ગુજરાત ટ્રાવેલ : નથી જોયું સેલવાસ? તો આ વેકેશનમાં કરો પ્લાનિંગ

29 March, 2019 06:29 PM IST  |  | દર્શિની વશી

ગુજરાત ટ્રાવેલ : નથી જોયું સેલવાસ? તો આ વેકેશનમાં કરો પ્લાનિંગ

દૂધની

ટ્રાવેલ-ગાઇડ

હેક્ટિક લાઇફ અને અત્યારે દેશમાં ચાલી રહેલા ટેન્શનના વાતાવરણની વચ્ચે થોડા રિલૅક્સ થવા માગો છો તો પોટલાં બાંધીને દેશના દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી પહોંચી જાવ. દક્ષિણ ગુજરાતમાં આવેલું આ સ્થળ મુંબઈની નજીક તો છે જ, ઉપરાંત અહીં ઘણી શાંતિ પણ છે, જેથી વીકેન્ડમાં પણ અહીંનો પ્લાન કરી શકાય એમ છે. આજે મુંબઈની પડોશમાં આવેલા આ ડેસ્ટિનેશન વિશે થોડું વધુ જાણીએ.

આ પ્રદેશ ૧૯૫૪ સુધી પોર્ટુગીઝ શાસન હેઠળ હતો. દમણ અને ગોવાની જેમ અહીં પણ કેટલાંક બાંધકામ પોર્ટુગીઝ સામ્રાજ્યની યાદી અપાવી જાય છે. આ મુંબઈ નજીકના પ્રખ્યાત ડેસ્ટિનેશન દમણથી માત્ર ૧૨-૧૩ કિલોમીટરની દૂરી પર જ છે. પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મેળવ્યા બાદ આ જગ્યાને ૧૯૬૧ની સાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં એનું પાટનગર સેલવાસ છે. અત્યારે અહીં ધોડિયા અને કુકણાં જાતિના લોકોની વસ્તી વધુ છે. મહારાષ્ટ્રની બોર્ડરની નજીક આવ્યું હોવાથી અહીં મરાઠી ભાષાનો ટચ જોવા મળે જેને લીધે અહીં વધુ બોલતી ભાષામાં મરાઠીનો પણ સમાવેશ થાય છે. એ પછી ગુજરાતી અહીં સૌથી વધુ બોલતી ભાષા છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ સ્થળો વિશે વધુ ને વધુ લોકો માહિતગાર થતા ગયા એમ અહીં આવનારા ટુરિસ્ટોનો ધસારો પણ વધતો ગયો હતો. અહીં નજીક આવેલું દમણ ભારે લોકપ્રિયતા ધરાવે છે, પરતું એની થોડે નજીક આવેલું દાદરા અને નગરહવેલી એટલું પ્રસિદ્ધ નથી. જોકે નજીકના ભવિષ્યમાં શૉર્ટ ડિસ્ટન્સ ટુરિસ્ટ પ્લેસ માટે દાદરા અને નગરહવેલી અદ્ભુત લોકપ્રિયતા મેળવે તો નવાઈ પામવા જેવું નથી. અહીં ફરવા જેવાં સ્થળોમાં ખાનવેલ, સેલવાસ, દૂધની ડૅમ, દમણગંગા નદી, મધુબન ડૅમ અને વાણગંગા ઝીલ બાગનો સમાવેશ થાય છે, જે ટૂંકમાં તમને રોમાંચ, શાંતિ અને તાજગીનો અનુભવ કરાવશે.

