કચ્છના ભૂકંપ પછીના બે દાયકા

14 January, 2020 01:48 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છના ભૂકંપ પછીના બે દાયકા

કચ્છના એકવીસમી સદીના બે દાયકાની વાત માંડતાં જ એક મોટી ભયાવહ ઘટના વચ્ચે આવીને ઊભી રહે છે અને એ છે ભૂકંપ. યોગાનુયોગ કચ્છમાં છેલ્લો ભૂકંપ એકવીસમી સદીની શરૂઆતમાં જ આવ્યો હતો. અનેક જાતની ખુવારી સર્જી નાખનાર ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીના ભૂકંપ પછી કચ્છનો ચહેરો ધરમૂળથી બદલાઈ ગયો છે એટલે છેલ્લાં ૧૫ વર્ષમાં કચ્છમાં આવેલા તમામ બદલાવ આપોઆપ ભૂકંપ સાથે જોડાઈ જાય છે. આ સ્થિતિમાં વિનાશક ભૂકંપને અભિશાપ ગણવો કે આશીર્વાદ એ ચર્ચાનો વિષય બની રહે છે એનાં અનેક કારણો પણ છે

પહેલું કારણ ભૂકંપ પછી જ કચ્છમાં ઔદ્યોગિકીકરણ વિકસ્યું. ઔદ્યોગિકીકરણને કારણે જમીનોની કિંમત વધી, પરિણામે અકલ્પનીય આર્થિક પલટો આવ્યો. કચ્છનાં મુખ્ય શહેરોના નકશા બદલાઈ ગયા. સમગ્ર કચ્છમાં માર્ગ અને પરિવહનનો વ્યાપ વધ્યો. માળખાકીય સુવિધાઓ છેક ગામડાંઓ સુધી વિસ્તરી. શ્રમજીવી વર્ગો વેપાર તરફ વળ્યા. પરંપરાગત વ્યવસાયોને છોડી લોકોએ નવા વ્યવસાય અપનાવ્યા. સમગ્ર જિલ્લામાં ઇન્ટરનેટનું જાળું પથરાઈ ગયું જેને પરિણામે સંચારવ્યવસ્થાના અનેક આડલાભ મળ્યા. જિલ્લાભરમાં નવાં અને આધુનિક શૈક્ષણિક સંકુલો ઊભાં થયાં. કચ્છ યુનિવર્સિટીની રચના થઈ એથી ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ. ગુજરાત સરકારની જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી મળવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ચેતના આવી. આ બધું ભૂકંપ પછી થયું છે. ત્યારે લાગે કે કચ્છમાં વીસમી સદીનાં ૧૦૦ વર્ષમાં જે ન થઈ શક્યું એ ફક્ત છેલ્લાં ૨૦ વર્ષમાં થયું છે. વિકાસનાં બે પાસાં છે. એક તરફ પ્રગતિ છે તો બીજી તરફ આ પ્રદેશના મૂલ્યનિષ્ઠ જીવનને લાગી ચૂકેલો ઘસારો પણ છે.
કોઈ પ્રદેશના પરંપરાગત જીવનમાં અચાનક આંતર–બાહ્ય બદલાવ લાવનારાં ત્રણ પરિબળો હોય છે. તક્નિકી પરિબળ (Technology), આર્થિક પરિબળ (Economy) અને શૈક્ષણિક પરિબળ (Education). આ ત્રણેય પરિબળો એકમેક સાથે જોડાયેલાં છે. જોકે આ ત્રણ પરિબળોમાં શૈક્ષણિક પરિબળની અસર પ્રચ્છન્ન હોય છે. સૌથી પ્રભાવક પરિબળ હોય તો એ છે આર્થિક પાસું. કચ્છમાં આવેલા ફેરફારોની પાછળ સ્પષ્ટરૂપે આર્થિક પરિબળ જવાબદાર છે, કારણ કે જ્યારે આર્થિક સ્તર ઊંચું જાય છે ત્યારે ટેક્નૉલૉજીનો આપોઆપ પ્રવેશ થાય છે. ઊંચું આવેલું આર્થિક સ્તર અનેક ઇચ્છાઓને જન્મ આપે છે. એમાંની એક ઇચ્છા હોય છે સ્વનો વિકાસ કરવાની. સ્વનો વિકાસ શિક્ષણ થકી થાય છે. આ વાત ત્યારે વધુ સારી રીતે સમજાય છે જ્યારે વ્યક્તિ કે સમુદાય આર્થિક રીતે સધ્ધર બને છે. કચ્છમાં શિક્ષણનો વ્યાપ વધવાનું કારણ સમૃદ્ધિ મેળવ્યા પછી પોતાની જાતનો વિકાસ કરવાનું સામૂહિક ચિંતન છે.
