કોમી એકતાનાં પ્ર‌તીક હાજીપીર

14 January, 2020 02:01 PM IST  |  Kutch | Vasant Maru

કોમી એકતાનાં પ્ર‌તીક હાજીપીર

‘મિડ-ડે’ના આ ‘કચ્છી કૉર્નર’ને ચારે બાજુથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. તમામ જ્ઞાતિઓનાં કચ્છી ભાઈ-બહેનો મંગળવારની સવારે રાહ જુએ છે. સોશ્યલ મીડિયાના સથવારે કચ્છી કૉર્નર માત્ર મુંબઈમાં જ નહીં, વિદેશોમાં પણ વખણાયું છે. વાંચકરાજાના આ પ્રચંડ પ્રતિસાદ અને પ્રેમ બદલ આભાર માનીએ છીએ.
જ્યાં વિજ્ઞાનની હદ પૂરી થાય છે ત્યાં શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે. શ્રદ્ધાને કારણે જ માનવીની આશા બળવત્તર બને છે અને આશાને કારણે માનવી ગમે એવી પરિસ્થિતિમાં લડી શકે છે, શ્રદ્ધા કચ્છી પ્રજાની તાસીર છે. ગમે એવી પરિસ્થિતિમાં સામેપૂર તરી જવાનું કૌવત ધરાવતા કચ્છીઓ પાસે અસંખ્ય શ્રદ્ધાસ્થાનો છે. મા આશાપુરા, કોટેશ્વર મહાદેવ, રવેચીમાતા, જખ બૌતેર, ઉમિયામાતા (વાંઢાય), મોમાઈમોરાના મોમાઈમા, અંજારમાં જેસલ-તોરલ એમ કચ્છના દરેક વિસ્તારમાં શ્રદ્ધાસ્થાનો બિરાજમાન છે, એમાં એક છે રણની કાંધીએ બિરાજમાન હાજીપીર. જે કોમી એકતાનાં અદ્ભુત પ્રતીક છે. હાજીપીરે માનવીઓનાં દિલમાં શ્રદ્ધાનો દીવડો ઝળહળતો રાખ્યો છે.
દર વર્ષે ચૈત્ર માસમાં (અંદાજે માર્ચ-એપ્રિલ મહિનામાં) કચ્છની ધરતી સૂર્યદેવનો આકરો તાપ ઝીલતી હોય છે. પશુઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ચૂક્યો હોય, ગરમીથી કચ્છ મુલક ત્રાહિમામ્ પોકારતો હોય ત્યારે હજારો શ્રદ્ધાળુઓ ભુજથી માંડી જામનગર ઇત્યાદિથી પગે ચાલીને હાજીપીરના મેળામાં જઈ જિન્દાપીરને ચાદર ચઢાવે છે. એવા અસંખ્ય લોકો છે જે ઘર કે ઑફિસમાં એસી વગર જીવી નથી શકતા, પણ હાજીપીર પ્રત્યેની શ્રદ્ધાને કારણે તપતા રસ્તા પર ખુલ્લા પગે પગપાળા ચાલી હાજીપીરની દરગાહમાં હાજરી પુરાવે છે. ઘણા શ્રદ્ધાળુઓ માથા પર વજનદાર પથ્થર મૂકી માઇલો સુધી પગે ચાલી પીરનાં દર્શન કરે છે. ઘણા શ્રદ્ધાળુઓ આંખે પાટા બાંધીને કે ઘણા શ્રદ્ધાળુઓ દર્શન ન થાય ત્યાં સુધી કાંઈ ન ખાવાનો નિયમ લઈને હાજીપીરની દરગાહ સુધી પહોંચે છે. આ મેળામાં લાખો લોકો દૂર-દૂરના પ્રદેશોમાંથી આવે છે. શ્રદ્ધાનો આ મહાપૂર જોઈ ચકિત થઈ જવાય! હિન્દુ, મુસ્લિમ, જૈન, પંજાબી, સિંધી એમ અનેક જ્ઞાતીના લોકો આખા વર્ષ દરમ્યાન અહીં દર્શન કરવા આવે છે.