સેલવાસ

દાદરા અને નગરહવેલીની રાજધાની સેલવાસ છે. વન્ય જીવોનો વસવાટ હોવાથી પ્રકૃતિપ્રેમીઓને મજા પડી જાય એવી આ મસ્તમજાની જગ્યા છે. મેટ્રો શહેરની ભાગદોડથી દૂર અને મુંબઈથી બહુ દૂર નહીં એવા સેલવાસમાં મુંબઈમાં ઉપલબ્ધ થતી તમામ સવલતો તો મળી રહે છે, સાથે અહીં આવેલાં સ્થળોમાં ટુરિસ્ટો રિલૅક્સ પણ થઈ જાય છે. સેલવાસ એક પિકનિક સ્પોટથી માંડીને નૅચર પૉઇન્ટ, વૉટરરાઇડ સુધીની તમામ સવલત પૂરી પાડે છે. ભૂતકાળની વાત કરીએ તો સેલવાસે ઘણા સંઘર્ષ કર્યા છે. ૧૮મી સદી સુધી અહીંયાં મરાઠા સામ્રાજ્ય હતું. એ પછી પોર્ટુગલ આવ્યા અને છેવટે ૧૯૬૧ની સાલમાં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. ભૌગોલિક ક્ષેત્રની દ્રષ્ટીએ અહીંનો ૪૦ ટકાથી વધુ વિસ્તાર જંગલથી આચ્છાદિત છે. આટલું મોટું જંગલ હોવાથી અહીં દરેક પ્રકારનાં પ્રાણી અને જાનવરો જોવા મળશે. અહીંના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં પતંગ ઉત્સવ, તરાપા ઉત્સવ, વિશ્વ પર્યટન દિવસ વગેરેનો સમાવેશ થાય છે. જો અહીંની ગ્રામીણ સંસ્કૃતિ વિશે માહિતી જાણવી હોય તો અહીં અનેક ગામો છે. અહીં રહેતા આદિવાસીઓનાં ભોજન, રહેણીકરણી અને રિવાજો ઘણાં અલગ છે, જે તમને સેંકડો વર્ષ પૂર્વેના સમયમાં લઈ જશે. સેલવાસ વાર્લી સંસ્કૃતિનું ઘર પણ ગણાય છે. વાર્લી ભાષા મરાઠી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ છે, જેને સ્થાનિક શૈલીમાં બોલવામાં આવે છે. અહીં વર્ષો સુધી પોર્ટુગીઝ શાસન રહ્યું હતું, જેની સંસ્કૃતિ આજે પણ અહીં છે. અહીં એક સુંદર ગાર્ડન પણ છે, જેનું નામ લૅન્ડ ઑફ ઍલ સીઝન્સ દાદરા પાર્ક છે, જે વાણગંગા તરીકે ઓળખાય છે. સેલવાસથી પાંચ કિલોમીટરના અંતરે વાણગંગા લેક ગાર્ડન આવેલું છે, જે નૅચર લવર માટે બેસ્ટ સ્થળ છે. સાત હેક્ટર જેટલા વિસ્તારમાં પથરાયેલા ગાર્ડનની અંદર આવેલો લેક તેની શોભામાં વધારો કરે છે. કદમાં મોટો એવો આ પાર્ક એક દ્વીપ જેવો છે, જે જપાની શૈલીના પુલની સાથે જોડાયેલો છે. ગાર્ડનની અંદરનો નજારો ખૂબ જ મનમોહક છે, જેથી બૉલીવુડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. આવો જ બીજો એક ગાર્ડન છે હિરવાવન ગાર્ડન, જે અહીંના આદિવાસીની દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. પોર્ટુગલના સમયનું એક ચર્ચ પણ છે, જે પોર્ટુગીઝ શૈલીમાં બાંધવામાં આવેલું છે. અહીં જંગલો મોટા પ્રમાણમાં છે, જેથી વન્ય જીવસૃષ્ટિ પણ સારી એવી વિશાળ છે. અહીં એક અભયારણ આવેલું છે, જેનું નામ સતમલિયા છે, જેની અંદર ચિત્તા, સાંભર અને નીલગાય પણ જોવા મળે છે. જો તમે લકી હશો તો એશિયાટિક લાયન પણ જોવા મળી શકે છે. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં વાહન ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં બેસીને અભયારણની મજા માણી શકાય છે. એવું કહેવાય છે કે ટુરિસ્ટોને આકર્ષવા અને પ્રાણીઓની વસ્તી વધારવા માટે જૂનાગઢથી અહીં એશિયાટિક લાયન લાવવામાં આવ્યા છે. આ સિવાય અહીં વસોના લાયન સફારી કરવાનો પણ ચાન્સ મળી રહેશે. આ પાર્ક સેલવાસથી નવ કિલોમીટરના અંતરે આવેલો છે. સેફટીને ધ્યાનમાં રાખીને અહીં ઊંચી દીવાલો પણ બાંધવામાં આવેલી છે, જેથી કરીને પ્રાણીઓ મનુષ્ય પણ હુમલો કરી શકે નહીં. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિશેષ પ્રકારે બનાવેલી બસ થકી ટુરિસ્ટોને અંદર લઈ જવામાં આવે છે. બાર જ્યોતિર્લિંગ માંનું એક જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર અહીંથી ૯૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. જો વધુ સમય હોય તો અહીં જઈ શકાય છે.

