કચ્છની કાશી કોડાય ગામમાં શ્રીમદ રાજચંદ્ર પ્રેરિત સદાગમ પ્રવૃત્તિ

01 October, 2019 05:26 PM IST  |  મુંબઈ | વસંત મારુ

કચ્છની કાશી કોડાય ગામમાં શ્રીમદ રાજચંદ્ર પ્રેરિત સદાગમ પ્રવૃત્તિ

કચ્છના સપૂતો

આજથી દોઢસો વર્ષ પહેલાંની વાત છે. પ્રાકૃત અને સંસ્કૃત શીખવા દેશના વિવિધ પ્રદેશોમાંથી કાશી વિશ્વ વિદ્યાલયમાં આવતા, પણ જો કાશી વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ ફુલ થઈ જાય તો ત્યાંના અધિપતિ ઇચ્છુક વિદ્યાર્થીઓને કચ્છના કોડાય ગામમાં સંસ્કૃત અને પ્રાકૃત શીખવાની ભલામણ કરતા. પરિણામે કોડાય ગામને ‘કચ્છની કાશી’નું બિરુદ મળ્યું.
આશરે દોઢસો વર્ષ પહેલાં ગુજરાતમાં બે અદ્ભુત આધ્યાત્મિક ઘટનાઓ બની. ગુજરાતના વવાણિયા ગામે લક્ષ્મીનંદન નામના પ્રભાવી બાળકનો જન્મ થયો અને કચ્છના કોડાય ગામમાં પાંત્રીસેક વર્ષના યુવાન હેમરાજભાઈ વિસરિયાએ સદાગમ પ્રવૃત્તિનો આરંભ કર્યો. સમય જતાં લક્ષ્મીનંદન નામનું એ બાળક શ્રીમદ રામચંદ્ર નામે પ્રભાવી મહાત્માના નામે પ્રસિદ્ધ થયા અને હેમરાજભાઈએ આત્માની ઓળખ, સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત તૈયાર થાય માટે સદાગમ પ્રવૃત્તિ માટે જબરો પુરુષાર્થ કર્યો. શ્રીમદ સાથે મિલન પછી સદાગમ પ્રવૃત્તિ ઉપર રીતસરનો શ્રીમદ રાજચંદ્રનો પ્રભાવ વર્તાવા લાગ્યો. ધર્મવીર હેમરાજભાઈ દીર્ઘદૃષ્ટા હતા. કચ્છમાં એ સમયે શિક્ષણનું પ્રમાણ નહીંવત્ હતું એટલે તેજસ્વી વિદ્યાર્થીઓને શોધી તેમના શિક્ષણ માટે રહેવા, ખાવા-પીવાની નિઃશુલ્ક વ્યવસ્થા, ભણાવનાર પંડિતની વ્યવસ્થા કોડાયની અવઠભ શાળા (ઉધમ શાળા)માં કરી. વર્ષે એનો ખર્ચ ૧૫,૦૦૦ કોરી (કચ્છનું ચલણ) (અંદાજે ૪૦૦૦ રૂપિયા) જેટલું મસમોટું ધન વપરાતું. (૧૫૦ વર્ષ પહેલાંની આ વાત છે.)
અંદાજે ૧૪૦ વર્ષ પહેલાં હેમરાજભાઈને જાણવા મળ્યું કે વવાણિયા (તાલુકો માળિયા) ગામમાં દસ-બાર વર્ષનો અતિ તેજસ્વી બાળક લક્ષ્મીનંદન રહે છે. તેને વધુ ભણાવવા કાશી વિશ્વ વિદ્યાલયમાં મોકલવાની ભાવના લઈ હેમરાજભાઈ તેમના મિત્ર સાથે ઊંટ ઉપર બેસી વવાણિયા પહોંચ્યા. તેજસ્વી લક્ષ્મીનંદન દૂરથી તેઓને જોઈ બોલ્યા, ‘પધારો, હેમરાજભાઈ પધારો’. તે કિશોરે પોતાના જ્ઞાન વડે અજાણ્યા હેમરાજભાઈનું નામ અને ગામ જાણી લીધું હતું. આ ઘટનાથી હેમરાજભાઈ લક્ષ્મીનંદનથી પ્રભાવિત થઈ ગયા, ગદ્ગદિત થઈ ગયા. આપણે જાણીએ જ છીએ કે તે લક્ષ્મીનંદન નામનો તેજસ્વી કિશોર એટલે શ્રીમદ રાજચંદ્ર.
