કચ્છનું અંધૌ પશ્ચિમ ભારતનું ક્ષત્રપોનું વડું મથક હતું

01 October, 2019 05:35 PM IST  |  મુંબઈ | નરેશ અંતાણી

કચ્છનું અંધૌ પશ્ચિમ ભારતનું ક્ષત્રપોનું વડું મથક હતું

કચ્છનું અતીત

આજથી ૧૫ કરોડ વર્ષ પહેલાં જ્યારે આ ધરતીની ભૂસ્તરરચના થઈ રહી હતી ત્યારના પ્રાચીન જળચરોના અશ્મીભૂત અવશેષો આજે પણ કચ્છમાંથી મળી આવે છે. ભુજ તાલુકાના લોડાઈ ગામેથી મળી આવેલાં લઘુ પાષાણ યુગના પથ્થરનાં ઓજારોની નોંધ તો આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. ૫૦૦૦ વર્ષ જૂની સિંધુ સભ્યતાનાં અનેક નગરો કચ્છમાંથી અવિરત મળી રહ્યાં છે. આ દિશામાં આજે પણ સંશોધન ચાલી રહ્યું છે. આ જ રીતે બીજી-ત્રીજી સદીના ક્ષત્રપકાલીન અવશેષો કચ્છના ખાસ કરીને અંધૌ અને બીજાં સ્થળોએથી પ્રાપ્ત થયા છે. ગુજરાતમાંથી મળી આવેલા આ ક્ષત્રપકાળના તમામ શિલાલેખોમાંથી સૌથી વધુ ૧ર (બાર) શિલાલેખો એકલા કચ્છમાંથી જ મળ્યા છે.
કચ્છમાં ઈસાની પહેલી સદીના અંતમાં કુશાણોનું શાસન પૂર્ણ થયા પછી ક્ષહરાત વંશના શક શાસકોનું રાજ્ય સ્થાપાયું હતું. આ પછી કાર્દમક વંશના શકોનું રાજ્ય આવ્યું. પાછળથી આ શકો કચ્છ સહિત સમગ્ર ગુજરાત અને માળવાના શાસકો બન્યા. આ વંશનો સ્થાપક ત્સામોતિક હતો. જોકે તે કુશાણોનો ખંડિયો રાજા હોવાનું મનાય છે. તેનો પુત્ર ચાષ્ટન સ્વતંત્ર રાજવી બન્યો હતો અને તેણે પોતાના રાજ્યની સ્થાપનાની યાદગીરી કાયમ રાખવા શક સંવતનો આરંભ કર્યો હતો જે આજે આપણી રાષ્ટ્રીય સંવત છે. કચ્છ માટે ગૌરવની વાત એ છે કે શક સંવતના આરંભ અંગેનો બોલતો પુરાવારૂપ શિલાલેખ અંધૌમાંથી મળ્યો છે. ક્ષત્રપોના કચ્છમાંથી મળી આવેલા શિલાલેખોએ આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસની કેટલીક ખૂટતી સાંકળો સાંધી આપી છે. ક્ષત્રપકાલીન આ શિલાલેખો વિશે વિદ્વતાપૂર્ણ લખાણો અને અનેક શોધપત્રો અને પુસ્તકો પણ લખાયાં છે, પરંતુ કચ્છને સંબંધ છે ત્યાં સુધી કચ્છમાંથી મળેલા આ તમામ શિલાલેખો ભુજના સંગ્રહાલયમાં છે. આ શિલાલેખોની જાણકારી આ શક ઇતિહાસને જાણવા મદદરૂપ બનશે.
કચ્છનો બન્ની પ્રદેશ એશિયાના શ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે જાણીતો છે. એટલું જ નહીં, પણ બન્નીના અંધૌમાંથી મળી આવેલા ક્ષત્રપ શિલાલેખોએ આ પ્રદેશને પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ નામના અપાવી છે.
અંદાજે પ૦૦ માણસોની વસ્તી ધરાવતું અંધૌ કચ્છના પાટનગર ભુજથી ૮૦ કિલોમીટર ઉત્તર–પશ્ચિમે (ર૩.૪૬ ઉત્તર અક્ષાંશ અને ૬૯.પ૩ પૂર્વ રેખાંશ) પર આવેલું છે. ગુજરાતમાંથી સૌથી વધુ ક્ષત્રપ શિલાલેખો એકલા અંધૌમાંથી જ મળ્યા છે.
