કચ્છમાં જે જોયું એનાથી ગાંધીજીને આઘાત લાગ્યો

29 September, 2020 04:16 PM IST  |  Mumbai | Mavji Maheshwari

કચ્છમાં જે જોયું એનાથી ગાંધીજીને આઘાત લાગ્યો

ગાંધીધામના આદિપુરમાંની ગાંધીસમાધિ

બે દિવસ પછી મહાત્મા ગાંધીની જન્મજયંતી આવી રહી છે ત્યારે કચ્છની આજની પેઢીમાંથી બહુ ઓછા યુવાનોને ખબર હશે કે ગાંધીજી ૧૯૨૫માં કચ્છ આવ્યા હતા અને પૂરાં બે અઠવાડિયાં રોકાયાં હતાં. ગાંધીજીની એ યાત્રા તેમના માટે આઘાતજનક અને વ્યથિત કરી દેનારી હતી. તેમણે કચ્છમાં જે જોયું, અનુભવ્યું એનાથી તેમને બહુ જ દુ:ખ પહોંચ્યું હતું. લોકો વચ્ચેની ઊંચ-નીચની ખાઈને કારણે તેમની સાથે જે બન્યું એ અશોભનીય હતું. માંડવીની સભામાં અંત્યજોને માર મારવાની ઘટનામાં ગાંધીજી સ્વયં માંડ બચ્યા હતા. કચ્છમાં ફેલાયેલી આભડછેટ અને ભારતની આઝાદીની લોકલડતમાં ફાળો ન આપવાની બાબતે ગાંધીજીને મોટો આઘાત પહોંચ્યો હતો.