જીવનની જીવ સાથે ઓળખાણ થાય, આત્મા સાથે ઓળખાણ થાય, તત્ત્વજ્ઞાનમાં નિપુણ થઈ શકે માટે દોઢસો વર્ષ પહેલાં હેમરાજભાઈએ કોડાયમાં અવઠભ શાળા મિત્રોના સથવારે સ્વખર્ચે બાંધી. એમાં દૂર-દૂરથી જ્ઞાનપિપાસુઓ સંસ્કૃત, પ્રાકૃત, આગમના અભ્યાસ માટે આવવા લાગ્યા. કોડાય જાણે તેજસ્વી પંડિતોનું પિયર બની ગયું.
અંદાજે ૧૩૫ વર્ષ પહેલાં હેમરાજભાઈએ આત્માના મુમુક્ષોઓ માટે ભગવાન મહાવીરનું જિનાલય ૧૭,૨૦૦ કોરી (અંદાજે ૪૫૦૦ રૂપિયા)ની મોંઘી કિંમતે બાંધ્યું. એ જિનાલયમાં (દેરાસરમાં) બિરાજમાન પ્રભુ મહાવીરની મૂર્તિ કચ્છના જ પથ્થરમાંથી બનાવવામાં આવી. આખા કચ્છમાં આ એક માત્ર દેરાસરમાં ભગવાનની મૂર્તિ કચ્છના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. એ અદ્ભુત મૂર્તિની સામે બેસી મુમુક્ષો ધ્યાનમાં બેસી આત્મા ઊંડાણમાં તત્ત્વની ખોજ કરતા. આવું અનોખું યોગમંદિર કચ્છમાં કદાચ ક્યાંય નહીં હોય. એ સમયે કચ્છમાં પૈસા કમાવવા ખેતી સિવાયની કોઈ પ્રવૃત્તિ ન હતી. બધે અત્યંત ગરીબાઈ વર્તાતી. હેમરાજભાઈએ એવા સમયે ગરીબીમાં પિસાતી સ્ત્રીઓ માટે ભણતરની સાથે-સાથે કલાકારીગીરી દ્વારા તેમનું આર્થિક ઉત્કર્ષ થાય માટે વ્યવસ્થા કરી. સ્ત્રીઓને સીવણ, ભરતગૂંથણ, ચિત્રકામ, માટીકામમાં નિપુણ બનાવી પગભેર કરવા લાગ્યા. આ પ્રવૃત્તિ પણ અવઠભ શાળાના બહારના ભાગમાં ચાલતી. આવી પ્રવૃત્તિઓમાં તેમના મિત્રોનો જબરો સાથ મળી રહેતો.
