સ્ક્રીનના ચહેરાઓમાં જીવતી વાર્તાઓની તસવીરોઃ અતુલ કસ્બેકરનું પ્રદર્શન, `ઓનેસ્ટઃ પોટ્રેઇટ્સ ઑફ કેરેક્ટર`

15 June, 2026 08:01 PM IST  |  Mumbai | Chirantana Bhatt

જિઓ વર્લ્ડ પ્લાઝાએ જાણીતા તસવીરકાર અતુલ કસ્બેકરના કેમેરાના કચકડે કંડારેલી તસવીરોનું પ્રદર્શન યોજ્યું છે. પાંચમી જૂને શરૂ થયેલું આ પ્રદર્શન પાંચમી જુલાઈ સુધી જોઈ શકાશે. ક્યાંક વિરામ, તો કોઈ ચહેરો વિસામો તો કોઇ ચહેરામાં તોફાન છે.

સુનીલ ગ્રોવર અને રસિકા દુગ્ગલની તસવીરો - સૌજન્ય પીઆર

ચહેરાઓમાં જેટલી વાર્તા હોય છે એટલી બીજે ક્યાંય નથી હોતી. આંખો આત્મામાં ઝાંખવાની બારી હોય છે પણ, બંધ આંખ હોય ત્યારે ચહેરા પરની એક એક કરચલી, સ્મિત કે પછી હાથની કોઈ મુવમેન્ટ પણ ઘણું કહી જાય તેમ બને. જિઓ વર્લ્ડ પ્લાઝાએ જાણીતા તસવીરકાર અતુલ કસ્બેકરના કેમેરાના કચકડે કંડારેલી તસવીરોનું પ્રદર્શન યોજ્યું છે. પાંચમી જૂને શરૂ થયેલું આ પ્રદર્શન પાંચમી જુલાઈ સુધી જોઈ શકાશે. પ્રદર્શનનું નામ છે, "ઓનેસ્ટઃ પોટ્રેઇટ્સ ઑફ કેરેક્ટર" - પ્રાણિકતાના પ્રતિબિંબ જેવી આ તસવીરોમાં હિન્દી ફિલ્મો અને થિએટરના એવા અભિનેતાઓના ચહેરા છે જેમના વિના કદાચ સ્ક્રીન પર કહેવાયેલી વાર્તાઓ અધૂરી ગણાત.

56 કલાકારોની અભિવ્યક્તિનું વિશ્વ

56 કલાકારોના પોટ્રેઇટ્સ આ પ્રદર્શનમાં છે. અનુપમ ખેર, શારીબ હાશમી, ગજરાજ રાવ, રત્ના પાઠક શાહ, નસીરુદ્દીન શાહ, રાહુલ બોઝ, નાના પાટેકર, રસિકા દુગ્ગલ, કલ્કી કેક્લાં, પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની, મોના સિંઘ, દીપક ડોબરિયાલ, રજિત કપૂર, શીબા ચઢ્ઢા, દર્શન જરીવાલા જેવા ચહેરાઓ આ ફ્રેમ્સમાં તમને જોવા મળશે. તેમના હાવભાવ, તેમની અદાઓ, તેમની મુવમેન્ટ્સ તેમની પ્રતિભાઓ વિશે આ સ્થિર ફ્રેમ્સમાંથી સતત કંઇક બોલતી રહે છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.  ક્યાંક વિરામ, તો કોઈ ચહેરો વિસામો તો કોઇ ચહેરામાં તોફાન છે. અતુલ કસ્બેકરે તેમની 35 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર પોટ્રેઇટ્સનું પ્રદર્શન કર્યું છે.  સ્ક્રીનની બહાર આ પ્રતિભાઓની ઓળખ પ્રદર્શનના મુલાકાતીઓને જોવા મળશે એ ચોક્કસ.  ગ્લેમરની દુનિયામાં પોતાની કળાથી ઓળખ કેળવનારા આ કલાકારોની આ તસવીરો માટે અંગ્રેજી શબ્દો ઈન્ટિમેટ અને ઈન્ટિમિડેટિંગ બંન્ને વાપરવાં પડે. સિનેમા, સ્ટોરી ટેલિંગ, પાત્ર પરિચય, હાવ-ભાવની વિવિધતા જેવું ઘણું બધું આ પ્રદર્શનમાંથી સાંપડી શકે તેમ છે. 

