Sanjiro.in: કચ્છના નાના કલાકારોની કલાકૃતિઓને મળ્યું પ્લેટફોર્મ

17 April, 2019 05:43 PM IST  |  કચ્છ, ગુજરાત | ધ્રુવા જેટલી

Sanjiro.in: કચ્છના નાના કલાકારોની કલાકૃતિઓને મળ્યું પ્લેટફોર્મ

સંજીરોએ કચ્છના નાના અને ઓછા પ્રખ્યાત લોકો માટે શરૂ કર્યું છે આ ઓનલાઇન પ્લેટફોર્મ.

ગુજરાતનું કચ્છ તેની કલા અને હેંડિક્રાફ્ટ્સ માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો છે. કચ્છ જીલ્લાની ખાસીયત તેની ભૌગોલિક પરિસ્થિતિ અને તેમાં વસ્તી વિવિધ જાતિઓ છે. દરેક જાતિના અલગ પહેરવેશ અને પોતાની કળાનો વારસો છે. કચ્છી ભરતકામ ભરેલાં ચણિયાચોળી, કચ્છી એમ્બ્રોઈડરીવાળી એસેસરીઝ અને પર્સ-બેગ્સ તેમજ કચ્છી ગૃહ સુશોભનની ચીજવસ્તુઓનું વેચાણ દેશ-વિદેશમાં થાય છે. ત્યારે કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં વસતા સ્થાનિક લોકોની આ કલાકૃતિઓને ઓનલાઈન લઈને આવી છે sanjiro.in વેબસાઇટ. 11 ફેબ્રુઆરી, સોમવારના રોજ કચ્છના કલેક્ટર રેમ્યા મોહને આ વેબસાઇટને લોન્ચ કરી હતી.

સંજીરો કચ્છના એ આ કારીગરોને ડાયરેકટ માર્કેટ આપશે જેનાથી ગ્રાહક અને વિક્રેતા વચ્ચેનો ગેપ ઓછો થશે અને કારીગરોને તેમની મહેનત મુજબનું મહેનતાણું મળી રહેશે. હાલની પરિસ્થિતિમાં વચેટિયા દલાલ કે બજારની વ્યવસ્થા મુજબ સૌથી ઓછું પેમેન્ટ મળે છે જયારે આ વેબસાઈટ દ્વારા તેઓ સીધું માર્કેટિંગ કરી શકશે.

સંજીરો કચ્છના કલાકારોની પ્રોડક્ટ્સનું ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને ફોટોશૂટ કરશે. 

 

આ વેબસાઇટના ઓનર હિમલ વૈદ્યએ gujaratimidday.com સાથે ખાસ વાતચીત કરી હતી. હિમલ જણાવે છે કે, 'કચ્છની કલા અને હેંડિક્રાફ્ટ્સ વર્ક આજે વિશ્વસ્તરે પહોંચી ચૂક્યું છે, પરંતુ મુશ્કેલી એ છે કે કચ્છના જે આર્ટિસ્ટ પ્રખ્યાત થઈ ચૂક્યા છે અને જેઓ નેશનલ એવોર્ડ વિનર છે, તેમને જ પ્લેટફોર્મ મળી રહ્યું છે, પછી તે સરકારી એક્ઝિબિશન મેળો હોય કે પછી કોઈ અન્ય હસ્તકલા પ્રદર્શન હોય. ત્યારે અમારો પ્રયત્ન એવો છે કે કચ્છના જે નાના આર્ટિસ્ટ્સ છે, જેઓ ફેમસ નથી તેમને પ્લેટફોર્મ પૂરું પાડવું. આ પ્લેટફોર્મ એવા આર્ટિસ્ટ્સ માટે છે જેમને પોતાની કલાનો શું મોલ છે એની જ જાણ નથી અને જેમને ખબર નથી કે તેમની આ ઉત્તમ ચીજવસ્તુઓનું માર્કેટિંગ કેવી રીતે કરવું. અમે ગ્રાસ રૂટ લેવલે જે આર્ટિસ્ટ્સ છે તેમના માટે આ વેબસાઈટ શરૂ કરી છે.