પાકિસ્તાનની બૉર્ડર નજીક, કચ્છના રણની કાંધી પર આવેલી હાજીપીરની દરગાહને કારણે સ્થાનિકે અનેક લોકોને રોજીરોટી મળે છે. ચૈત્ર માસના પહેલા સોમવારે ભરાતા મેળામાં સેવાધારીઓ સેવાના મૅમ્પ લગાવે છે. મલાડમાં રેડીમેડનું કારખાનું ધરાવનાર પારસ તથા ભરતભાઈ દેઢિયા ગેલડાવાળા અંદાજે અઢી દાયકાથી રણની વચ્ચે કૅમ્પ લગાવી યાત્રિકોની સેવા કરે છે. તો મુન્દ્રા નજીક શાળાઓમાં નરેશભાઈ ગાલા કાંડાગ્રાવાળા હાજીપીર ઉપરાંત એ જ સમયે ચૈત્ર નવરાત્ર માટે પગપાળા જતા આશાપુરા માના ભક્તો માટે તથા મતિયાદેવના ભક્તો માટે કૅમ્પ રાખે છે. સૌથી મજાની વાત એ છે કે કચ્છના આ શ્રદ્ધેય હાજીપીર પરદેશથી આવેલા સૈનિક હતા.
ઈસ્વી સન બારમી સદીમાં શાહબુદ્દીન ઘોરીએ પોતાના મોટા લશ્કર સાથે હિન્દુસ્તાન પર ચડાઈ કરી હતી. શાહબુદ્દીન ઘોરી ક્રૂર હતો. પોતાના શરણે ન આવનાર અસંખ્ય લોકોને રિબાવી- રિબાવીને મૃત્યુદંડ આપતો, ગામડાંઓને બાળી નાખતો. રસ્તામાં આવતાં નાનાં નગરોને લૂંટી લેતો. એ સમયે તેની જબરી ધાક જામી હતી. તેના લશ્કરમાં સામેલ અલી અકબર નામના નેકદિલ સૈનિકથી ઘોરીના આ અત્યાચાર જોવાતા ન હતા. મનુષ્યની બદહાલીથી તેમનું હૃદય રડી ઊઠતું. શાહબુદ્દીન ઘોરીના અત્યાચારનો ભોગ બનનાર માટે તે ઇબાદત કરી ખુદાને લાગણી પ્રદર્શિત કરતો. ઘોરી અને તેના લશ્કરના પાપાચારથી અલી અકબર રાતે સૂઈ નહોતો શકતો.
છેવટે એક દિવસે તેણે લશ્કર અને શસ્ત્રોનો ત્યાગ કર્યો, સૈનિક તરીકે મળતા લાભો મૂકી કિસ્તો અંગીકાર કર્યો અને ફકીરી સ્વીકારી લીધી. ખુદાની બંદગીમાં આ પરદેશી હિન્દુસ્તાનની જમીન પર લીન થઈ ગયો. ઘોરીનો આ સૈનિક ફકીર બની દિલ્હી ત્યાગી અન્ય ભૂમિ પર વિચરવા લાગ્યો. કુરાનમાં લખેલા આદેશોનું પાલન કરવા લાગ્યો. દીનદુખિયાનો જાણે બેલી બની ગયો. લોકોની અજ્ઞાનતા દૂર કરવા ઉપદેશ આપવા લાગ્યો. માર્ગ ભૂલેલા મુસાફરોને રસ્તો બતાવતા, બીમારોના ઉપચાર કરતા આ ફકીર સમયનો સદુપયોગ કરવા લાગ્યો. ફરતાં-ફરતાં તે પંજાબ આવ્યો અને પંજાબથી કચ્છ આવ્યો. કચ્છના બન્ની, પચ્છમ, ગરડા ઇત્યાદિ ઇલાકામાં સેવાભાવી અલી અકબરની સુવાસ ફેલાવા લાગી.
બન્ની, ઘોરડા ઇત્યાદિ પ્રદેશ રણ વચ્ચે વસેલા હતા. લોકો અછત, અભાવ અને કુદરતી આફતોથી ઘેરાયેલા હતા. ઘણા સમય સુધી અલી અકબર અહીં રહ્યા પછી હજ માટે મક્કા શરીફ ગયા. ત્યાંથી પાછા આવી હાજીપીર તરીકે પ્રખ્યાત થયા. લોકોને તેમનાં કાર્યોમાં ચમત્કાર દેખાવા લાગ્યો. તેમની અને મુંબઈમાં આવેલા હાજીઅલીમાં ઘણી સામ્યતાઓ હતી. બન્ને નેકદિલ બંદા લોકોની તન-મનથી સેવા કરતા. હાજીઅલી સૌરાષ્ટ્રના ખોજા વેપારી હતા અને હાજીપીર વિદેશી સૈનિક હતા. બન્ને હજ કરી આવ્યા હોવાથી હાજી તરીકે ઓળખાયા. બન્નેએ માનવતાને કેન્દ્રમાં રાખી પોતાનું સર્વસ્વ જરૂરિયાતમંદોને વહેંચી દીધું. બન્ને નાના-મોટા ચમત્કારો માટે પ્રખ્યાત હતા. બન્નેને અઢારે આલમના લોકો નમે છે.