આખાય જગતને પોતાના વ્યક્તિત્વથી આંદોલિત કરનારા મહાત્મા ગાંધીની સમાધિ માત્ર બે જ જગ્યાએ છે દિલ્હીમાં રાજઘાટ ખાતે અને કચ્છના આદિપુરમાં, પરંતુ એ જ મહાત્મા ગાંધી ૧૯૨૫ના ઑક્ટોબર મહિનામાં બે અઠવાડિયાં માટે કચ્છમાં આવ્યા ત્યારે તેમનો છુપો જ નહીં, જાહેર વિરોધ કરાયો હતો. ગાંધીજીની એ યાત્રા દરમિયાન તેમની સાથે જે વ્યવહાર કરાયો અને જે ઘટનાઓ ઘટી એ કચ્છની તત્કાલિન રુગ્ણ માનસિકતા છતી કરે છે. ભારતના મહામાનવને કચ્છ તેમની હયાતિમાં ન ઓળખી શક્યું એ કચ્છના કમભાગ્ય છે. ગાંધીજીની યાત્રા સમયે કચ્છ માનસિક જ નહીં, વ્યવસ્થાની દષ્ટિએ પણ પછાત હતું. કચ્છમાં મુખ્ય શહેરોને જોડતી સડકો સિવાયના રસ્તા કાચા અને ધૂળિયા હતા. આ યાત્રા ગાંધીજી માટે શારીરિક જ નહીં, ભાવનાત્મક રીતે પણ દુ:ખદાયક રહી હતી.
જે સમયે ગાંધીજી દેશભરમાં સત્યાગ્રહ, અસ્પૃશ્યોના ઉધ્ધાર અને કૉન્ગ્રેસની સભાઓ કરતા હતા એ વખતે મુંબઈસ્થિત કચ્છીઓ અવારનવાર ગાંધીજીને કચ્છ આવવાનું આમંત્રણ આપ્યા કરતા હતા. અહીં વિચિત્ર સ્થિતિ એ પણ હતી કે કચ્છ એ વખતે અંગ્રેજી સત્તા હેઠળનું દેશી રજવાડું હતું. ગાંધીજીની લડાઈ અંગ્રેજો સામે હતી એટલે કચ્છની રાજસત્તા ખુલ્લી રીતે ગાંધીજીને આવકારવા રાજી ન હતી. એક તરફ રાજનો વિરોધ અને બીજી તરફ ગાંધીજીનું અસ્પૃશ્યતા વિરોધી અભિયાન જે કચ્છના ઉચ્ચ વર્ણને મંજૂર ન હતું. આવી સ્થિતિ વચ્ચે ગાંધીજી ૨૧ ઑક્ટોબરે મુંબઈથી રુપવતી સ્ટીમરમાં કચ્છ આવવા નીકળ્યા. આ યાત્રામાં સરદાર પટેલ, મહાદેવ દેસાઈ, કૃષ્ણદાસજી, પુરુષોત્તમ આશર, વાલાબેન આશર, આનંદીનીબેન આશર, સરદાર વલ્લભભાઈ પટેલના પુત્ર ડાયાલાલ ગાંધીજી સાથે મુંબઈથી જોડાયા હતા. સ્થાનિકેથી કચ્છના દોલતરામ જટાશંકર ધોળકિયા, કાન્તિપ્રસાદ અંતાણી, પ્રભુલાલ ધોળકિયા, દોલતરામ અંતાણી, મુંબઈનાં વર્તમાનપત્રોના પ્રતિનિધિ જીવરાજ ગોકુલદાસ નેણસી સાથે હતા. બે અઠવાડિયાંની યાત્રાની ડાયરી મહાદેવ દેસાઈએ લખી છે. આશ્ચર્યની બીના તો એ છે કે ગાંધીની આ યાત્રાનો એક પણ ફોટોગ્રાફ લેવાયો નથી. લેવાયો હોય તો ઉપલબ્ધ નથી. ગાંધીજી કચ્છમાં લોકજાગૃતિ અને લોકલડતના ફાળાના હેતુથી આવ્યા હતા, પરંતુ તેઓ કચ્છની સંકુચિત્તતા જોઈને અકળાઈ ગયા હતા.
ગાંધીજી ૧૯૨૫ની ૨૨ ઑક્ટોબરે માંડવી બંદરે ઊતર્યા ત્યારે ન તો તેમને આવકારવા કોઈ આવ્યું હતું કે ન તો તેમના માટે કોઈ વ્યવસ્થાઓ થઈ હતી. સ્ટીમરથી હોડીમાં બેસીને તેઓ જ્યારે કિનારે આવ્યા ત્યારે પાટિયાં ગોઠવવાની વ્યવસ્થા સુધ્ધાં ન હોવાથી ગાંધીજીએ કાદવ ખૂંદતાં કચ્છની જમીન પર પગ મૂક્યો. ગાંધીજીએ જ્યાં સભાઓ કરી એ દરેક સભામાં બેઠકવ્યવસ્થામાં જાતિભેદ દેખાઈ આવતાં ગાંધીજીએ ભારે આઘાત વ્યક્ત કર્યો હતો. તેમને આશા પણ હતી કે કચ્છના શ્રીમંત વર્ગ પાસેથી ખાસ્સો ફાળો આવશે, પરંતુ ગાંધીજી તરફના છુપા રોષને કારણે કેટલાક શ્રીમંતોએ ‘કચ્છનો રૂપિયો કચ્છમાં જ’ એવો પ્રચાર કર્યો, જેના કારણે સાવ મામૂલી ફાળો મળ્યો હતો. ગાંધીજીને આ વાતની ખબર પડી એથી તેમણે કહ્યું કે મારા દ્વારા ઊઘરાવેલો ફાળો કચ્છમાં જ ખર્ચ કરાવવા માગો છો? પરંતુ આ ફાળામાં તો હિન્દુસ્તાનના ગરીબોનો ભાગ છે. જો એવી જ શરત રાખવા માગતા હો તો હું એક કોડી પણ ન લઉં. આ ઘટનાને કારણે દેશભરમાં કચ્છની છબી ખરડાઈ હતી. ગાંધીજીની ભુજની સભા પછી ગાંધીજીની સાથે રહેલા કેટલાક આગેવાનોને નાત બહાર મુકાવાની ઘટના બનતાં હોબાળો મચ્યો હતો, જેના પડઘા મુંબઈ સુધી પડ્યા. ભુજમાં રાજવહીવટ સામે કેટલાક લોકોએ ફરિયાદો કરતાં ગાંધીજી કચ્છના તત્કાલિન મહારાવશ્રીને પણ મળ્યા હતા અને કચ્છમાંથી આભડછેટ દૂર કરવાની સલાહ પણ આપી હતી. કોટડા રોહા ગામે ગાંધીજીએ એક શ્રેષ્ઠિની મદદથી અંત્યજો માટે શાળાનું ખાતમુરત પણ કર્યું હતું, પરંતુ એ શાળા માટે દાન આપનાર તે દાતાને એટલી રંજાડ થઈ કે તેમને કચ્છ છોડીને જતા રહેવું પડ્યું. કચ્છમાં ગાંધીજી સાથે બન્યું એ ન બનવું જોઈતું હતું, એમ આજનો કચ્છી દુ:ખ સાથે કહેશે.