કચ્છમાં ૨૦૦૧ પહેલાં મોટા ભાગની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ સરકારી હતી. એની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લાં ૨૦ વર્ષમાં ખાનગી શાળાઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. સ્થિતિ એ છે કે સરકારી શાળાઓમાં સંખ્યા ઘટવા લાગી છે, જ્યારે ખાનગી શાળાઓને સંખ્યાનો કોઈ પ્રશ્ન સતાવતો નથી. વળી શહેરી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓઆં મોટા ભાગે એવા વર્ગના વિદ્યાર્થીઓ દાખલ થાય છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે. એક અર્થમાં સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓ વચ્ચે આર્થિક અસમાનતાનો વર્ગભેદ ઊભો થતો દેખાઈ રહ્યો છે. આ સ્થિતિ આવનારા સમયમાં વધુ જોખમી બની શકે છે. છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારી શાળાઓની ભૌતિક સ્થિતિ અત્યંત સમૃદ્ધ બની છે. વધુ ભણેલા અને તાલીમબદ્ધ શિક્ષકો પ્રાપ્ત થયા છે એમ છતાં, ખાનગી શાળાની સરખામણીમાં સરકારી શાળાના શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો છે.
ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો ૨૦૦૦ની સાલ પહેલાં ભુજ, ગાંધીધામ, માંડવી અને આદીપુરમાં જ કૉલેજ હતી. હવે છેક દયાપરમાં સરકારે કૉલેજ શરૂ કરી દીધી છે. આવનારાં વર્ષોમાં અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને નજીકમાં જ ઉચ્ચ શિક્ષણનો ભરપૂર લાભ મળવાનો છે. ૨૦૦૩થી કચ્છમાં સ્વતંત્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ. પરિણામે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે. યુનિવર્સિટી થકી વિદ્યાર્થીઓને અમદાવાદ પરીક્ષા આપવા જવાની હાડમારીમાંથી મુક્તિ મળી છે. કચ્છમાં સ્થાનિકે ઇજનેરી અને દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરવાની તકો પણ છેલ્લાં ૧૫ વર્ષમાં મળી છે, જ્યારે કોઈ પ્રદેશ વિશેષમાં યુનિવર્સિટીની રચના થાય છે ત્યારે એની પાસે વિપુલ તકો હોય છે. કચ્છ યુનિવર્સિટી પાસે પણ તકો છે. એમ છતાં, એક દાયકો વીત્યા પછી પણ યુનિવર્સિટીએ કચ્છ વિષયક કોઈ નોંધનીય કાર્ય કર્યું નથી. PhD કરનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભાષા ક્ષેત્રના છે. એમ છતાં, ભાષા વિભાગે કચ્છની ઓળખ એવી કચ્છીભાષા બાબતે વિશેષ કાર્ય કર્યું નથી. થોડાં વર્ષ પહેલાં કચ્છીચૅરની રચના થઈ હતી, પરંતુ કચ્છને એની નીપજ સાંપડી નથી. એવી જ સ્થિતિ ઇતિહાસ અને ભૂગોળની છે. કચ્છ યુનિવર્સિટી ધારે તો ભાષા, ઇતિહાસ, ભૂગોળ અને લોકજીવનનાં કચ્છ વિષયક અનેક સંશોધન કરાવી શકે. કચ્છ વિલક્ષણ ભૂગોળ અને સદીઓનો ઇતિહાસ ધરાવતો પ્રદેશ છે. આશ્ચર્યની વાત છે કે કચ્છ યુનિવર્સિટીમાં ઇતિહાસ કે ભૂગોળ વિષય માટે કોઈ વ્યવસ્થા નથી. કોઈ ઇતિહાસ પર અભ્યાસ કરવા માગે તો એ માટે અન્ય યુનિવર્સિટી તરફ નજર દોડાવવી પડે છે. એટલું જ નહીં, કચ્છ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર કે દર્શનશાસ્ત્ર પત્રકારત્વ ભણવા માટેની પણ વ્યવસ્થા નથી. જોકે કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિથી માંડીને પ્રાધ્યાપકોની હંમેશાં ઘટ રહી છે જે આજની તારીખે પણ યથાવત્ છે. ઉપરાંત છેલ્લાં ચારેક વર્ષમાં આ યુનિવર્સિટીના રાજકીય અને વહીવટી વિવાદો પણ છાપે ચડ્યા છે.