સ્ક્રીનની ઓળખ કેમેરાના કચકડે 


આ તસવીરો 3 વર્ષના ગાળામાં લેવાઇ છે. અતુલ કસ્બેકરે આ કલાકારો સાથે સંવાદ સાધી, એક માહોલ ખડો કર્યો, કડી રચી અને બાદમાં તેમના આ પોટ્રેઇટ્સ લીધાં છે. આ તસવીરો કોઈ પરફોર્મન્સ નથી બલ્કે માનવીય સંવેદનાના પુરાવા છે. આ ફોટગ્રાફ્સમાં કોઈ દંભ નથી, નકરી લાગણીઓ છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રદર્શનમાં જોવા મળતા મોટા ભાગના ચહેરાઓ એવા છે જેમને આપણે વર્ષોથી વિવિધ પાત્રોમાં જોયા છે. ક્યારેક તેઓ વિલન બન્યા છે, ક્યારેક પિતા, ક્યારેક મિત્ર તો ક્યારેક કોઈ એવી વ્યક્તિ જેના સંઘર્ષ સાથે દર્શકોએ પોતાની જાતને જોડી હોય. પરંતુ અહીં તેઓ કોઈ પાત્રમાં નથી. અહીં તેમની પાસે સંવાદ નથી, પાર્શ્વસંગીત નથી, કેમેરાની હિલચાલ નથી કે પછી વાર્તાનો આધાર નથી.

અહીં માત્ર ચહેરો છે અને તેની પાછળનું વ્યક્તિત્વ છે. કદાચ આ જ કારણ છે કે આ તસવીરોને જોતા એક અલગ પ્રકારનો અનુભવ થાય છે. ફિલ્મોમાં આપણે કલાકારોને તેમની ભૂમિકાઓ દ્વારા ઓળખીએ છીએ, જ્યારે અહીં તેમની હાજરી તેમની ઓળખ બની જાય છે. કોઈની આંખોમાં વર્ષોનો અનુભવ દેખાય છે, કોઈના સ્મિતમાં સહજતા દેખાય છે તો કોઈના ચહેરા પર એક અજાણી ગંભીરતા નજરે પડે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફ્રેમ્સ રંગોના વિક્ષેપને દૂર કરીને દર્શકને સીધા વ્યક્તિ સુધી પહોંચાડે છે. પરિણામે ધ્યાન કપડાં, મેકઅપ કે ગ્લેમર પર નહીં, પરંતુ ચહેરા પર લખાયેલી વાર્તાઓ પર કેન્દ્રિત થાય છે.

સારી પોર્ટ્રેઇટ ફોટોગ્રાફી માત્ર વ્યક્તિનો દેખાવ નોંધતી નથી, તે તેના વ્યક્તિત્વની ઝલક પકડવાનો પ્રયાસ કરે છે. આ પ્રદર્શનની સૌથી મોટી સફળતા કદાચ એ જ છે કે અહીં દર્શક માત્ર કલાકારોને જોતો નથી, પરંતુ તેમની અંદર રહેલા માણસને પણ શોધવાનો પ્રયાસ કરે છે. જિઓ વર્લ્ડ પ્લાઝાના લેવલ 1 અને 2 પર આ તસવીરો 5 જુલાઈ સુધી જોઈ શકાશે. ભારતીય સિનેમાને નવા આકાર આપનારા અગત્યના ચહેરાઓને અભિવ્યક્તિના આ બ્લેક એન્ડ વ્હાઇટ આયામોમાં જોવાનું ચૂકવું ન જોઇએ. 

culture news atul kasbekar atul kulkarni darshan jariwala boman irani jio nita ambani