ગાંધીજીની કષ્ટદાયક યાત્રા કોઠારા, વિંઝાણ, ડુમરા, ગોધરા થઈને માંડવી પહોંચી. ગોધરાની ગાંધીજીની મુલાકાત પછી જેઠાલાલ કન્નડ નામના એક દલિત જાતિના શખ્સ આઝાદીની લડતમાં જોડાયા હતા અને તેમણે આઝાદી બાદ ફ્રિડમ ફાઇટર્સને મળતી સવલતોનો અસ્વીકાર કર્યો હતો. ગાંધીજી ૨૯ના રોજ માંડવી પહોંચ્યા, પણ તેમને કોઈ ઉતારો આપવા રાજી ન હતું. એવા સમયે રિદ્ધગિરિ નામના સાધુજીએ ગાંધીજીની સભા માટે બ્રહ્મપુરીમાં વ્યવસ્થા કરાવી, પરંતુ એ જગ્યા માટે બ્રાહ્મણોને મનાવવા પડ્યા હતા. અહીં અંત્યજો અને અન્ય વર્ગ માટે અલગ-અલગ પ્રવેશદ્વાર હતા. ગાંધીજી અંત્યજોના પ્રવેશદ્વારમાંથી સભામાં આવ્યા એટલે ગુસ્સે થયેલા રિદ્ધગિરિ સભા છોડીને ચાલ્યા ગયા અને એ પછીની ચર્ચા દરમિયાન અચાનક કેટલાક લોકોએ આવીને અંત્યજો પર લાઠીઓ વરસાવતાં સભામાં નાસભાગ મચી ગઈ, જેમાંથી ગાંધીજીને માંડ બચાવી શકાયા. ગાંધીજીએ સભા રદ કરી. માંડવીના શાણા લોકોને ખૂબ આઘાત લાગ્યો. તેમણે ગાંધીજીને મનાવીને બીજા દિવસે તળાવવાળા નાકે સભા કરવા વિનવ્યા. એ સભામાં તેમને અડી ન જવાય એ રીતે અધ્ધરથી માનપત્ર અપાયું એ જોઈ આખી સભા હસવા લાગી હતી. ગાંધીજીનું એ ઘોર અપમાન હતું. અહિંસાના પૂજારી એવા ગાંધીજીને હજી પણ અપમાન વેઠવાના બાકી હતા. તેઓ ભુજપુર જવા રાતે ત્રણ વાગ્યે રવાના થયા. ભુજપુરમાં તેમની સભા જ થવા ન દેવાઈ એટલે ગાંધીજીએ અંત્યજોના વિસ્તારમાં જઈને સભા કરી. ત્યાંથી ગાંધીજી મુંદ્રા ગયા. મુંદ્રામાં આભડછેટ નથી એવું બતાવવામાં આવ્યું. સાંજે સભા થઈ જેમાં અંત્યજો કોઈ આવ્યા જ નહીં. અહીં ખોજાઓ દ્વારા ચાલતી અંત્યજો શાળા પણ ગાંધીજીએ જોઈ, પરંતુ સભામાં એ શાળાના શિક્ષકો જુદા જ વિભાગમાં બેસતા જોઈ ગાંધીજીનો આત્મા કકળી ઊઠ્યો. તેમણે બહુ જ દુ:ખ સાથે કહ્યું, ‘કચ્છનો આભડછેટનો પ્રશ્ન આખા હિન્દુસ્તાનને હલબલાવી રહ્યો છે. અહીં જેવું છે એવું અન્ય કોઈ જગ્યાએ નથી. જ્યાં આખી પ્રજા અસ્પૃશ્યતામાં માનતી હોય ત્યાં મને બોલાવવો અયોગ્ય કહેવાય અને મારું અપમાન કહેવાય. મારી છાતી ચીરો તો તમે જોશો કે એમાં રુદન ભરેલું છે. અહીં આવીને આજે કચ્છની પ્રજાની કંજૂસાઈ અને નિર્દયતા અનુભવી રહ્યો છું. કંઈક ચેતો, કંઈક શીખો...’

ગાંધીજીની કચ્છયાત્રા એ સમયે બહુ જ વગોવાઈ હતી, જેમાં કચ્છ વિશેની છાપ બહુ જ ખરાબ ઊપસી હતી. તેમની એ યાત્રા તેમના સિધ્ધાંતો અને હેતુઓ સિદ્ધ થયા વિના જ પૂર્ણ થઈ. તેમને આખીય યાત્રામાં બહુ જ ખરાબ અનુભવ થયા હતા. ગાંધીજીએ કચ્છની પ્રજાને દરિયો ખેડનારી સાહસિક પ્રજા ગણાવી હતી. પૃથ્વીની પ્રદક્ષિણા કરનારી પ્રજા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આખુંય કચ્છ સૂકું નથી, ઘણુંબધું લીલું પણ છે. અંત્યજોની સેવા કરનારા લોકોને બિરદાવ્યા પણ હતા. ખાદીનો પ્રચાર-પ્રસાર પણ કર્યો. બાપુએ એવું પણ કહ્યું હતું કે કચ્છ સાવ સૂકું નથી, લીલું પણ છે.