બન્ની કોની? વન અને મહેસૂલ તંત્ર વચ્ચે અટવાયેલો સવાલ

13 October, 2020 02:08 PM IST  |  Mumbai | Mavji Maheshwari

બન્ની કોની? વન અને મહેસૂલ તંત્ર વચ્ચે અટવાયેલો સવાલ


જે પ્રદેશે કચ્છને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી છે, સફેદ રણ જ્યાં આવેલું છે એ બન્ની પ્રદેશની સ્થિતિ કાયદાકીય રીતે નધણિયાતી છે. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આ વિસ્તારનો માલિક મહેસૂલ તંત્ર કે વન તંત્ર એ હજી નક્કી નથી થયું. આના કારણે ત્યાં વસ્તી પ્રજા ન તો કાયદેસર ખેતી કરી શકે છે કે ન જમીનની માલિક બની શકે છે. ૧૯૫૫માં રક્ષિત જાહેર થયેલ બન્ની વિસ્તારની જમીન પર ગેરકાયદે ખેતી, કોલસાના ધંધાના ઝઘડાઓ અગાઉ બહાર આવી ચૂક્યા છે. આ વિસ્તાર ભલે આમ માલધારીઓનો કહેવાતો હોય, પરંતુ અત્યારે સ્થિતિ વિસ્ફોટક છે. બાવળમાંથી કોલસો બનાવવાના ગેરકાયદે ધંધાએ અનેક સ્થાપિત હિતો ઊભાં કર્યાં છે અને હાલમાં ૫૦,૦૦૦ એકર જમીન પર ગેરકાયદે ખેતી થઈ રહ્યાના અહેવાલ બહાર આવ્યા છે.

