અબડાસા પંચતીર્થનું કોઠારાના જૈન તીર્થ મંદિરની પ્રતિમા ૧૨૦૦ વર્ષ જૂની છે

01 October, 2019 05:30 PM IST  |  મુંબઈ | ભાવિની લોડાયા

અબડાસા પંચતીર્થનું કોઠારાના જૈન તીર્થ મંદિરની પ્રતિમા ૧૨૦૦ વર્ષ જૂની છે

વાત કચ્છના જૈન તીર્થની

આજે વાત કરીશું કચ્છના અબડાસામાં આવેલા ૧૫૬ વર્ષ જૂના કોઠારના જૈન તીર્થની. એ બનાવવામાં ચાર વર્ષ સુધી ૪૦૦ કારીગરોએ સતત કામગીરી બજાવી હતી અને આ કલાકૃતિથી ભરપૂર મનોહર દેરાસરનું નિર્માણ થયું હતું. અંગ્રેજ શાસનકાળ દરમ્યાન પણ ધર્મનો પરચો અને સાક્ષાતકારને જાળવી રાખવા ભારતવર્ષ હંમેશાં કાર્યશીલ રહ્યું છે અને એના જ ઉદાહરણરૂપે અબડાસા પંચતીર્થ અને કચ્છનાં જિનાલયોમાં કોઠારાનું જૈન જિનાલય એની વિશાળતા અને ભવ્યતા, કલાકારીગરી તથા શિલ્પકામ માટે જગવિખ્યાત છે.
વેપારક્ષેત્રે નામના અને સફળતા મેળવનાર જ્ઞાતિના મુકુટ મણિ સમાન ત્રણ શ્રેષ્ઠીઓ શેઠ વેલજી માલુ, શેઠ શિવજી નેણશી તથા શેઠ કેશવજી નાયકે કોઠારામાં ભવ્ય જિનમંદિર નિર્માણ કર્યું. આ સમગ્ર દેરાસરની રચના સારામાં સારા કુશળ કારીગરો રોકીને સાભરાઈના સલાટ નથુ રાઘવજીએ કરી હતી અને એમાં કોઠારાના રાજવી જાડેજા મોકાજીની મંજૂરી મેળવી હતી. સારામાં સારા કારીગરો રોકીને સંવત ૧૯૧૪-’૧૫માં જિનાલયનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કલાકૃતિઓથી સુશોભિત ગગનચુંબી
જિનાલય બાંધવા પાછળ ત્રણેય શ્રેષ્ઠીવર્યોએ જિનાલયના પાયામાં ૫૧ ગાડા ભરીને નાણું નાખીને જિનાલયની બાંધણીને મજબૂત કરવામાં આવી હતી.
સંવત ૧૯૧૮ મહા સુદ-૧૩ બુધવાર તારીખ ૧૨ ફેબ્રુઆરી ૧૮૬૨ના અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. રત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે આ ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જિનાલયના નિર્માણ પહેલાં જિનાલયની બાજુમાં એક નાનું સુંદર દેરાસર છે, જે ૪૫૦ વર્ષ પહેલાં બંધાયું છે, જેમાં શાંતિનાથજી
પ્રભુ બિરાજમાન છે. આ મૂર્તિ સંપત્તિ રાજા વખતની ૧૨૦૦ વર્ષ જૂની છે. આ જિનાલયને જૂના શાંતિનાથ જિનાલય તરીકે ઓળખવામાં આવે છે.
ગામના મધ્ય ભાગમાં જાણે એક મોટો પહાડ ખડો કર્યો હોય એવી ઊંચાઈ ધરાવતું આ જૈન દેરાસર આખા દેશમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે. પર્વતની શિખરમાળા જેવું દૃશ્ય ખડું કરાવતાં એના ઉપરનાં બાર ઉન્નત શ્વેતશિખરો દૂરથી આવતા યાત્રાળુઓને મંત્રમુગ્ધ બનાવી દે છે. આ વિશાળ જિનાલય ગભારાવાળું બાંધવામાં આવ્યું છે. તો ઉપર ધર્મનાથ પ્રભુજીનો રંગમંડપ અહીંનું મુખ્ય આકર્ષણ છે.
કલાકારીગરીથી ભરપૂર એવા આ દેરાસરનું એક મુખ્ય આકર્ષણ એટલે આબુ દેલવાડાના દેરાણી-જેઠાણીના ગોખલાની આબેહૂબ નકલ મુખ્ય પ્રવેશદ્વારની બન્ને બાજુએ શોભાયમાન કરી દર્શનાર્થીઓનું અભિવાદન કરતી ઇન્દ્રની અપ્સરાઓનું સૌંદર્ય અવર્ણનીય છે. નેમ-રાજુલાના લગ્નમંડપની ચોરીનું નિરૂપણ, મુખ્ય જિનાલયની પ્રદક્ષિણા કરતી વેળાએ યક્ષિકાઓ અને શિલ્પકલા સુશોભનોથી ભરપૂર દીવાલો છે. ૨૦૦ કિલો વજન ધરાવતો ખૂબ મોટો ઘંટ અહીં જોવા મળે છે. આ જિનાલયમાં રહેવા, ઊતરવા, અને જમવાની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે. આ સમગ્ર વિગતો પ્રબોધભાઈ મુનવરે આપી હતી. વિવિધ તીર્થ અને કચ્છી જ્ઞાતિઓની ગાથા વિશે હજી આગળ આપને અમે પીરસતા રહીશું આપના વિચારો અને વિષયો આવકાર્ય છે.

kutch gujarat