આમેય હેમરાજભાઈ જ્ઞાનપિપાસુ માણસ અને એમાં શ્રીમદ રાજચંદ્રના વિચારનો રંગ પણ ભળ્યો એટલે ખૂબ લાંબા ભવિષ્યનું વિચારી તેમણે એક જ્ઞાનમંદિરના નિર્માણનું સ્વપ્ન જોયું. આખા ભારતનાં ત્રણ જ્ઞાનમંદિર પૈકી એક જ્ઞાનમંદિર કોડાયમાં છે. (સાદી ભાષામાં પ્રાચીન પુસ્તકોનું ગ્રંથાલય.) શિખરબદ્ધ જ્ઞાનમંદિર (દર વર્ષે દેરાસરની જેમ એની ધજા બદલાવાય) બનાવવાનો હેતુ હતો. પુસ્તકોને દેવસ્થાને સ્થાપી, વિદ્યાની પૂજા કરવી. ૧૪૦ વર્ષ પહેલાં પ્રિન્ટિંગ ટેક્નૉલૉજી કે આધુનિક શાળાઓ ન હતી એટલે પુસ્તકો છપાતાં ન હતાં, પણ હેમરાજભાઈ ભારતભરમાં પ્રવાસો કરી હજારો પ્રાચીન ગ્રંથો, હસ્તલિખિત પ્રતો, તામ્રપત્રો ઇત્યાદી લઈ આવી જ્ઞાનમંદિરને સમૃદ્ધ કર્યું. એટલું જ નહીં, પ્રોફેશનલ લહિયાઓને રોકી અનેક ગ્રંથોનું લખાણ અને અનુવાદ કરાવ્યો. અલભ્ય એવા આ પ્રાચીન સાહિત્ય કોડાયની મોંઘેરી જણસ બની ગઈ છે. હેમરાજભાઈ અને મિત્રોએ આ શિખરબદ્ધ જ્ઞાનમંદિર પણ સ્વખર્ચે બનાવડાવ્યું.
હેમરાજભાઈએ સમાજસુધારકની ભૂમિકા પણ અદ્ભુત રીતે ભજવી. એ સમયે કચ્છનાં ગામડાંઓમાં છોકરીનાં લગ્ન આઠ-નવ વર્ષે થઈ જાય, પણ ક્યાંક જો તેમના પતિનું મરણ થાય તો અબુધ કન્યાને બાળવિધવા બની જીવનભર દુઃખો વેઠવા પડે. એમાંય વિધવાને અંધારી ઓરડીમાં દીવાલ તરફ મોં રાખી ચોવીસ કલાક વર્ષો સુધી બેસી રહેવું પડતું. એમાંય બાળવિધવાઓની પરિસ્થિતિ અત્યંત દારુણ બની જતી. હેમરાજભાઈ ગામડે-ગામડે ફરી આવી બાળવિધવાઓને સમજાવીને કોડાય લઈ આવતા. ત્યાં અવઠભ શાળા આશ્રમમાં રાખી તેમને ભણવાની વ્યવસ્થા કરતા. તેમને જીવનભર આજીવિકા મળી રહે એવી કેળવણી આપતા. શરૂઆતમાં જ ૧૩૨ બાળવિધવાઓને આશ્રય આપી તેમની જિંદગી ઉગારી હતી. એ કાર્ય વર્ષો સુધી ચાલ્યું.
હેમરાજભાઈ અને તેમના મિત્રોની સદાગમ પ્રવૃત્તિની સુવાસ ચારેબાજુ ફેલાવા લાગી. એમાં એક વધુ સેવાનો ઉમેરો થયો. હેમરાજભાઈ પ્રખર જીવદયાપ્રેમી હતા એટલે ૧૪૦ વર્ષ પહેલાં કચ્છની સર્વપ્રથમ પાંજરાપોળ શરૂ કરી અને દુકાળમાં પશુઓની સારી માવજત કરતા. એટલું જ નહીં, એ સમયે કોડાય ગામના કોઈ પણ ઘરમાં અનાજમાં જીવજંતુ (ધનેડા) ઉત્પન્ન થાય તો એ અનાજ પોતે લઈ બદલીમાં ચોખ્ખું અનાજ આપતા. જીવજંતુ ઉત્પન્ન થયેલ અનાજને આશ્રમની કોઠીઓમાં રાખી મૂક્તા અને સમય જતાં ધીરે-ધીરે જીવજંતુ આપોઆપ મૃત્યુ પામતાં અને લોકો જીવહિંસાથી બચી જતા. એવી જ રીતે ચોમાસામાં ખાસ પ્રકારની માખીઓ ઉત્પન્ન થતી. એ માખીઓનું આયુષ્ય માંડ બે-ત્રણ દિવસનું રહેતું. પહેલા જ દિવસે માખીઓની પાંખો ખરી પડતી, માખીઓ જમીન પર પડી જતી અને કિડીઓ એમને ઘેરી લઈ ડંખો મારતી. પરિણામે માખી રિબાઈ-રિબાઈને મૃત્યુ પામતી, પણ હેમરાજભાઈ અને તેમના સાથીઓ આવી માખીઓને જમીન પરથી ચૂંટી લઈ હવામાં લટકતા પાંજરામાં હળવેકથી મૂકી દેતા. હવામાં લટકતા પાંજરા સુધી કિડીઓને પહોંચવું અશક્ય હતું એટલે શાંતભાવે માખીઓ મૃત્યુ પામતી.