અંધૌ બે ભાગમાં વહેંચાયેલું છે જૂનું અને નવું, બન્ને વચ્ચે એક ટેકરી છે. જૂનું ક્ષત્રપકાલીન અંધૌ કિલ્લેબંધીવાળું નગર હતું. હાલની નવી વસાહતથી એ ચાર કિલોમીટર દૂર છે. આ જૂના કિલ્લાને સ્થાનિક લોકો ‘અલ્લાહકોટ’ના નામથી ઓળખે છે. અંધૌ કિલ્લાના ખંડેર છેક ૧૯૬૪ સુધી હયાત હતા, પરંતુ ૧૯૬પના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભુજથી કુવાર બેટ સુધીનો રસ્તો બનાવવાની તાકીદે જરૂર પડતાં ખાણમાંથી પથ્થરો કાઢવાનું શક્ય ન બનતાં આ ખંડેરના પથ્થરો એમાં વાપરવામાં આવ્યા હતા. આજે એ જૂના અંધૌને ‘સઢવાળી બાંધી’ કહેવામાં આવે છે એટલે કે ‘પાળિયાવાળી ટેકરી’ તરીકે ઓળખવામાં આવે છે.
વર્તમાન કાળમાં અંધૌનું સ્થાન રાજકીય કે વાણિજ્ય દૃષ્ટિએ મહત્ત્વનું ન હોવા છતાં દેશના રાજકીય ઇતિહાસમાં એનું મહત્ત્વ અનેક ગણું છે, કારણ કે અગાઉ કહેવાયું એમ ક્ષત્રપકાલીન સાત-સાત શિલાલેખો એકલા અંધૌમાંથી મળ્યા છે. એથી એવું જરૂર કહી શકાય કે ક્ષત્રપકાળમાં અંધૌ ક્ષત્રપોનું અથવા તો તત્કાલીન ગુજરાતનું વડું મથક હશે.
સૌપ્રથમ ઈ.સ. ૧૮૯૮માં કચ્છ રાજ્યના રણછોડભાઈ ઉદયરામ દીવાનને શક સંવત પર (બાવન) ઈ.સ. ૧૩૦ના ચાર લષ્ટિલેખો (મૃત્યુલેખ) મળ્યા. આ શિલાલેખો ઈ.સ. ૧૯૬૦ સુધી કચ્છની ઇજનેર કચેરીના સ્ટોરમાં હતા, જ્યાંથી કલકત્તા વિશ્વ વિદ્યાલયના સ્થાપક અને ભારત સરકારના પશ્ચિમ વર્તુળના અધ્યક્ષ ડી. આર. ભાંડરકરે પ્રાપ્ત કરી ભુજના કચ્છ મ્યુઝિયમમાં ખસેડાવ્યા હતા.
કચ્છ મ્યુઝિયમમાં ક્ષત્રપકાળના કુલ ૧૧ શિલાલેખો છે જેમાંથી સાત અંધૌમાંથી તથા અન્ય શિલાલેખો વાંઢ (માંડવી), ખાવડા, મેવાસા (રાપર) તથા દોલતપર (લખપત) ખાતેથી પ્રાપ્ત થયા છે. આ તમામ લેખો બ્રેઇલ લિપિમાં પ્રાકૃત મિશ્રિત સંસ્કૃત ભાષામાં લખાય છે.
અહીં પ્રદર્શિત કરાયેલ આ ક્ષત્રપ શિલાલેખોમાંથી સૌથી અગત્યનો શિલાલેખ શક સંવત ૧૧ (ઈ.સ. ૮૯)નો છે. આ લેખ ક્ષત્રપનો સૌથી જૂનો શિલાલેખ છે જેમાં ક્ષત્રપ રાજા ચાષ્ટનનો ઉલ્લેખ છે. આ શિલાલેખ ૧૯૬૮માં કચ્છ મ્યુઝિયમના તત્કાલીન ક્યુરેટર દિલિપભાઈ વૈદ્યને પ્રાપ્ત થયેલ છે. આ શિલાલેખ મળતાં ભારતીય ઇતિહાસની એક મોટી ખોજ મળેલ છે. આ લેખ મળ્યા પહેલાં જે ક્ષત્રપ લેખો મળ્યા એની સાલવારી ઉકેલી શકાઈ નહોતી. આ લેખથી એ પણ પુરવાર કરી શકાયું કે શક સંવતનો સ્થાપક રાજા ચાષ્ટન હતો.
ઈ.સ. ૧૮૯૮માં પ્રાપ્ત થયેલ શક સવંત પર (બાવન) ઈ.સ. ૧૩૦ના ચાર મૃત્યુલેખો મ્યુઝિયમમાં પ્રવેશતાં જ પ્રદર્શિત કરાયા છે. આ ચારે લેખોમાં રાજાનું નામ અંકિત છે. મહાક્ષત્રપ રાજા રૂદ્રદામનના સમયના ચાર શિલાલેખો પૈકી ત્રણ લેખો મદન નામની વ્યક્તિએ પોતાની બહેન જયેષ્ઠવીરા, ભાઈ ૠષભદેવ તથા પત્ની યશદાતાની સ્મૃતિમાં કરાવેલ છે, જ્યારે ચોથો લેખ શ્રેષ્ઠદત નામની વ્યક્તિએ પોતાના પુત્ર ૠષભદેવની સ્મૃતિમાં કરાવેલ છે.