હિમલે જણાવ્યું કે, 'અહીંયા ઘણા પરિવારો એવા છે કે જેમાં પરિવારનો એક જ વ્યક્તિ કલાક્ષેત્રે સક્રિય હોય અથવા તો પરિવારો ડાયવર્ટ થઈ ગયા છે અથવા તો કામ બંધ કરી દીધું છે. તો પરિવારનો એક જ સભ્ય હોય જે કાં તો માર્કેટિંગ કરે અથવા તો મેકિંગ કરે. અમે એ લોકો સાથે વાતચીત કરી, તેમને ડિઝાઇનિંગમાં પણ મદદ કરી. આ કલાકારો માટે અમે ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને તેમની પ્રોડક્ટ્સનું ફોટોશૂટ કરીએ છીએ. તેમણે ફક્ત તેમની પ્રોડક્ટ્સ જ બનાવવાની છે અને તેની ક્વૉલિટી પર તેમણે ફોકસ કરવાનું છે.'

'આ કલાકારોને ખબર જ નથી કે તેમની કલાની શું વેલ્યુ છે. તે લોકો તેમની કલાને અંડરવેલ્યુ કરી દે છે, જ્યારે ફેમસ કલાકારો પોતાની કલાને ઓવરવેલ્યુ કરે છે. આ બંને વચ્ચે અમે બેલેન્સ કર્યું છે. અમારી સાઇટ પરથી જે પણ વેચાણ થશે, તેની એમઆરપીના 70 ટકા અમે આર્ટિસ્ટ્સને આપીશું. કચ્છની જે 12-15 કલાઓ છે જેમકે, લેઝર આર્ટ, બેલમેકિંગ (ઘંટડીઓ), કોટન અને ઊનનું વણાટકામ વગેરે દરેક આર્ટ કેટેગરીમાં અમે 2-2 આર્ટિસ્ટ્સને લઈને હાલ શરૂઆત કરી છે. આમાં દર મહિને કલાકારો જોડાતા જશે અને મુખ્યત્વે ક્વૉલિટી પર જ અમારું ફોકસ રહેશે.'

હિમલે એમ પણ જણાવ્યું કે, આગામી 1-2 વર્ષની અંદર અમે આર્ટિસ્ટ્સને એટલા સક્ષમ બનાવી દઇશું કે ઓનલાઇન કેવા પ્રકારની ફોટોગ્રાફી ચાલે છે, તેમની પ્રોડક્ટમાં તે લોકો શું નવું કરી શકે છે, ગ્રાહકોને શું નવું જોઇએ છે. એટલે આવનારા વર્ષોમાં તેઓ પોતાની રીતે જ ફોટા પાડીને, અપલોડ કરીને પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી શકશે. ગ્રાહકો સાથે તેઓ ડાયરેક્ટ ડીલ કરી શકશે.

હિમલ વૈદ્ય 5-6 વર્ષ કચ્છ મહિલા વિકાસ સંગઠન NGO સાથે જોડાયેલા હતા. આ એનજીઓ સાથે કામ કરવા દરમિયાન તેઓ કચ્છના સ્થાનિક આર્ટિસ્ટ્સને મળતા રહેતા હતા અને તેમની મુશ્કેલીઓને સમજવાનો પ્રયત્ન કરતા હતા. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે એક મોટી ઇ-કોમર્સ કંપનીએ આ આર્ટિસ્ટ્સ પાસેથી ઓનલાઇન વેચાણ માટે માલ ખરીદ્યો હતો. શરૂઆતમાં તેઓ ખૂબ ખુશ હતા અને તેમણે ખૂબ બધો સ્ટોક બનાવીને કંપનીને મોકલી આપ્યો. પરંતુ, તેની કંપનીની રિટર્ન પોલિસીમાં ગરબડ થઈ હતી અને આ લોકોને તો જાણ જ ન હતી કે રિટર્ન પોલિસી, ડેમેજ પોલિસી શું છે. આ અનુભવ પછી આ આર્ટિસ્ટ્સ ઓનલાઇન પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે સાવ નકારાત્મક વલણ લઇને બેઠા હતા.

આ વાત જાણીને હિમલને તેમના કામને ઓનલાઇન વેચવાનો વિચાર આવ્યો હતો. હિમલ જણાવે છે કે હું એ લોકોમાંની જ એક છું તો એ લોકોને વિશ્વાસ આવે છે કે આ ક્યાંય નહીં જાય અને અમારું કામ પણ ગેરવલ્લે નહીં જાય. હિમલે NIFDમાંથી 2 વર્ષનો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે.

kutch gujarat bhuj