હાજીપીર હજ કરીને પાછા આવ્યા પછી કચ્છના રણમાં નરાગામમાં પહોંચ્યા. ચારે બાજુ પાણીની સખત અછત હતી. નરાગામ પાસેના સોંધ્રાણામાં નાનકડો ખાડો ખોદ્યો તો એ ખાડામાં મીઠું પાણી આવવા લાગ્યું. રણની વચ્ચે થયેલા આ ચમત્કારથી લોકો સ્તબ્ધ બની ગયા. એ પછી એ ખાડો મોટો કરી તળાવ બનાવ્યું. એ તળાવના કિનારે હાજીપીર રહેવા લાગ્યા. આજ સુધી એ તળાવનું પાણી સૂકાયું નથી. કુદરતની આ અજબ કરામત સાથે બીજી એક લોકવાયકા ઉમેરાઈ. હાજીપીરના ખોદેલા આ તળાવમાં ગમે તેવો બીમાર માણસ ડૂબકી લગાડે તો સાજો થઈ જાય! તળાવની માટી (કચ્છીમાં મોંગણ મેટી)નો લેપ ચામડી પર લગાડવાથી ચામડીનાં દર્દ ગાયબ થઈ જાય છે એવી માન્યતા છે. હાજીપીર આ તળાવ પાસે સતત ઇબાદત કરતા રહેતા. ગાય-ભેંસની ચાકરી કરતાં- કરતાં બંદગી સાથે સમય પસાર કરતા. પાસે આવેલા દુખિયારાઓનાં દુખ દૂર કરતાં.
એ અરસામાં કેટલાક લૂંટારાઓ નરાગામની ગાયોના ધણ લૂંટી પોતાની સાથે લઈ ગયા. લૂંટારાઓનો સામનો કરી શકે એવો એક પણ બહાદુર ગામમાં હાજર નહોતો. એક ગરીબ નિરાધાર વૃદ્ધાની ગાય પણ આ ધણમાં હતી. તે વૃદ્ધાનું ભરણપોષણ આ ગાય પર નભતું હતું એટલે વૃદ્ધા કલ્પાંત કરવા લાગી. ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં-રડતાં તે વૃદ્ધા સોજાણાના તળાવ પાસે બંદગી કરતા હાજીપીર પાસે આવી. વૃદ્ધ બાઈના કારમા આક્રંદથી હાજીપીરનો જીવ કકળી ઊઠ્યો અને પોતાના સેવકો (સોલંકી)ને ગાયો પાછી લઈ આવવા મોકલ્યા. સેવકો શસ્ત્રોથી સજ્જ થઈ થોડે દૂર ગયેલા લૂંટારાઓ પાછળ ગયા. લડાઈ થઈ, પણ લૂંટારાઓની સંખ્યા મોટી હતી એટલે સેવકો વીરગતિ પામ્યા.
આ સમાચાર મળતાં હાજીપીરની અંદર જીવતા સૈનિકનો જીવ જાગી ઊઠ્યો. તેમની વીરતા છલકાવા લાગી. અંગ પર પહેરેલી કફની કાઢી, સૈનિકનો વેશ ધારણ કરી, શસ્ત્રોથી સજ્જ થઈ ઘોડા પર બેસીને લૂંટારાઓની પાછળ ગયા.
જતાં-જતાં શિષ્યોને વસિયતરૂપે ફરમાન કરતા ગયા કે જો લૂંટારાઓ સાથેની લડાઈમાં હું ખપી જાઉં તો મારો દેહ આ તળાવની બાજુમાં જ દફનાવજો. ગાયોને બચાવવા લૂંટારાઓ સુધી પહોંચી એકલા હાથે લડાઈ કરી. શૂરવીર સૈનિકને શોભે એવા દાવપેચ કરી દુશ્મનોને હંફાવ્યા અને આખરે ગાયોને બચાવતાં પોતે શહીદ થઈ ગયા. તેમના શરીરને સોંધ્રાણાના તળાવ પાસે દફનાવવામાં આવ્યું અને પીર તરીકે આખા મુલકમાં પૂજાવા લાગ્યા.