આ ચારે વ્યક્તિઓની સ્મૃતિમાં આ લષ્ટિલેખ ફાગણ વદ બીજના દિવસે સ્થાપવામાં આવેલ હોવાથી કોઈ કુદરતી હોનારત કે રોગચારાનો ભોગ આ વ્યક્તિઓ બની હોવાનું અનુમાન કરી શકાય છે. જોકે જાણીતા પુરાતત્ત્વવિદ સુબોધકુમાર અગ્રવાલ એવું અનુમાન કરે છે કે લષ્ટિલેખમાં મૃત્યુના કારણની ખબર પડતી નથી એથી આ ચારે વ્યક્તિઓ અલગ-અલગ તિથિએ મૃત્યુ પામેલ હશે અને લેખ એક જ દિવસે સ્થાપેલ હોય એવો પણ સંભવ છે. ચારેય લેખમાં ‘ફાગુન’ બહુલસ દ્બિતીય વર્ષ દ્બિપંચાસે’ એવો ઉલ્લેખ છે અને ક્ષપત્ર રાજવીઓ ચાષ્ટન, જયદામા અને રૂદ્રદામાનો ઉલ્લેખ છે. મરનાર ચારે એક પરિવારની જ વ્યક્તિઓ છે જેમાંની ત્રણ ઓપશિત અથવા ઓપષ્ટિ ગૌત્રની છે, જ્યારે એક શાણેક ગૌત્રની છે.
અન્ય એક ક્ષત્રપલેખ માંડવી તાલુકાના વાંઢ ગામથી મળેલ છે. શક સંવત ૧૦પ (ઈ.સ. ૧૮૩)ના આ લેખામાં રાજા મહાક્ષત્રપ સ્વામી રૂદ્રદામનના પુત્ર મહાક્ષત્રપ રૂદ્રસિંહનો ઉલ્લેખ છે. આ લેખ પણ મૃત્યુલેખ છે. કાર્તિક વદ રની તારીખ દર્શાવતો આ લેખ અજમિત્ર નામની વ્યક્તિએ અતિમુખ ગૌત્રની સેવિકા (મહિલા)ની સ્મૃતિમાં સ્થાપેલ છે. આ લેખની છઠી પંક્તિમાં ‘કશ દેશ’ એવો ઉલ્લેખ આવે છે, તો ગિરીનગરના રૂદ્રદામનના શૈલલેખમાં પણ ‘કચ્છ’નો ઉલ્લેખ મળે છે. આમ અભિલેખોના આધારે કચ્છની પૂર્વકાલીનતા પશ્ચિમ ક્ષત્રપોના શાસન સમયથી આરંભાય છે.
રાજા રૂદ્રસિંહનો જ એક વધુ લેખ અંધૌ ખાતેથી મળેલ છે જે શક સંવત ૧૧૪ (ઈ.સ. ૧૯ર)નો છે. આ લેખ પણ લષ્ટિલેખ જ છે, પણ મૃતકનું નામ વાંચી શકાતું નથી.
લખપત તાલુકાના દોલતપર ગામેથી ઈ.સ. ૧૯૬૭માં શોધી કાઢવામાં આવેલ એક અભિલેખને સ્તંભ અભિલેખ કહેવો ઉચિત છે, કારણ કે આ લેખ થાંભલા જેવી ઊંચી શિલા ઉપર કોતરવામાં આવેલ છે. વળી એના લેખમાં પણ છેલ્લી લીટીમાં ‘થંભે ભિકૃતે’ એવું વાંચી શકાય છે. આ લેખની અગત્યતા એટલા માટે છે કે એમાં સર્વપ્રથમ વાર જ આભિર રાજાનો ઉલ્લેખ જોવા મળે છે. આભિર રાજાના ઉલ્લેખવાળો આ ગુજરાતનો સૌપ્રથમ અભિલેખ છે. એમાં આભિર રાજા ઈશ્વરદેવનું નામ વાંચી શકાય છે, જે સૂચવે છે કે ક્ષત્રપકાળમાં આભિરોનું અસ્તિત્વ હતું. રસેશ જમીનદારનું માનવું છે કે પશ્ચિમી ક્ષત્રપોના શાસનકાળમાં આભિરો વહીવટીકાર્યમાં મુખ્યાધિપતિઓ તરીકે સ્થાન ભોગવતા હોવા જોઈએ. દોલતપર ખાતેથી જ એક ક્ષત્રપકાલીન મસ્તક મળી આવેલ છે, જે મ્યુઝિયમના પુરાતત્ત્વ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ મસ્તક વિષ્ણુનું છે કે સૂર્યનું એ સ્પષ્ટ થતું નથી, પણ કચ્છ મ્યુઝિયમમાં એનો ઉલ્લેખ ‘સૂર્યમુખ’ તરીકે કરવામાં આવેલ છે. આ અંગે સંશોધન જરૂરી છે.
