દાન-શીલ અને તપધર્મનું ક્ષેત્ર મર્યાદિત છે

13 May, 2023 05:38 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

શીલના પાલન માટે તમારામાં સત્ત્વ હોવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

દાન માટે સંપત્તિ હોવી જરૂરી છે. અલબત્ત, સંપત્તિ નાની વાત છે, પણ જો એ તમારી પાસે છે જ નહીં તો તમે પણ મને ક્યાંથી આપી શકવાના. શીલના પાલન માટે તમારામાં સત્ત્વ હોવું જરૂરી છે. અલબત્ત, અહીં ‘શીલપાલન’ વ્રત-નિયમોના સ્વીકારના સંદર્ભમાં સમજવાનું છે, પણ તમે જે સત્ત્વહીન છો, મનના ક્ષેત્રે બળદ જેવા જ બની ગયા છો, કોની કલ્પના માત્રથી જો તમે થથરી રહ્યા છો તો શીલપાલનની બાબતમાં તમારે નાહી નાખવાનું જ રહે છે. તપ માટે તમારી પાસે શરીર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. અલબત્ત, અહીં ઉપવાસાદિ સ્વરૂપ બાહ્ય તપની વાત છે, પણ તમારું સ્વાસ્થ્ય જો કથળેલું જ છે, જાતજાતના રોગોએ તમારા શરીરમાં અડ્ડો જમાવી દીધો છે, દવાઓ પર જ તમારું જીવન જો ચાલી રહ્યું છે તો તમે, તમારું મનોબળ ગમે એટલું મક્કમ હોય તોય તપ નથી જ કરી શકવાના એ બિલકુલ સમજાય એવી વાત છે, પણ ભાવનાધર્મ જો આપણે આત્મસાત્ કરવા માગીએ તો નથી તો એમાં જરૂર પડતી સંપત્તિની, નથી એમાં અપેક્ષા રહેતી સત્ત્વની કે નથી એમાં જરૂર પડતી શરીરની તંદુરસ્તીની. એમાં જરૂર પડે છે માત્ર તમારા હૃદયની લાગણીની. જો એ તમે ઊંચકી શકો તો ભાવનાધર્મના માલિક તમે અચૂક બની શકો છો.

મજાની વાત તો એ છે કે આપણા દરેક પાસે હૃદયની લાગણીઓનો પૂરતા પ્રમાણમાં સ્ટૉક છે, એને ગમે એટલો પ્રગટ કરીએ તોયે એમાં ઓટ આવે એમ નથી અને છતાં કરુણતા આપણા જીવનમાં એ સર્જાઈ છે કે આપણે ભાવનાધર્મના ક્ષેત્રે લગભગ ભિખારીની હાલતમાં છીએ. નથી આપણા કલ્યાણ માટે આપણે ભાવના ભાવી શકતા કે નથી બીજાના કલ્યાણ માટે આપણે આપણા હૃદયને ધબકતું કરી શકતા.

યાદ રાખજો કે દાન-શીલ અને તપધર્મનું ક્ષેત્ર મર્યાદિત છે. દાન ગમે એટલા રૂપિયાનું કરીશું, ક્યાંક તો અટકવું જ પડશે. વ્રત-નિયમો ગમે એટલાં સ્વીકારીશું, ક્યાંક તો પૂર્ણવિરામ મૂકવું જ પડશે. તપના ક્ષેત્રે ગમે એટલી દોટ લગાવીશું, ક્યાંક તો એ ગાડીને બ્રેક લગાવવી જ પડશે, પણ ભાવનાધર્મ એવો છે જ્યાં તમારે ક્યાંય ને ક્યારેય અટકવાની જરૂર ન પડે.

જવાબ આપો.

દુકાનમાં માલ લેવા આવતા ઘરાકને માલ આપતી વખતે ઈષ્ટદેવતાનું નામ લઈને માલ આપો અને મનમાં ભાવના પામો કે આ માલનો ઉપયોગ કરતી વખતે તેની સદ્બુદ્ધિ ટકી જ રહે, તેનું હિત અકબંધ જ રહે, એનાં સુખ-શાંતિ સલામત રહે તો એમાં કોઈ વાંધો છે? જો ના, તો આવતી કાલથી આ પ્રયોગ શરૂ કરી દો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists life and style