કચ્છ જિલ્લામાં આવેલા વિશિષ્ઠ લોકજીવન અને સંસ્કૃતિ ધરાવતા બન્ની વિસ્તારની કેટલીક હકીકતો જટિલ જ નહીં, વિચિત્ર છે. કચ્છનો બન્ની વિસ્તાર આજે પણ મહેસૂલી વિસ્તાર ગણાતો નથી. જે વિસ્તાર મહેસૂલ તંત્રના તાબામાં ન હોય એ વન તંત્રના તાબામાં હોય એવું સામાન્ય રીતે કહી શકાય, પરંતુ બન્ની આ બેય તંત્રના ચોપડાથી બહાર ઝોલા ખાય છે. ઘાસિયા મેદાન તરીકે ચરિયાણ વિસ્તાર ગણાવાયેલા બન્નીમાં અગાઉ અને અત્યારે પણ જમીન દબાવી આર્થિક પ્રવૃત્તિઓનો ધંધો ફૂલ્યોફાલ્યો છે અને તંત્ર મૂક બની જોયા કરે છે. ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાને અડીને આવેલા બન્ની વિસ્તારનું કુલ ક્ષેત્રફળ ૨,૪૮,૯૯૭.૨૬ હેક્ટર છે. કચ્છ સ્ટેટના ૧૧-૦૧-૧૯૫૫ના જાહેરનામાથી બન્નીને રક્ષિત જંગલ જાહેર કરવામાં આવ્યું. હવે બન્નીમાં રહેતા માલધારીઓ પૂછી રહ્યા છે કે ખરેખર બન્ની કોની? રાજાશાહી વખતે પશુઓ માટે બન્નીમાં ઘાસિયા મેદાન અનામત રાખવાનો નિર્ણય હતો. રાજાશાહી બાદ લોકશાહીમાં માલધારીઓને એવો વિશ્વાસ હતો કે વધારે હક્ક અને અધિકાર મળશે, પરંતુ હવે માલધારીઓ ન ઘરના કે ન ઘાટના એવો તાલ સર્જાયો છે. ૧૯૬૯ની મહેસૂલી ગામોની માપણી પ્રમાણે બન્નીનાં ૪૮ ગામોનું ક્ષેત્રફળ ૧,૯૫,૫૬૬.૩૮ હેક્ટર છે. ૨૦૦૫-૦૬ની સૂકા રણની માપણી પ્રમાણે રણ વિસ્તાર ૫૩,૪૩૦.૮૮ હેક્ટર છે. કચ્છના પાંચ તાલુકાની હદને અડીને આવેલ બન્ની ૪૨ ગામોની હદને સ્પર્શે છે. અહીં વસતો મોટો સમુદાય ઇસ્લામ ધર્મ પાળે છે, જેમાં જત, મૂતવા, હાલેપોત્રા, રાયસીપોત્રા, હિંગોરજા, બંભા, સુમરા, નોડે, કોરાર, થેબા, વાઢા, શેખ તથા સૈયદ જેવી જાતિઓ ઉપરાંત હિન્દુ ધર્મ પાળતી મેઘવાળ, વાઢા જેવી જાતિ પણ છે. બન્નીમાં વસવાટ કરતી જાતિઓ ૭૦૦ વર્ષ પહેલાં સિંધમાંથી આવી હોવાનું કહેવાય છે. બન્ની ભલે કચ્છનો ભાગ છે, પરંતુ બન્નીના લોકજીવનમાં સિંધ પ્રદેશની અસર ભારોભાર દેખાય છે. ત્યાંની ભાષા પણ સિંધી અને કચ્છી મિશ્રિત છે. ૧૮૧૯ પહેલાં આ પ્રદેશમાં ચોખાનો મબલખ પાક લેવાતો, પરંતુ ૧૮૧૯ના ભૂકંપ પછી પાકિસ્તાન તરફની જમીન ઊંચી થઈ જવાથી સિંધુનું પાણી વળી ગયું ત્યારથી જ આ વિસ્તારની માઠી દશા બેઠી છે.
અહીંનું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું છે. રણ વિસ્તાર હોવાથી સતત પવન ફૂંકાયા કરે છે. વળી પીવાના પાણીનાં સ્રોત ન હોવાથી આ અગાઉ આ વિસ્તારે પાણીની ભયંકર યાતનાઓ ભોગવી છે. અહીં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે, પરંતુ આ વિસ્તાર રક્ષિત વિસ્તાર હોવાથી લોકોની પોતાની માલિકી જમીન જ નથી. પરિણામે અહીંની પ્રજા ભારતીય નાગરિક હોવા છતાં એક અર્થમાં શરણાર્થી જેવી સ્થિતિમાં જીવે છે. બન્નીના એકેય ગામને મહેસૂલી દરજ્જો ન હોવાથી ત્યાંની પંચાયતો લોકોને ઘરથાળની જમીન ફાળવી શકતી નથી કે કોઈ જમીન માટે માગણી કરી શકતું નથી. એ જમીન પર પ્રજાનો કોઈ અધિકાર ન હોવાથી સરકારી યોજનાઓનો કોઈ જ લાભ એ વિસ્તારની પ્રજાને મળતો નથી. ઘણી પંચાયતોએ ઉપરોક્ત બાબતે વર્ષોથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવવાથી, કાયદાકીય ગૂંચવાડામાંથી છૂટવા માટે ત્યાંની પંચાયતોએ ૨૦૦૫ની સાલમાં ‘બન્ની પંચાયત પરિષદ’ની રચના કરી. પંચાયત પરિષદમાં બન્ની વિસ્તારની ૧૯ પંચાયતોમાંથી કુલ ૯૫૦ સામાન્ય સભ્યો છે, કારોબારી સમિતિમાં ૪૦ સભ્યો છે અને અમલીકરણ સમિતિમાં ૧૧ સભ્યો છે. બન્ની પંચાયત પરિષદે બન્નીની મુશ્કેલીઓ માટે ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલા દાવાનો ચુકાદો ૨૦૧૯માં આવી ગયો. બન્ની વિસ્તારને ન્યાય મળે એ માટે માલધારી સંગઠને નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલી અરજીનો ચુકાદો એવો આવ્યો કે બન્નીની ડિમાર્કેશન કરવામાં આવે, પણ ડિમાર્કેશન કરવાથી બન્નીને ન્યાય મળશે એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદા પછી બન્નીના હક માટે લડતા માલધારી સંઘઠનના સભ્યોના મતભેદો બહાર આવ્યા હતા. રાજ્ય સરકારે બન્નીનો અમુક વિસ્તાર વન તંત્રને સોંપવાનો અને માપણીનો હુકમ કરતાં જ સ્થાનિક સભ્યો અને અન્ય કેટલાક NGO સક્રિય થઈ ગયા. બન્નીના સ્થાનિક નિવાસીઓ પણ આ ચુકાદા પછી ઊભા થનારા પ્રશ્નો માટે સતર્ક થઈ ગયા છે, કારણ કે કેટલાંક ગામો ડિમાર્કેશનની પ્રક્રિયામાંથી બાકાત રહ્યાં હતાં. તંત્રે માપણી કરતાં પહેલાં લોકો પાસેથી વિવિધ સૂચનો મગાવ્યાં હતાં. કચ્છની જુદી-જુદી સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ, પાંજરાપોળ ફેડરેશન, અદાણી જીવદયા ફાઉન્ડેશન, કચ્છમાં આવેલા ઉદ્યોગોના ફાઉન્ડેશન, મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન, સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટો તથા જીવદયાપ્રેમી ટ્રસ્ટો એક મંચ પર આવી હાલના તબક્કે વૈજ્ઞાનિક ધોરણે પશુઆહાર ઉગાડવામાં આવે તો કચ્છ જિલ્લાનાં જાનવરોને કયારેય પણ ભૂખ્યા રહેવાનો સમય ન આવે એવું પણ સૂચન કર્યું હતું. જોકે વન તંત્રના માપણી કરવાના નિર્ણય સામે ત્યાંના કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો છે, કારણ કે જ્યાં સુધી વન તંત્રની હદ નક્કી ન થાય ત્યાં સુધી ગામડાંઓની હદ નક્કી કેવી રીતે થાય? બન્નીના આગેવાનોએ એવી પણ ભીતી વ્યક્ત કરી છે કે બન્ની વન તંત્ર પાસે જવાથી એની અસલિયત ગુમાવી દેશે. રણના ઉત્તરે ઔદ્યોગિક ગૃહો આવેલાં છે એ પણ બન્નીની જમીન છે, જેનો કાયદાકીય વિવાદ ચાલે છે. ધોરડોની આસપાસ જ્યાં ટેન્ટ સિટી ઊભી થાય છે એ વિસ્તાર તથા ધોરડો ગામ જંગલ ખાતાના માપણીની બહાર રાખવામાં આવવાના નિર્ણય સામે પણ ત્યાં અસંતોષ છે.
આટલા વિવાદો અને લડત પછી પણ બન્નીની રક્ષિત વિસ્તારની જમીન પર ચાલુ વર્ષે દબાણ કરેલી ૫૦,૦૦૦ એકર જમીન પર ગેરકાયદે ખેતીનો પાક લહેરાઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા રક્ષિત જમીન પર મોટા વાડાઓ બનાવી એ જમીન પર ભાગિયા દ્વારા ખેતી કરવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. શહેરોમાં જમીન દબાણ ખાલી કરવાના તંત્રના પ્રયત્નો અવારનવાર માધ્યમો દ્વારા પ્રજાને જાણવા મળે છે, પરંતુ બન્નીમાં હજારો એકર પર થયેલું જમીન દબાણ કચ્છના છેડે મુક્ત લહેરાઈ રહ્યું છે. માલધારીઓનાં ઢોરને ચરિયાણ મળી રહે એ માટે રક્ષિત થયેલા વિસ્તાર પર આ નવતર પ્રકારનું અતિક્રમણ આજકાલનું નથી. પૈસાપાત્ર અને જેમની પહોંચ છે એવા લોકો દ્વારા આ ગેરકાયદે ખેતીનો ધંધો ચાલી રહ્યો છે. એક-એક વ્યક્તિ ૧૦૦થી ૨૦૦ એકર જમીનનો ગેરકાયદે માલિક છે. આટલાં મોટાં ખેતરોનું રક્ષણ કરવા માટેની યુક્તિ પણ નવતર છે. જે લોકો જમીન વાવે છે એ વિસ્તારને ફરતે જેસીબીથી ઊંડી ખાઈ બનાવી નાખે છે. લીલોતરી જોઈને આકર્ષાતાં ઢોર એ ખાઈમાં પડી જાય છે અને ક્યારેક મોતને ભેટે છે. આવો જ ખેલ અગાઉ કોલસા બનાવવાના ધંધામાં પણ થઈ ગયેલો છે. વન તંત્રની જાણ કે અજાણ સ્થિતિમાં થયેલી એ પ્રવૃત્તિએ આંતરિક વિખવાદોને જન્મ આપ્યો હતો.
mavji018@gmail.com

mavji maheshwari kutch