શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ શૈક્ષણિક પ્રવાસ માટે પણ છે ઉપયોગી

04 April, 2019 03:43 PM IST  |  | શિલ્પા ભાનુશાલી

શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ શૈક્ષણિક પ્રવાસ માટે પણ છે ઉપયોગી

શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિતીર્થ

શ્યામજી કૃષ્ણ વર્મા એવા કચ્છી જેમણે સ્વતંત્રતાની લડાઈમાં દેશભક્તોમાં એક ક્રાંતિકારી તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. તેમના અસ્થિ કળશ જિનિવામાં દીર્ઘકાળ સુધી સચવાયેલાં હતાં જેને સ્વદેશ પાછા લાવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી હતી. પરંતું આ બધી મુશ્કેલીઓને પાર કરી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ જે સમય પાછા સ્વદેશ લાવવામાં આવ્યા તે સમયે માત્ર કચ્છી કે ગુજરાતીઓમાં જ નહી પણ સમગ્ર દેશમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહ જોતાં એવું લાગતું હતું કે જાણે શ્યામજીની અસ્થિ નહીં પણ તે પોતે જ સ્વદેશ પાછાં ફર્યા હતા.

કચ્છના માંડવીમાં થયો હતો જન્મ

શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ૪ થી ઓક્ટોબર, ૧૮૫૭ ના રોજ માંડવી, કચ્છમાં થયો હતો. તે એક કોટન પ્રેસ કંપનીમાં કામ કરતાં શ્રી કરશન ભાનુશાળીના પુત્ર હતા. તેઓ ૧૮પ૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જન્મેલા આ ક્રાંતિગુરૂના ૧૯૩૦માં દેહાંત પછી જિનિવાથી તેમના અસ્થિકળશ મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશ પરત લાવીને માંડવીમાં સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો.

14 મહિનામાં થયું શ્યામજી કૃષ્ણ વર્માનું મેમોરિયલ ક્રાંતિતીર્થનું નિર્માણ

2009માં આ ક્રાંતિતીર્થના નિર્માણની ચર્ચા થઈ અને માત્ર 14 જ મહિનામાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિતીર્થનું નિર્માણ થયું. આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના ૧૮પ૭થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષની ઐતિહાસિક પ્રમુખ ધટનાઓની તવારિખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે.

શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે ઘણો ઉપયોગી

આ ક્રંતિતીર્થ માત્ર પ્રવાસ તરીકે જ નહીં પણ તમારા બાળકોને શૈક્ષણિક માહિતી પૂરી પાડવા માટે પણ સક્ષમ છે. અહીં જવાના તો અનેક કારણ હોઈ શકે પણ તેમાંના કેટલાક મુખ્ય કારણો વિશે વાત કરીએ તો અહીં જતાં જેમ મંદિરમાં શાંતિનો ભાવ પ્રગટે તેમ અહીં તમને શાંતિનો અનુભવ થશે. તેની સાથે જ પુસ્તકોમાં રસ ધરાવનારાઓ માટે પુસ્તકાલય પણ છે આ પુસ્તકાલયમાં ભલે લાખો પુસ્તકો નથી પણ કચ્છ અને ક્રાંતિવીરો વિશેના પુસ્તકો તમને સરળતાથી મળી રહેશે.

અહીં તમને એવા ક્રાંતિવીરના અસ્થિકળશના દર્શન થશે જેમણે અંગ્રેજોના શાસન દરમિયાન તેમના જ દેશોમાં સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરી. તેની સાથે કેટલીક તસવીરો પણ ત્યાં છે જે તમને આ બાબતો પ્રત્યે વધુ માહિતી આપશે. ત્યાર બાદ અહીં એક થિયેટર રૂમ બનાવેલ છે જેમાં તમને શ્યામજી કૃષ્ણ વર્મા તેમજ અન્ય ક્રાંતિકારીઓ પર બનેલી શોર્ટ ફિલ્મ જે લગભગ 15થી 17 મિનિટની છે તે બતાવવામાં આવે છે જેનો કોઈપણ ચાર્જ નથી. જો તમારે અહીંથી પુસ્તકો ખરીદવાની ઈચ્છા થાય તો તે પણ તમે અહીંથી ખરીદી શકો છો અને કચ્છની કળા કારીગરી દર્શાવતી વસ્તુઓના નમૂના પણ તમને જોવા મળશે. જે તમે ખરીદી પણ શકો છો.

આ પણ વાંચો : કેમ ફરવું જોઈએ માંડવી, ત્યાં શુ છે ખાસ જોવા જેવું?

શ્યામજી કૃષ્ણવર્માએ અંગ્રેજી હુકૂમત પર લંડનમાં જ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે ઇન્ડિયા હાઉસ કાર્યરત કર્યું. તે સમયની તેમની અદ્દભૂત પ્રતિકૃતિ આ ક્રાંતિતીર્થમાં સ્મારકરૂપે મૂકવામાં આવી છે. આ ક્રાંતિતીર્થ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની વિરાસત બનશે. ભારત માતાને વિશ્વગુરૂ બનાવવા “વંદેમાતરમ અને સુજલામ સુફલામ”ના મંત્રને માટે જીવન ખપાવી દેનારા ક્રાંતિવીરોના સપના સાકાર કરવા માટેનું આ પ્રેરણા તીર્થ છે.

kutch