અંધૌ ખાતેથી અન્ય એક ક્ષત્રપ શિલાલેખ બીજી સદીનો (૧રર સેન્ટિમીટર ઊંચો તથા ર૦ સેન્ટિમીટર પહોળો) મળી આવેલ છે. આ શિલાલેખનું વાચન થયું હોવાનું જણાતું નથી, કેમ કે એની નોંધ જોવા મળેલ નથી. જોકે મ્યુઝિયમમાં રહેલ લેખ સાથેના લેબલમાં આ લેખમાં ક્ષત્રપવંશની પ્રશસ્તિ હોવાનું જણાયું છે.
રાપર તાલુકાના મેવાસા ખાતેથી મળેલ ત્રીજી સદીના આરંભનો એક લેખ ક્ષત્રપોની વંશાવલી જાણવામાં મદદરૂપ થાય છે. આ લેખ ભર્તુદામાના સમયનો છે (શક સંવત ર૦પ ઈ.સ. ર૮૩). જોકે ભારતના જાણીતા પુરાતત્ત્વવિદ બી. ડિસકર એને શક સંવત ૩૦૦નો માને છે, પરંતુ શક સંવત ર૯પને જ અધિકૃત માનવામાં આવે છે. રાજકોટના વૉટસન મ્યુઝિયમમાં રહેલ એક શિલાલેખની વિગત પણ મેવાસાના લેખને મળતી આવે છે.
ભુજ તાલુકાના ખાવડા ખાતેથી મળેલ ર૦મી સદીનો એક લેખ મ્યુઝિયમના સંગ્રહમાં છે. ૯૪ સેન્ટિમીટરની ઊંચાઈ અને ૭૪ સેન્ટિમીટર પહોળાઈ ધરાવતા આ લેખની જાડાઈ ૩૧ સેન્ટિમીટર છે. આ શિલાલેખનું વાંચન કચ્છ મ્યુઝિયમના ભૂતપૂર્વ ક્યુરેટર જે. એમ. નાણાવટી અને ગુજરાતના જાણીતા પુરાતત્ત્વવિદ હરિપ્રસાદ ગ. શાસ્ત્રીએ કરેલ છે.
આ લેખ ક્ષત્રપ રાજા રૂદ્રદામાના સમયનો છે અને રૂદ્રદામાના જ સમયના જૂનાગઢના લેખ કરતાં વહેલા સમયનો છે એટલે કે શક સંવત પ૦ શ્રાવણ વદ–પના સમયગાળાનો છે. ધનદેવે પોતાના પિતાની યાદમાં આ લષ્ટિલેખ સ્થાપ્યો છે. આ લેખમાં પણ ખાસ કરીને ક્ષત્રપ રાજાની વંશાવળી નોંધાયેલી છે. ત્સામોતિક, ચાષ્ટન, જયદામા, રૂદ્રદામાના – ૧ આ રીતના રાજવીનાં નામો વંચાય છે.
કચ્છમાંથી મળેલા આ શિલાલેખોના આધારે એવું અનુમાન કરી શકાય કે ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોનો વસવાટ કચ્છમાં અને ખાસ કરીને અંધૌમાંથી જ શરૂ થયો હોવાથી ઈ.સ. ૮૯થી ઈ.સ. ર૮૩ અર્થાત્ શક સંવત ૧૧થી ર૦પ સુધી પશ્ચિમી ક્ષત્રપોની સત્તા કચ્છમાં ટકી હોવાથી ગુજરાતના દીર્ઘકાલીન ઇતિહાસમાં જે મહત્ત્વનાં સ્વતંત્ર રાજ્યોની ગણના થાય છે એમાં પશ્ચિમી ક્ષત્રપોનું સૌપ્રથમ હરોળમાં સ્થાન છે. આમ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં કચ્છ પ્રદેશનું પ્રદાન અનેરું છે.
કચ્છમાંથી મળી આવેલા આ શિલાલેખો આપણા ઇતિહાસની ખૂટતી સાંકળો જોડવામાં મદદરૂપ પુરવાર થાય છે. અંધૌની ધરતીમાં હજી પણ ઘણું ધરબાયેલું હશે જેનું ઉત્ખનન હાથ ધરાય એ જરૂરી છે.

kutch gujarat