પોતાનો અલગ આઝાદી દિન ધરાવતું ભારતનું એકમાત્ર શહેર જૂનાગઢ

29 March, 2019 06:42 PM IST  | 

પોતાનો અલગ આઝાદી દિન ધરાવતું ભારતનું એકમાત્ર શહેર જૂનાગઢ

 


શૈલેષ નાયક

સાધુસંતોની ભૂમિ અને ગરવો ગિરનાર જ્યાં છે એ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ અને એક સમયનું નવાબી શહેર જૂનાગઢ આજે એનો આઝાદી દિન ઊજવશે. જૂનાગઢ ભારતનું એકમાત્ર શહેર છે જે એનો અલગ આઝાદી દિન ઊજવે છે. ભારત દેશ ૧૫ ઑગસ્ટે આઝાદ થયો, પરંતુ ગુજરાતનું જૂનાગઢ ૯ નવેમ્બરે આઝાદ થયું હોવાથી આખા દેશમાં માત્ર જૂનાગઢ અલગથી આઝાદી દિનની ઉજવણી કરે છે.

દેશ આઝાદ થયો ત્યારે જૂનાગઢના નવાબ મહોબત ખાન ત્રીજાને પાકિસ્તાન સાથે રહેવું હતું, પણ જૂનાગઢની પ્રજાને ભારત સાથે રહેવું હતું. સંવેદનશીલ અને ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં નહીં ભળવાનું જૂનાગઢના નવાબે નક્કી કર્યું પણ આરઝી હકૂમતે મોરચો માંડ્યો તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલે ભાષણ કર્યું ને જૂનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી ગયો.

જૂનાગઢના મેયર જિતુ હીરપરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂનાગઢમાં બાબી વંશજના નવાબનું રાજ હતું. નવાબ મહોબત ખાન ત્રીજાએ પાકિસ્તાનમાં ભળવાનું નક્કી કર્યું હતું, પણ બીજી તરફ જૂનાગઢના રહીશોએ એકઠા થઈને આરઝી હકૂમત સેના તૈયાર કરી. શામળદાસ ગાંધીને નેતા તરીકે અને રતુભાઈ અદાણીને સરસેનાપતિ તરીકે તૈયાર કર્યા હતા અને મોરચો માંડ્યો હતો. જૂનાગઢને આઝાદ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલનો સહકાર લેવામાં આવ્યો. નવાબને પાકિસ્તાનમાં ભળવું હતું તો નાગરિકોને ભારત સાથે રહેવું હોવાથી લોકશાહી દેશમાં પહેલી વાર જૂનાગઢમાં ચૂંટણી યોજાઈ. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવું છે કે ભારતમાં એ માટે વોટિંગ કરાવવામાં આવ્યું જેમાં ૯૯ ટકા જૂનાગઢવાસીઓએ ભારતતરફી વોટિંગ કર્યું અને જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું. આ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢમાં આવીને ભાષણ કર્યું અને નવાબ તેમની બે બેગમને મૂકીને પાકિસ્તાન ભાગી ગયો હતો.’

૯ નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયું હોવાથી આજે સાંજે જૂનાગઢમાં રંગારંગ કાર્યક્રમો તેમ જ આતશબાજી કરવામાં આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢમાં આ કાર્યક્રમમાં હાજર રહેશે અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત જૂનાગઢના તળેટી વિસ્તારમાં લાયન સફારી પાર્કની જાહેરાત કરશે. જૂનાગઢમાં સિંહદર્શન માટેનો આ પાર્ક ૧ ડિસેમ્બરથી ખુલ્લો મુકાશે એમ પણ જિતુ હીરપરાએ કહ્યું હતું.

જૂનાગઢની આઝાદીમાં મુંબઈની મહત્વની ભૂમિકા

જૂનાગઢની આઝાદીના પાયામાં મુંબઈની મહત્વની ભૂમિકા રહી હોવાનું જૂનાગઢના મેયર જિતુ હીરપરાએ જણાવતાં કહ્યું હતું કે ‘જૂનાગઢને પાકિસ્તાનમાં જતું અટકાવવા માટે શામળદાસ ગાંધી સહિતના જૂનાગઢના લોકો મુંબઈમાં એકઠા થયા હતા અને મીટિંગો કરી હતી. અહીં આરઝી હકૂમતની સ્થાપના કરી તેમ જ સરકાર પણ રચી હતી. શામળદાસ ગાંધીને નેતા બનાવી આરઝી હકૂમતે સેના તૈયાર કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલનો સહકાર લેવામાં આવ્યો હતો.’