બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈના હજારો નિર‍્વાસિતોને કચ્છમાં આશ્રય અપાયો

15 October, 2019 06:36 PM IST  |  મુંબઈ ડેસ્ક | નરેશ અંતાણી

બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈના હજારો નિર‍્વાસિતોને કચ્છમાં આશ્રય અપાયો

કચ્છનું અતીત

૧૯૪૪ના વર્ષમાં વિશ્વયુદ્ધના દિવસોમાં મુંબઈની ગોદીમાં એક વિદેશી સ્ટીમરમાં બૉમ્બ ફૂટતાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક મકાનો ધરાશાયી થયાં હતાં. કરોડો રૂપિયાની નુકસાની અને જાનહાનિ પણ થઈ હતી. કચ્છીઓને પણ વ્યાપક ખુવારી થતાં કચ્છ તરફ હિજરત કરી આવેલા કચ્છીઓને ફ્રી કૅશ ડૉલ્સ અને હંગામી આવાસ સહિતની સુવિધા અપાઈ હતી. યુદ્ધ દરમ્યાન મધદરિયે અમેરિકન સૈનિકોના જીવ કચ્છી માલમે બચાવ્યા હતા

ઈ. સ. ૧૯૩૯થી ૧૯૪પ દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ લડાઈ રહ્યું હતું ત્યારે કચ્છ સીધી રીતે એમાં નહોતું છતાં એક યા બીજી રીતે એમાં સંકળાયેલું હતું. આ યુદ્ધના સૈનિકો તથા અસરગ્રસ્તો માટે કચ્છની જનતા તથા રાજના નોકરો પાસેથી રોકડ તથા અનેક વસ્તુઓ રૂપે ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો જેની વિગતે વાત ફરી ક્યારેક કરીશું. આજે આ યુદ્ધ સંદર્ભે કેટલીક અજાણી વાતો પણ જાણવી રસપ્રદ બની રહેશે.
૧૯૪૪ના વર્ષમાં જ્યારે મિત્રદેશો અને જપાન વચ્ચે તુમુલ યુદ્ધ ચાલતું હતું ત્યારે ૧૪ એપ્રિલે મુંબઈની ગોદીમાં લાંગરેલી એક વિદેશી સ્ટીમરમાં બૉમ્બ ફૂટતાં ભયાનક વિસ્ફોટ થયો હતો એને લીધે આખું મુંબઈ ધ્રૂજી ઊઠ્યું હતું. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ગોદી-બંદર આસપાસના વિસ્તારો વડગાદી, ચિચબંદર, કર્ણાક બંદર, મસ્જિદ બંદર અને એની આજુબાજુનાં અનેક મકાનો ધરાશાયી થયાં હતાં અને મોટી ખુવારી થઈ હતી. કરોડો રૂપિયાની નુકસાની થઈ અને જાનહાનિ પણ પુષ્કળ થઈ હતી. આ વિસ્ફોટમાં ૮૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને ૮૦,૦૦૦ લોકો બેઘર થયા હતા. આ વિસ્તારમાં કચ્છીઓની પણ મોટા પ્રમાણમાં વસ્તી હોવાથી કચ્છીઓની પણ વ્યાપક ખુવારી થઈ હતી. અહીં વસતા લોકોમાં એવો ભય પેસી ગયો કે યુદ્ધ મુંબઈ સુધી આવી ગયું છે. પરિણામે આ વિસ્તારમાંથી મોટા પાયે નાસભાગ થઈ અને હિજરત શરૂ થઈ. આ વિસ્તારમાં રહેતા કચ્છીઓનો મોટો સમૂહ કચ્છ તરફ આવવા રવાનો થયો. આમાંના ઘણા નિર્વાસિતો જેવા પણ હતા જેઓ કચ્છની પોતાની મિલકત વેચીને મુંબઈ ગયા હતા તેમને કચ્છમાં પગ મૂકવા જગ્યા પણ નહોતી.
