✕

શરીરની સાથે-સાથે આત્માની સારવાર પણ જરૂરી

28 September, 2026 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરીર અને મન વચ્ચેનો સંબંધ સમજાવતો આ લેખ કહે છે કે મનમાં ચાલતા નકારાત્મક વિચારોનો સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે. હકારાત્મક વિચારસરણી, આત્મબળ અને પરમાત્માની શક્તિથી જીવનને વધુ સ્વસ્થ અને સંતુલિત બનાવવાનો સંદેશ અપાયો છે.

પ્રતીકાત્મક તસવીર

આપણે સૌ વિવિધ પ્રકારના શારીરિક રોગોના ઉપચાર માટે ડૉક્ટર, વૈદ તેમ જ સર્જ્યન વગેરેની પાસે જઈને તેમની પાસેથી દવા વગેરે લઈને તેમ જ પરેજી પાળીને સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરીએ છીએ; પરંતુ એમ છતાં આપણને રોગોથી મુક્તિ પ્રાપ્ત નથી થતી અને જો પ્રાપ્ત થઈ પણ જાય છે તો એ ફક્ત ટૂંકા ગાળા માટે જ. આનું કારણ શું? જરાક વિચાર કરો. જો તમારી બગડેલી ગાડી ગૅરેજમાં રિપેર કરાવ્યા પછી ઠીક થઈ પણ જાય, પરંતુ એને ચલાવનાર ડ્રાઇવર જો અસ્વસ્થ અથવા બીમાર હોય તો તે કઈ રીતે ગાડી ચલાવશે? 
મૂળ વાત એ છે કે આપણા ભૌતિક શરીરને ચલાવનાર ચૈતન્ય શક્તિ જેને આપણે આત્મા કહીએ છીએ એ આત્મા જ જો રોગી થઈ જાય તો પછી એનો ઉપચાર કરવાવાળી વ્યક્તિ કોણ? નિઃશંકપણે અતિ સૂક્ષ્મ જ્યોતિબિંદુ સ્વરૂપ આત્માનું ઑપરેશન કરીને એને નીરોગી બનાવવાની યોગ્યતા માત્ર એક પરમાત્માની અંદર જ છે, જેમને સુપ્રીમ ડૉક્ટર પણ કહેવાય છે અને એટલે જ જ્યારે સંસારના ડૉક્ટરો પોતાનો ઉપચાર પૂરો કરી દે છે ત્યાર બાદ અંતમાં તેઓ પણ આ જ શબ્દો કહે છે કે ‘હવે બધું ઉપરવાળાના હાથમાં છે.’ 
વિશ્વભરના લોકો હવે ડૉક્ટરોની દવા કરીને, ઑપરેશન કરાવતાં-કરાવતાં સંપૂર્ણપણે હતાશ અને નિરાશ થઈ ગયા છે કારણ કે તેમને કોઈ પણ પ્રકારનો લાભ નથી થઈ રહ્યો. શું કામ? કારણ કે તેઓ એ વાત વિશે અજાણ છે કે વાસ્તવમાં બધા પ્રકારના રોગોનું કારણ અસ્વસ્થ મન છે. જો મન તંદુરસ્ત થઈ જાય તો બધા જ રોગો મટી શકે છે. મહાત્મા ગાંધીએ પણ આ જ વાત શીખવી હતી કે ખુશ રહેવા માટે પોતાની વિચારસરણી બદલો. જો આપણે વ્યર્થ સંકલ્પોનો ત્યાગ કરીને હકારાત્મક વિચારવાનું શરૂ કરીશું તો આપણું મન સ્વસ્થ થઈ જશે અને એનો સારો પ્રભાવ જ્યારે આપણા તન પર પડશે તો આપણું તન પણ સ્વસ્થ થઈ જશે. છેને સાવ સરળ? 
આપણે સૌ એ સારી રીતે જાણીએ છીએ કે સાઇકલનાં પૅડલ અને એને ચલાવનારના પગનો તેમ જ હૅન્ડલ અને હાથનો નજીકનો સંબંધ હોય છે. જો પગ બરાબર છે પણ પૅડલ તૂટેલું હોય તો સાઇકલ ચાલી ન શકે. એટલે ચલાવનારનું કર્તવ્ય છે કે તે પોતાનું પૅડલ રિપેર કરાવે. એવી જ રીતે આપણું જીવન પણ સાઇકલ (ચક્ર)ના જેવું જ છે જેને આપણે જીવનચક્ર અથવા કાલચક્ર કહીએ છીએ. આ જીવનચક્રને સરળ રીતે ચલાવવા માટે શરીર અને આત્મા એ બન્નેનું ઠીક હોવું ફરજિયાત છે. તો આવો, આજથી સર્વશક્તિમાન પરમાત્માની શક્તિનાં કિરણોને પોતાની અંદર ધારણ કરીને પોતાના આત્માને શક્તિશાળી બનાવીએ અને એના દ્વારા પ્રાપ્ત ગુણોથી પોતાના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવીએ.

lifestyle news life and style culture news mental health healthy living