જ્ઞાનજાગૃતિ, લોકજાગૃતિ, જીવદયા, સમાજસેવાનાં અનેક કાર્યો દ્વારા હેમરાજભાઈ અને તેમના સાથીઓએ કોડાયની ધરતી પર માનવતા અને જ્ઞાનની મહતા સ્થાપી. તેમના પગલે ચાલી અનેક નારીઓએ વર્ષો સુધી આ પ્રવૃત્તિને ધમધમતી રાખી. એમાંય હાલાપુર ગામનાં પાનબાઈ ઠાકરસી માત્ર ચૌદ વર્ષે સદાગમ પ્રવૃત્તિમાં જોડાઈ આજીવન કુંવારા રહ્યાં. તેમનો ત્યાગ અને વૈરાગ્ય બેજોડ હતા. મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈ કચ્છમાં સ્વતંત્રતાની આહલેક જગાવી. બે વાર જેલમાં ગયાં. મહાત્મા ગાંધી તેમને ‘કચ્છની સરોજીની નાયડુ’ તરીકે ઓળખતા.
દોઢસો વર્ષ જૂની સદાગમ પ્રવૃત્તિના મુખી મુકામની પાછળ આજે પણ (જ્ઞાનમંદિરની) શ્રીમદ રામચંદ્ર ધ્યાનકેન્દ્ર ચાલુ છે ત્યારે એક બીજી વાત લખવાનું પણ રોકી નથી શકતો કે રુકમાવતી નદીના કાંઠે આસરે હજારેક વર્ષ પહેલાં ગઢવીઓએ વસાવેલા કોડાય ગામમાં ૪૦૦ વર્ષ પહેલાં જૈનો રહેવા આવ્યા. ગામનો વિસ્તાર થયો. લોહાણા, બ્રાહ્મણ, મુસ્લિમ, અંઘાર ઇત્યાદી અનેક કોમના લોકો હળીમળીને રહે છે. આજની તારીખમાં નાનકડા કોડાય ગામમાં ત્રણ દેરાસર, ૫૦૦ વર્ષ પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર, કરાચી સહિત અનેક ઠેકાણે પૂજાતા મૂળ કોડાયના મુસ્લિમ સંત મકાનશા પીર ઇત્યાદીને કારણે ‘કચ્છની કાશી કોડાય તીર્થ ભૂમિ’ તરીકે પૂજાય છે.