તેમના ચમત્કારોની અનેક દંતકથાઓ પ્રખ્યાત છે. સંજોગો સામે હારી જનાર માણસ આજે શ્રદ્ધાપૂર્વક તેમની માનતા માની જીવનજ્યોત જલતી રાખે છે. એનો એક કિસ્સો બહુ જાણીતો છે. પીરનો બચી ગયેલ એકમાત્ર મુજાવર જત કોમની કન્યાને પરણ્યો. જત કોમના રિવાજ મુજબ જતની કન્યા જતને જ પરણે. કન્યાની માએ મુજાવરને શ્રાપ આપ્યો. મુજાવર કોઢીઓ બની ગયો (કોઢનો રોગ થયો). શ્રદ્ધાપૂર્વક તેણે હાજીપીરની દરગાહમાં ચાકરી કરી એટલે રોગ મટી ગયો.
આજે ગુજરાત અને બહારના પ્રદેશના શ્રદ્ધાળુઓ હાજીપીરનાં દર્શન માટે દૂર-દૂરથી આવે છે, પણ લોકવાયકા મુજબ કોઈ શ્રદ્ધાળુ રાત્રે ત્યાં સૂઈ નથી શકતો. હાજીપીરનો પ્રસાદ પણ ત્યાં જ વાપરવાનો શિરસ્તો છે. પ્રસાદ ગામથી બહાર લઈ જઈ શકાતો નથી. ચૈત્ર મહિનાના પહેલા સોમવારે હાજીપીરના મેળામાં લાખોની ભીડ ઊમટે છે, પણ આજ સુધી કોઈ દુર્ઘટના થઈ નથી. મેળાના બીજા દિવસે સામાન્ય રીતે કુદરતની અજબ કરામત જોવા મળે છે. બીજા દિવસે ગરમ હવાનાં પ્રચંડ મોજાં ફુંકાય છે. હાજીપીર જેમ ગાયોને બચાવવા શહીદ થયા એ જ રીતે પાબુદાદા નામના હિન્દુપીર પણ પોતાનાં લગ્ન વખતે લગ્નમંડપમાંથી અડધેથી ઊભા થઈ ગાયોને બચાવવા શહીદ થઈ ગયા હતા. બાપુદાદા આમ તો રાજસ્થાનના છે, પણ વાગડ અને કચ્છમાં પાબુદાદાને માનનાર અનેક શ્રદ્ધાળુઓ છે. વાગડના સઈ ગામે (સામખયારીની બાજુમાં) પાબુદાદાપીરનો મેળો ભરાય છે. કરોલપીરની હાજીપીરથી અંદાજે ચાર માઇલ દૂર સત્તર મીટર લાંબી સમાધિ છે જેનાં દર્શન હાજીપીરનાં દર્શન સાથે કરવામાં આવે છે. ચમત્કારો એ શ્રદ્ધાનો વિષય હોવા છતાં એટલું જરૂર કહી શકાય કે હાજીપીર એ કોમી એકતાનું પ્રતીક છે.
લેખ પૂરો કરતાં પહેલાં કચ્છી સમાજ માટે એક સારા સમાચાર એ છે કે સતત ત્રીજા વર્ષે કચ્છની સર્વ જ્ઞાતિઓને આવરી લેતી શેમારુ એકાંકી સ્પર્ધાના ત્રીજા વર્ષની પ્રાથમિક સ્પર્ધા (ફસ્ટ રાઉન્ડ) આ શનિવાર, ૧૮ જાન્યુઆરીએ સવારે ૯ વાગ્યે યોજવામાં આવી છે. પ્રવેશ વિનામૂલ્યે છે, પણ વ્યવસ્થા જાળવવા વિનામૂલ્યે પ્રવેશપાસ અનિવાર્ય છે. કચ્છી કૉર્નરના સર્વ વાચકોને આ અનોખી સ્પર્ધા જોવા નિમંત્રણ છે. વધુ વિગત માટે સ્પર્ધાના સૂત્રધાર પરેશ શાહનો ફોન 98201 45143 (ક. યુ. સં.) પર સંપર્ક કરવા વિનંતી.
અસ્તુ.

kutch bhuj gujarat