ખાનવેલ

સેલવાસથી ૨૦થી ૨૫ કિલોમીટરના અંતરે ખાનવેલ આવેલું છે. મુંબઈ અને ગુજરાતથી ઘણા લોકો વીકેન્ડમાં અહીં ફરવા આવતા હોય છે. સેલવાસથી ખાનવેલ સુધી જતાં રસ્તામાં બન્ને તરફ લાંબા લાંબા વૃક્ષો કતારબદ્ધ જોવા મળે છે. મુંબઈની ગીચતા અને પ્રદૂષણથી થોડે દૂર આ જગ્યાએ ઘણી શાંતિ અને આંખને ગમે તેવી હરિયાળી થાક ઉતારી દે તેવી છે. અહીંનો આસપાસનો નજારો નૅચર લવરને ગમે એવો છે. રહેવા માટે અહીં ઘણાં સારાં રિસોર્ટ્સ અને કૉટેજીસ પણ છે. આમ તો ખાનવેલ એક આદિવાસી વિસ્તાર છે, પરંતુ તેઓ ટુરિસ્ટોને કોઈ રીતે નડતા નથી. અહીંના લોકો ધોડિયા અને કુકણાં બોલી બોલે છે, જે ગુજરાતી ભાષા કરતાં થોડી જુદી છે. ખાનવેલ માં જ એક ડિયર પાર્ક પણ આવેલો છે, જ્યાં ઘણાં સુંદર હરણો છે. અહીં સુધી પહોંચવા માટે બસ પણ છે, જેથી કરીને સેલવાસથી અહીં સુધી બસમાં પણ આવી શકાય છે.

દૂધની લેક

સેલવાસથી ૨૦ કિલોમીટરના અંતરે દૂધની આવેલું છે. કાશ્મીરમાં દાલ લેકમાં નૌકાવિહાર કરવાની મજા હજી સુધી માણી નહીં હોય તો અહીં આવીને એ ઇચ્છા પૂરી કરી લેજો. હા, કાશ્મીરના દાલ લેકની જેમ અહીં શિકારા તો મળી રહેશે. કેટલાક એને કાશ્મીર ઑફ ધ વેસ્ટ તરીકે પણ સંબોધે છે. અહીં નૌકાવિહાર કરવાની ચોક્કસ મજા પડશે. અહીં ઉનાળા દરમ્યાન ભારે ભીડ રહેતી હોય છે. નૌકાવિહારનો આનંદ માણવા ટુરિસ્ટો અને સ્થાનિક લોકો અહીં આવતા હોય છે. અહીં ૧૭૦ જેટલી બોટ છે, જેને શિકારા કહેવામાં આવે છે, જેમાં બેસીને આનંદ માણી શકાય છે. દાદરા અને નગરહવેલીમાં જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અને મુંબઈમાં પણ દૂધનીની પ્રખ્યાતિ ઘણી છે એટલે જ અહીં રોજ હજારો પ્રવાસીઓ આવે છે. હમણાં અહીં વૉટર સ્પોટ્ર્સ પણ શરૂ કરવામાં આવી છે, જેથી વૉટર ઍડવેન્ચરપ્રિય લોકો અહીં ખેંચાઈ આવે. લેકની બાજુમાં કૅમ્પિગ કરવાની પણ સવલત છે, જે અહીંની સફરને રોમાંચિત બનાવી દે છે. દૂધની જતાં રસ્તામાં એક પ્રાચીન શિવમંદિર પણ આવે છે, જે તમારે તમારા લિસ્ટમાં ઍડ કરવું હોય તો કરી શકો છો.

