midday

જો જીવનમાં એકલાં હો તો કોઈનો સાથ શોધવો, પણ જાતને જોખમમાં ન મૂકવી

03 September, 2024 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ત્રીઓના શિકારથી લલચાયેલા લોફર માણસો કેટલીક વાર સારી અને ખાનદાન સ્ત્રી પર પણ ડોળો નાખતા હોય છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં સ્ત્રી માટે બે મોટાં ભયસ્થાનો છે; એક, ગુંડાગીરી કરનારાં અનિષ્ટ તત્ત્વોથી સ્ત્રીઓને રક્ષણ આપવાનું છે તો બીજું ભયસ્થાન, સ્વયં સાસરા પક્ષથી સ્ત્રીઓને રક્ષણ આપવાનું છે. 
યુવાન અને રૂપાળી સ્ત્રી પર અનિષ્ટ તત્ત્વોની કુદૃષ્ટિ પડ્યા જ કરતી હોય છે. વરુ જેમ શિકાર શોધે એમ આવાં તત્ત્વો પણ જોબન-શિકાર શોધતાં ફરતાં હોય છે. રક્ષણ વિનાની સ્ત્રીઓને તેઓ પ્રથમ ઝપટમાં લેતાં હોય છે અને કેટલીયે સ્ત્રીઓનાં શિયળ અને જીવન નષ્ટ કરી નાખે છે. ડાહી સ્ત્રી હંમેશાં કોઈ ને કોઈ વિશ્વાસુ પુરુષના રક્ષણમાં રહેલી હોય છે, જેથી તેને આંચ આવતી નથી, પણ નાદાન અને ચંચળ સ્ત્રી સારી-ખોટી જગ્યાએ, સારા-ખોટા માણસો વચ્ચે એકલી રખડતી ફરતી રહે છે, જેનો સીધો ગેરલાભ શિકારી લઈ લે અને પછી એ ભૂલનો પસ્તાવો જિંદગીઆખી સ્ત્રીને રહે છે. નાદાન અને ચંચળ હોવું ખરાબ નથી, પણ પારકા સામે એવાં રહેવું ખોટું છે. આજકાલ છોકરીઓ સોલો ટ્રિપના નામે એકલી ફરવાના મોહમાં પડી છે, પણ એ મોહ ખોટો છે. જો જીવનમાં એકલાં હો તો કોઈનો સાથ શોધવો, પણ જાતને જોખમમાં ન મૂકવી.

સ્ત્રીઓના શિકારથી લલચાયેલા લોફર માણસો કેટલીક વાર સારી અને ખાનદાન સ્ત્રી પર પણ ડોળો નાખતા હોય છે. આવી સ્ત્રીનું રક્ષણ કાં તો તેનો બળવાન પતિ કરે કે પછી એનો વીર ભાઈ કરે. જો આ બન્ને ન હોય અને કદાચ હોય અને બળવાન ન હોય તો રાજા રક્ષા કરે. રાજા પણ નમાલો હોય તો આવી સ્ત્રીઓ સુરક્ષિત રહી શકતી નથી. રામરાજ્યનો પ્રથમ સૂચિતાર્થ છે સ્ત્રી-રક્ષા. જ્યાં સ્ત્રી સુરક્ષિત નથી હોતી ત્યાં અરાજકતા ફેલાયેલી હોય છે અને જ્યાં અરાજકતા હોય ત્યાં ક્યારેય રામરાજ્ય હોય નહીં, પણ જ્યારે વાંક નીકળવાનો શરૂ થાય ત્યારે રાજાનો નહીં, પહેલાં વાંક પરિવાર તરફથી જોવામાં આવે. પરિવાર તરફથી જોવામાં આવેલા વાંકમાં પણ પતિની ગેરહાજરી હોય ત્યારે ભાઈનો વાંક પહેલાં નીકળે. માટે જ પુરુષે વીરતાના ગુણ મેળવવા જોઈએ. પુરુષમાં વીરતાના ગુણ હોવા અનિવાર્ય છે. કારણ કે પુરુષના પક્ષે સ્ત્રી-રક્ષણની જવાબદારી અચૂક આવતી હોય છે; માની રક્ષા, બહેનની રક્ષા કે પત્નીની રક્ષા. ભવિષ્ય આગળ વધે તો દીકરીની રક્ષા અને એ ઉપરાંત પણ સમાજમાં રહેલી અને સંબંધોથી જોડાયેલી સ્ત્રીઓની રક્ષાની પણ જવાબદારી તેની હોય છે. આ બધા કારણસર ભાઈની વીરતા હોવી અનિવાર્ય છે, જો આ અનિવાર્યતા ભાઈ ચૂકે તો તેની પારાવાર નાલેશી થાય છે અને સાથોસાથ તેની પીડા પણ અનહદ હોય છે. જે ભાઈ બહેનના પડખે નથી ઊભો રહેતો તે ભાઈને સંસારમાં પણ સ્થાન નથી એવું ચાણક્યએ કહ્યું છે.

culture news life and style