દેવ દિવાળી : ચંદ્રગ્રહણને કારણે બદલાશે તારીખ! જાણો તારીખ અને શુભ સમય

27 October, 2022 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સામાન્ય રીતે દેવ દિવાળી કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણને કારણે દેવ દિવાળીની તારીખમાં ફેરફાર થશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

દિવાળી (Diwali)ના પંદર દિવસ પછી દેવ દિવાળી (Dev Diwali) ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવ દિવાળી ૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ માન્યતાઓ અનુસાર, દેવ દિવાળીનો તહેવાર દર વર્ષે કાર્તક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે ચંદ્રગ્રહણ કાર્તક મહિનાની પૂર્ણિમાએ થવા જઈ રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં, આ વખતે દેવ દિવાળી પૂર્ણિમાના એક દિવસ પહેલા એટલે કે ૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ ઉજવવામાં આવશે. ચાલો જાણીએ વર્ષ ૨૦૨૨માં દેવ દિવાળીની તારીખ, શુભ સમય અને મહત્વ વિશે.

હિંદુ કેલેન્ડર પ્રમાણે, દેવ દિવાળી દર વર્ષે કાર્તક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે કાર્તક પૂર્ણિમા ૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ છે. જોકે, આ વર્ષે કાર્તક પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. પંડિતો અને જ્યોતિષીઓનું માનવું છે કે, શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે એટલે આ વર્ષે દેવ દિવાળી ૭ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

આ વખતે કાર્તક પૂર્ણિમાની તિથિ ૭ નવેમ્બરે સાંજે ૪.૧૫ વાગ્યાથી શરૂ થશે અને ૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ સાંજે ૪.૩૧ વાગ્યે સમાપ્ત થશે. એટલે દેવ દિવાળી ૭ નવેમ્બર સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પ્રદોષ કાળમાં પૂજાનો શુભ સમય સાંજે ૫.૧૪ વાગ્યાથી રાત્રે ૭.૪૯ સુધીનો છે.

દેવ દિવાળીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ દિવાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, દિપદાન નદી કિનારે કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અને પરંપરાના કારણે બનારસમાં ગંગા નદીના કિનારે મોટા પાયે દિવાઓનું દાન કરવામાં આવે છે.

પૌરાણિક કથા મુબ, કાર્તક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો. આ જ કારણ છે કે લોકો આ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવે છે.

life and style culture news astrology diwali