મધુબન ડૅમ

મધુબન ડૅમને અહીંનું સ્ટાર અટ્રૅક્શન કહી શકાય. દમણગંગા નદી પર બનાવવામાં આવેલા આ ડૅમમાં વૉટર સ્પોટર્સની સવલત પણ શરૂ કરાયેલી છે, જેમાં સ્પીડ બોટ, પૅસેન્જર બોટ, વૉટર સ્કૂટર, એકવા બાઇક વગેરેનો સમાવેશ થાય છે. ટુરિસ્ટોના માટે અહીં લક્ઝ્યુરિઝ ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેની બાજુમાં કાઉચા કરીને સ્થળ આવેલું છે, જે નૅચર લવરના માટે પર્ફેક્ટ ગેટ વે છે. છૂટાંછવાયાં જંગલો અને આકર્ષક વૅલીનો નજારો મન મોહી લે છે. ટેકનોલૉજીના પગપેસારા વિના ખરા અર્થમાં પીસફુલ ટુરીઝમ માણવાની અહીં ખૂબ મજા આવે છે, જેને ટ્રેકિંગ કરવાનું ગમે તેને અહીં મજા પડશે. રાત્રિના સમયે આકાશમાં ઝગમગતા તારાની નીચે ખુલ્લામાં સૂવાનો આંનદ શબ્દોમાં છતો થઈ શકતો નથી.

દાદરા અને નગરહવેલીથી વાપી નજીક પડે એટલા માટે તેના વિશે ટૂંકમાં જાણકારી મેળવી લઈએ. મુંબઈથી માત્ર ૨થી ૩ કલાકના અંતરે આવેલું વાપી આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રી ધરાવે છે. જી.આઇ.ડી.સી. અહીંની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે, જેથી અહીં વધી રહેલું પ્રદૂષણ પણ લોકો માટે ચર્ચાનો વિષય બન્યું છે. વાપી દમણગંગા નદીના કિનારે વસેલું છે. વાપીથી અનેક મુખ્ય અને પર્યટનનાં સ્થળોએ જઈ શકાય છે. સેલવાસ, દાદરા અને નગરહવેલી ઉપરાંત દમણ, ઉદવાડા વગેરે સ્થળોએ જઈ શકાય છે.

ટ્રાઇબલ કલ્ચરલ મ્યુઝિયમ

સેલવાસમાં આવ્યા હોય તો અહીં આવેલા ટ્રાઇબ્લ કલ્ચરલ મ્યુઝિયમની મુલાકાત લેવા જેવી છે. કંઈક નવું જોવામાં રસ ધરાવતા હોવ તો અહીં એક વખત લટાર મારવા જેવી છે. માસ્ક, મ્યુઝિક સાધનો, ફિશિંગ ગેજેટ્સ વગેરે અહીં જોવા મળશે. આ સિવાય વિવિધ પપેટ, ડૅલ પણ અહીં મૂકવામાં આવેલી છે, જે અહીંના આદિવાસીઓની જીવનશૈલીને વર્ણવે છે. માટીમાંથી બનાવેલાં પૂતળાં અહીંનું આકર્ષણ વધારે છે. મ્યુઝિયમની દીવાલોને પણ આદિવાસીઓની ઢબે તૈયાર કરવામાં આવેલી છે, જેની ઉપર અહીંના લોકો દ્વારા કરવામાં આવતી તહેવારોની ઉજવણી અને રિવાજોના લીધેલા અનેક ફોટા મૂકવામાં આવેલા છે. જો સમય હોય તો અહીં એક વાર આંટો મારી લેવો.

ક્યારે અને કેવી રીતે જવું?