લગભગ ૧૯૦ વર્ષો પહેલાં ચાંપઈ પટલાણી નામની જૈન વીરાંગના કોડાયમાં થઈ ગયાં. એ સમયે સ્ત્રીઓ ઘૂંઘટ તાણી ઘરમાં જ રહેતી ત્યારે બહાદુર અને એ સમયની આધુનિક વિચારવાળી ચાંપઈ પટલાણી ઘોડા પર બેસી રોજ ગામમાં નીકળતાં. દિનદુઃખીયાના દુઃખ જાણી મદદ કરતાં. ચાંપઈ પટલાણીને કારણે લૂંટારુઓ ગામમાં આવતા ડરતા. તેમણે માટીનો ગઢ બંધાવ્યો હતો. નાનું લશ્કર અને તોપ પણ વસાવી હતી. આ બહાદુર નારી ખેતીના કારોબારની સાથે-સાથે સમય આવે લૂંટારા, બહારવટિયા, સમાજવિરોધી તત્ત્વો સાથે બાથ ભીડી તેમને કાળુ કરતા. ચાંપઈ પટલાણીને એક વાર છોકરીઓને રંજાડતા ગુંડાતત્ત્વની ફરિયાદ મળી, ચાંપઈ પટલાણીએ તેને બોલાવી સાંજ સુધીમાં ઘર અને ગામ ખાલી કરી ચાલી જવાની ચેતવણી આપી અને સાંજે તોપથી ખરેખર તેના ઘરને પાડી દીધું. આ બહાદુર નારી નિસંતાન હતી એટલે બધી મિલકત વેંચી ધનનો ઉપયોગ ગરીબો, સમાજનાં કાર્યો માટે વાપર્યો અને છેવટે આજથી ૧૫૫ વર્ષ પહેલાં પોતાના ખર્ચે અનંતનાથનું દેરાસર બંધાવ્યું.
હેમરાજભાઈ ઉદાર હતા, પણ પૈસેટકે મધ્યમ હતા. તેમના પૌત્ર કલ્યાણજી ધનજી શાહ સોદાગર તરીકે આખા કચ્છમાં નામના મેળવી હતી. અંગ્રેજો અને કચ્છના રાજા સાથે તેમનો સારો સંબંધ હતો. સૌથી વધુ કંપનીઓની તેમની પાસે એજન્સી હતી. માંડવી બંદર પર તેમની ભોજનશાળા હોવાનું કહેવાય છે. મુંબઈની તાજ હોટેલમાં તેમનો શ્યુટ કાયમી બુક રહેતો. તેમના મિત્ર રામજી રવજી લાલનનો દેશપ્રેમ અને વિદ્યાપ્રેમ જાણીતો હતો. એ સમયે કચ્છની પ્રથમ કૉલેજ ભુજમાં શરૂ થઈ. કૉલેજમાં લાખો રૂપિયાનું અનુદાન આપ્યું. આજે પણ એ કૉલેજ લાલન કૉલેજ તરીકે વિખ્યાત છે. મુંબઈના વાલકેશ્વર પર આવેલા તેમના બંગલા પર ગાંધીજી, નેહરુજી ઇત્યાદી રાજપુરુષો અવારનવાર આવતા. ડૉ. કોટનીશની કક્ષામાં આવી શકે એવા સેવાભાવી ડૉ. મોરારજી શામજી કોડાય આજુબાજુનાં ગામોમાં સેવા માટે પ્રખ્યાત હતા.
કોડાયની સદાગમ પ્રવૃત્તિના હાલના સૂત્રધાર સાકરચંદ ગોગરી, સદાગમ પ્રવૃત્તિને આધુનિક બનાવવા મસમોટો ફાળો આપનાર હાલના થાણાના રજનીકાંતભાઈ ગાલા, સ્થાનિક ઉત્સાહી કાર્યકર અમૂલ દેઢિયા, નરેન્દ્ર મારૂ, ધીરજ વિસરિયા અને હાલમાં ગામને ગોકુળિયું ગામ બનાવવા મચી પડેલા જૈનમુનિ વિદ્યાચંદ્ર મહારાજસાહેબ સાથે-સાથે સદાગમ પ્રવૃત્તિનો લેખ લખવા પ્રેરિત કરનાર જૈન ધર્મના જ્ઞાની મુકેશભાઈ શાહ (અંધેરી)નું સ્મરણ કરી વિરમું છું. અસ્તુ.

kutch gujarat