આ ઘટનાની જાણ કચ્છના મહારાવ વિજયરાજજીને થતાં તેમણે તાત્કાલિક પોતાના અમાત્ય મંડળને બોલાવ્યું અને અમલદારો બાલમુકુંદ માવજી મહેતા તથા‍ ખટાઉભાઈ નારાણજી ઠક્કરને સૂચના આપી કે આખા કચ્છમાં જ્યાં-જ્યાં મુંબઈગરાઓ નિર્વાસિત હાલતમાં મુંબઈથી હિજરત કરીને આવ્યા હોય એ તમામની જાતતપાસ કરીને ખરેખર આશ્રયને લાયક પરિવારોને ફ્રી કૅશ ડોલ્સ અને બીજી જેકાંઈ સુવિધાની જરૂર હોય એ તાત્કાલિક પૂરી પાડવી અને આ પરિવારો પોતાની રહેવાની વ્યવસ્થા ન કરી શકે ત્યાં સુધી તેમના નિવાસની પણ હંગામી વ્યવસ્થા કરવાની એવી સૂચના આપી દીધી.
આને માટે થનારા ખર્ચના આંકડા સીધા મહારાવની કચેરીને આપવાની સૂચના પણ આપી અને આ માટે રાજ્યની કચેરી તરફથી ઠરાવ બહાર પાડવામાં ખૂબ જ સમય જાય એમ હોવાથી આવા કોઈ પણ જાતના સત્તાવાર હુકમોની રાહ જોયા વિના કામગીરી આરંભી દેવાની પણ તેમણે આ અમલદારોને સૂચના આપી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનની આવી જ એક બીજી ઘટના પણ જાણવા જોગ છે. એ સમયે દરિયાઈ યુદ્ધ દરમ્યાન મિત્રદેશોની એક સ્ટીમર પર હુમલો થતાં એ દરિયામાં ડૂબી ગઈ. આ સ્ટીમરમાં કેટલાક અમેરિકન સૈનિકો હતા જેમાંથી કેટલાક બચી ગયેલા સૈનિકોને સદ્‌ભાગ્યે એક તરાપો મળી જતાં તેઓએ એના પર આશ્રય મેળવી લીધો, પણ આ તરાપો સુકાન વગરનો હોવાથી એ દરિયામાં પવનની સાથે આમતેમ ફંગોળાવા લાગ્યો અને કોઈ ચોક્કસ દિશા વિના ગમે તેમ તરવા લાગ્યો. આમ બે-ત્રણ દિવસની આડીતેડી સફરના અંતે એક કચ્છી વહાણ મસ્કતથી માંડવી આવી રહ્યું હતું એની નજર આ તરાપા પર જતાં વહાણના માલમે વહાણને આ તરાપા નજીક લઈ માનવતાના ધોરણે આ તમામ સૈનિકોને પોતાના વહાણમાં લઈ લીધા અને જરૂરી સારવાર પણ કરી. તરાપાને વહાણના પાછળના ભાગમાં બાંધી દઈને માંડવીના કિનારે તમામને લઈ આવ્યા. માંડવી બંદર આવ્યા પછી માલમે વિદેશી સૈનિકોને કચ્છ પોલીસના હવાલે કર્યા હતા અને ત્યાંથી આ સૈનિકોને ભુજ લવાયા હતા અને ભુજમાં એની પૂરી તપાસ કરી તેઓ મિત્રદેશોના હોવાની ખાતરી કર્યા પછી ભુજમાં રાજ્યના મહેમાન તરીકે બે દિવસ રોકી દિલ્હી પહોંચાડી અમેરિકન પ્રતિનિધિને સોંપવામાં આવ્યા હતા.
આ અમેરિકન બનાવટના તરાપાને માંડવીથી ટ્રક મારફત ભુજ લવાયો હતો અને ભુજમાં હમીરસર તળાવની પશ્ચિમ દિશાએ જ્યાં કચ્છની દરબારી બોટને લાંગરવામાં આવતી ત્યાં રાખવામાં આવ્યો હતો. ભુજ શહેરની જનતા એ તરાપાને નિહાળવા જતી હોવાની નોંધ શંભુદાન ગઢવીએ કરી છે અને તેમણે જાતે પણ આ તરાપો જોયો હતો.
આ વિશેની વિસ્તારપૂર્વકની જાણ એ સમયના અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટને થતાં ત્યારે તેમણે આ સૈનિકોને બચાવનાર કચ્છી વહાણના માલમ અને કચ્છ રાજ્યનો આભાર માનતો પત્ર તથા માન-ચાંદ સહિતનાં ઇનામો સાથે હિન્દ સરકારના એ સમયના અમેરિકી પ્રતિનિધિ મૂલરને ખાસ કચ્છ મોકલ્યા હતા. એ સમયે વિજયરાજજીએ ખાસ દરબાર બોલાવીને વહાણના માલમને ભુજ બોલાવીને જાહેરમાં સન્માન કરી મૂલરના હાથે જ માન-ચાંદ અને ઇનામ આપવામાં આવ્યાં હતાં. આ ઘટના પછી કચ્છ રાજ્ય અને અમેરિકાના સંબંધો સારા રહ્યા હતા.

kutch gujarat