દાદરા અને નગરહવેલીમાં ફરવા માટે બારે મહિના અનુકૂળ વાતાવરણ રહે છે. મુંબઈની નજીક હોવાથી અહીંનું વાતાવરણ પણ લગભગ મુંબઈ સમાન જ હોય છે, તો પણ નવેમ્બરથી માર્ચ સુધીનો સમયગાળો ફરવા માટે બેસ્ટ કહી શકો છો. અહીં ફરવા માટે બે દિવસનો સમય પૂરતો છે. અહીં ટ્રેન અને રોડ એમ બન્ને મારફતે આવી શકાય છે. રેલવે થકી આવવું હોય તો વાપી અને ભિલાડ સ્ટેશન સૌથી નજીક પડે છે. મુંબઈથી નીકળતી અને ગુજરાત ભણી જતી મોટા ભાગની ટ્રેનો વાપી પર ઊભી રહે છે, જ્યાંથી બસ, શૅરે ટૅકસી, રિક્ષા થકી અહીં સુધી પહોંચી શકાય છે. આ પ્રદેશ મુંબઈથી માત્ર અઢીથી ત્રણ કલાકના અંતરે હોવાથી બાય રોડ પણ સરળતાથી અહીં સુધી પહોંચી શકાય છે. મુંબઈથી નૅશનલ હાઈવે ૮ વાપી સુધી લઈ જાય છે.

આ પણ જાણી લો

- અહીં નાનાં-મોટાં ૭૨ ગામ આવેલાં છે, જેમાંનાં મોટા ભાગનાં ગામમાં આદિવાસી લોકો રહે છે.

- એક સમયે આ પ્રદેશમાં ૮૦ ટકા જેટલી વસ્તી આદિવાસી લોકોની હતી, આજે આ વસ્તી ઘટીને ૬૦ ટકા જેટલી થઈ ગઈ છે.

- અહીં ૪૦ ટકાથી વધુ વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે.

- વાર્લી પેઇન્ટિંગનું નામ મહારાષ્ટ્રની સાથે જોડાયેલું છે તેમ છતાં એનાં મૂળિયાં ગુજરાતની સાથે પણ જોડાયેલાં છે. દાદરા અને નગરહવેલી વાર્લી પેઇન્ટિંગનું ઘર ગણાય છે.

- ભૂતકાળમાં અહીં પોર્ટુગીઝ લોકો વસતા હોવાથી અહીં રોમન કૅથેલીક ખિસ્તીઓની સંખ્યા ઘણી છે.

- મુગલો અને બ્રિટિશરોથી પ્રદેશનું રક્ષણ થઈ શકે તે માટે અહીં રાજ કરતા મરાઠાઓએ પોર્ટુગીઝોની સાથે સંધિ કરી હતી, પરંતુ પોર્ટુગલ લોકોએ આંગળી આપતાં હાથ પકડી લીધો અને પછી ઇતિહાસ સાક્ષી છે.

- એક આંકડા પ્રમાણે અહીં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. ૧૦૦૦ પુરુષોની સામે ૭૭૪ મહિલાઓ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : કેમ ફરવું જોઈએ માંડવી, ત્યાં શુ છે ખાસ જોવા જેવું?

શું ખરીદશો?

દાદરા અને નગરહવેલી એની હૅન્ડિક્રાફ્ટ આઇટમ, લેધરની સ્લિપર, બામ્બુની મેટ, બાસ્કેટ વગેરે માટે જાણીતું છે, જે અહીં રસ્તા પર વેચતા ફેરિયા અથવા દુકાનમાંથી પણ મળી રહે છે. આ સિવાય શિયાળા દરમ્યાન ઊંધિયાનું અસલી સ્વરૂપ ગણાતા ઊંબાડિયું લઈને રસ્તા પર ઢગલાબંધ સ્ટૉલ ઊભા હોય છે. ઓરિજિનલ ઢબથી બનેલું આ ઊંબાડિયું ટ્રાય કરવા જેવું છે.

travel news gujarat mumbai Places to visit in gujarat