એકવીસમી સદીના દોઢ દાયકામાં કચ્છમાં સ્ત્રીશિક્ષણમાં નોંધપાત્ર વધારો અને સુધારો થયો છે. એનાં બે મુખ્ય કારણો છે. એક તો ગુજરાત સરકારે તમામ ગામોમાં પ્રાથમિક શાળા અને પાંચ કિલોમીટરની અંદર હાઈ સ્કૂલનું નિર્માણ કર્યું છે જેણે કન્યાઓને સ્થાનિકે અથવા નજીકમાં શિક્ષણ મેળવવાની તક પૂરી પાડી. બીજું, કચ્છનાં ગામડાંઓ પાકી સડકોથી જોડાઈ ગયાં છે. પરિણામે વાહનવ્યવહારની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. વળી ૨૦૦૩થી ગુજરાત સરકારે કન્યાકેળવણીની ઝુંબેશ ઉપાડી જેને કારણે કન્યાકેળવણીનો આંક ઊંચો ચડ્યો. વળી મધ્ય કચ્છ અને પૂર્વ કચ્છમાં વિવિધ જ્ઞાતિઓનાં કન્યા છાત્રાલયો અને નિવાસી શાળાઓ શરૂ થઈ જેના પરિણામે જે જ્ઞાતિઓમાં સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ઓછું હતું એવી જ્ઞાતિઓમાં કન્યાકેળવણીનું પ્રમાણ અસાધારણ વધ્યું છે. વળી કચ્છનું આર્થિક પાસું સબળ બનતાં સામાજિક સંબંધોમાં શિક્ષણની નોંધ લેવાતી થઈ છે. આ કારણે પણ વાલીઓ પોતાની દીકરીઓને શિક્ષણ આપવાનું મહત્ત્વ સમજ્યા છે. આવનારાં ૧૦ વર્ષમાં કચ્છમાં સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું જવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
સરેરાશ છેલ્લાં ૧૫ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવી છે. શાળાઓ ઊભી થઈ છે. ઉચ્ચ શિક્ષણની સવલતો વધી છે સાથે શિક્ષિત બેકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. મોંઘી ફી ખર્ચીને, લોન લઈને ભણનારા યુવાનો પાસે ડિગ્રીઓ તો આવી ગઈ છે, પરંતુ સ્થાનિકે રોજગારીની તકો ઓછી હોવાથી નછુટકે જિલ્લા બહાર જવું પડે છે અથવા સ્થાનિકે ઓછા પગારની નોકરી કરવી પડે છે. આવનારાં વર્ષોમાં શિક્ષિત બેકારોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કચ્છનો વિસ્તાર એટલો મોટો છે કે જિલ્લા મથકે બેસી વહીવટ કરવો કોઈ અધિકારી માટે ખૂબ મુશ્કેલ છે. વળી ભુજથી દૂર-દૂર આવેલા વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને વહીવટી કામ માટે ભુજ આવવું મુશ્કેલ તેમ જ ખર્ચાળ બની રહે છે. જ્યારે બોર્ડની પરીક્ષાઓ લેવાય છે ત્યારે આ સ્થિતિ સમજમાં આવે છે. જેમ કચ્છમાં પોલીસના બે જિલ્લા બન્યા એ રીતે કચ્છને બે શૈક્ષણિક જિલ્લામાં વહેંચી નાખવાની તાતી જરૂર છે. આવું થવાથી મૉનિટરિંગ અને ગુણવત્તાનો પ્રશ્ન ઉકેલાશે. ઉપરાંત નાણાં અને સમયની બચત થશે. (ક્રમશઃ)

kutch rann of kutch earthquake gujarat