Janmashtami 2023: દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !

06 September, 2023 11:48 AM IST  |  દેવભૂમિ દ્વારકા | Gujarati Mid-day Online Correspondent

Janmashtami 2023: દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !

ગુજરાતના દ્વારકામાં આવેલું મંદિર

જન્માષ્ટમી નજીક છે, ત્યારે શ્રદ્ધાળુઓ, ભક્તો મથુરા, વૃંદાવન, ગોકુળ, દ્વારકા જેવા સ્થળોની મુલાકાત લેવા થનગની રહ્યા છે. કૃષ્ણના જન્મદિવસે તેમની હાજરી જ્યાં હતી તે સ્થળોની મુલાકાત લેવી એ ધન્યતાથી ઓછું નથી. એમાંય દ્વારકા તો ખુદ કૃષ્ણએ વસાવેલી નગરી. આજે ભલે સોનાની દ્વારકા આપણી પાસે ન હોય, ભલે કૃષ્ણની દ્વારકા આપણે શોધી રહ્યા હોય, પરંતુ ગુજરાતની દેવભૂમિ દ્વારકાની હવામાં જ્યારે તમે શ્વાસ લો ત્યારે સાક્ષાત કૃષ્ણ તમને અનુભવાય. જગતમંદિરમાં જ્યારે તમે કૃષ્ણની સામે આંખ બંધ કરીને મનથી દર્શન કરો, ત્યારે દ્વારકાધીશના આશીર્વાદ અનુભવાય. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાની મુલાકાતે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પણ દ્વારકામાં જગતમંદિર સિવાય એવા ઘણા સ્થળો છે, જ્યાં કૃષ્ણ વીચર્યા છે, તેમણે લીલાઓ કરી છે. ત્યારે જો આ જન્માષ્ટમીએ તમે પણ દ્વારકા જઈ રહ્યા હો, તો આ આર્ટિકલ વાંચીને જ તમારો પ્લાન બનાવજો. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું દ્વારકામાં તમારે કઈ કઈ જગ્યાની મુલાકાત તો લેવી જ જોઈએ ?

ગોમતી ઘાટ

1. ગોમતી તળાવ

દ્વારકાધીશના જગતમંદિરની દક્ષિણ દિશામાં એક લાંબુ મોટું તળાવ છે. આ તળાવ ગોમતી તળાવના નામે જાણીતું છે. ગોમતી તળાવની કાંઠે એક નિષ્પાપ કુંડ છે. અહીં પિતૃતર્પણ અને પિંડદાનનું ખાસ મહત્વ છે.

2. કૈલાશ કુંડ

ગોમતી તળાવથી જ થોડે દૂર આવેલો છે કૈલાશ કુંડ. આ કુંડ એટલા માટે ફેમસ છે કારણ કે તેનું પાણી ગુલાબી રંગનું દેખાય છે. આશ્ચર્યની વાત છે ને. આ જોવા માટે તમારે આ કુંડની મુલાકાત લેવી જ રહી. વળી અહીં ભગવાન શ્રી સૂર્યનારાયણનું મંદિર પણ બનેલું છે.

3. ગોપી તળાવ

ગોમતી તળાવની જેમ જ દ્વારકામાં અન્ય એક તળાવ પણ છે. જે ગોપી તળાવ તરીકે ઓળખાય છે. જેમ કૈલાશ કુંડનું પાણી ગુલાબી છે, એમ ગોપી તળાવના કાંઠાની માટી પીળા રંગની છે. તેને ગોપીચંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોપીચંદનનો ઉપયોગ સોંદર્યપ્રસાધન તરીકે પણ થાય છે. વળી અહીં મોરની સંખ્યા પણ ખૂબ જ છે.

ગોપી તળાવ

4. બેટ દ્વારકા

બેટદ્વારકાની મુલાકાત વગરની દ્વારકાનો પ્રવાસ અધૂરો ગણાય છે. કહેવાય છે કે બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણણે નરસૈંયાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ વિશાળ મહેલ આવેલા છે. જેમાંથી પહેલા મહેલને ભગવાન શ્રીકૃષ્ણના મહેલ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની ઉત્તરે રુક્મણિ અને રાધા મહેલ હોવાનું કહેવાય છે. દક્ષિણ તરફના મહેલ જામ્બવતી અને સત્યભામાના હોવાનું કહેવાય છે.

5. શંખ તળાવ

દ્વારકાનું ત્રીજું તળાવ એટલે શંખ તળાવ. માન્યતા છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ તળાવના કિનારે શંખ નારાયણનું મંદિર પણ છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ જાઓ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં હો..

6. જગત મંદિર

દ્વારકા આવનાર શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણના આ મંદિરના દર્શન કરવા જ આવતા હોય છે. આ મંદિર અંગે રસપ્રદ વાત એ છે કે મંદિર પાંચ માળનું છે. અને તેમાં કુલ 60 સ્તંભ છે. એટલું જ નહીં મંદિરમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર આવવા મોક્ષ દ્વારની વિશેષ રચના કરાઈ છે. આ ઉપરાંત ભગવાન કૃષ્ણનું મંદિર કોતરણી માટે પણ જાણીતું છે.

gujarat dwarka janmashtami