અંધશ્રદ્ધામાં બહુ માનતા. લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિમાં જોડાઈ ઝુંબેશ ચલાવી. સમાજમાં થતી પેડીયો (એક પ્રકારનો નૈવૈદ્ય ઉત્સવ)માં ધૂણતા ભૂવાઓને પડકાર ફેંકતા, તાંત્રિકોને ખુલ્લા પાડતા, ચમત્કારી બાબાઓને જીવના જોખમે ઉઘાડા પાડી સત્ય બહાર લાવતા.
રાયચંદભાઈએ અનેક ક્ષેત્રોમાં નક્કર પ્રદાન કર્યું હતું. વર્ષો પહેલાં સરકાર દ્વારા હરતી-ફરતી અનાડી કોર્ટની પ્રથા હતી. સરકારી અમલદારો અનાડી કોર્ટ દ્વારા વેપારીઓને હેરાન કરતા. પોતાની મુનસફી મુજબ નિર્દોષ વેપારીઓને દંડતા. રાયચંદભાઈએ આગેવાની લઈ હજારો વેપારીઓને ભેગા કરી સરકાર સામે મોરચો માંડ્યો, સરકાર જાગૃત થઈ. તાત્કાલિક અનાડી કોર્ટ બંધ કરી. તેમણે સ્થાપેલી રીટેલ ટ્રેડર્સ અસોસિએશન ન્યાય માટે સેલ્સ-ટૅક્સ, ઑક્ટ્રોય, લાઇસન્સ ફી સામે આંદોલનો કરી વેપારીઓને ન્યાય અપાવ્યો.
દાદા ધર્માધિકારી, જયપ્રકાશ નારાયણ ઇત્યાદિ સાથે તેમને સારો ઘરોબો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક વાર અંજાર અને એક વાર રાપરમાંથી ચૂંટણી લડ્યા હતા. વાગડના ખેડૂતોને ઓછા પાણીએ ખેતી કરતાં શીખવાડતાં શીખવાડતાં પોતે પણ ખેડૂત બની ગયા હતા. ખેતીમાં જબરદસ્ત પ્રયોગો કરી ફળોનો મબલક પાક ઉતારતા. મુંબઈની હાડમારીથી બચવા લોકોને કચ્છમાં જઈ પ્રોફેશનલ ખેતી કરવા સમજાવતા. ખેતીમાં ઊંચી ઊપજ મેળવવા ખેડૂતો માટે અસંખ્ય ખેડૂત શિબિરો યોજી.
રાયચંદભાઈને વાંચન, સાહિત્ય અને વિદેશપ્રવાસની જેમ જૂની વસ્તુઓના સંગ્રહનો જબરો શોખ હતો.
એટલે પોતાના ગામ ખારોઈમાં આધુનિક મ્યુઝિયમ તૈયાર કર્યું. પર્યટકો ત્યાં રહી ઍન્ટિક વસ્તુઓનો અભ્યાસ કરી શકે એ માટે ભુંગા (માટીનાં ઘર) બનાવ્યાં. નિષ્ણાતો સાથે વિદેશોમાં ફરી ઇન્ટરનૅશનલ મ્યુઝિયમોનો અભ્યાસ કરી શાનદાર સંગ્રહાલય ઊભું કર્યું.
રાયચંદભાઈના પુત્ર વીરેનભાઈ તથા રાયચંદભાઈનાં વિદુષી બહેન લવંગિકા સાવલા પણ સમાજમાં સક્રિય છે. લવંગિકાબહેન લેખિકા ઉપરાંત વાગડની મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રવૃ‌ત્તિ કરી રહ્યાં છે.
આજે વાગડ સમાજ અત્યંત સમૃદ્ધ અને દરેક ક્ષેત્રમાં આગળ છે, વાગડ સમાજની પ્રતિમા કોરસીબાપા, રાયચંદભાઈ, કરશન લધુ નિસર, ચાંપસીભાઈ નંદુ જેવા અનેક વિરલાઓએ પરગજુ બનીને પ્રદાન કર્યું છે. ભચાઉના શ્રીયુત તલકશી વેરશી ફરિયા પાસે ભૂતકાળમાં વાગડની અનેક વાતો સાંભળી હતી એ ભવિષ્યમાં મિડ-ડેના કચ્છી કૉર્નરમાં રમતી મૂકવાની ઇચ્છા છે.
અસ્તુ.

kutch gujarat