ત્રિશા દાસનું પુસ્તક મિસ્ટર્સ કુરુમાં દ્રોપદી અને પાંડવોનો દિલ્હી નિવાસ જણાવશે કે દ્રોપદી કોના પ્રેમમાં છે

22 June, 2021 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહાકાવ્ય પર એક અલગ એંગલથી લખાયેલ પુસ્તકના પહેલા ભાગમાં સ્વર્ગમાં રહીને કંટાળેલી દ્રોપદી દિલ્હી આવે છે. આ પુસ્તકની સિક્વલ છે મિસ્ટર્સ કુરુ. જાણો દ્રોપદી પ્રેમ કોને કરતી હતી

ત્રિશા દાસ

દ્રોપદી કોને સૌથી વધુ પ્રેમ કરતી હતી અથવા જો તે દિલ્હીમાં હોય તો કોને પ્રેમ કરી શકે એવા અતરંગી સવાલનો જવાબ જાણવામાં જો તમને રસ હોય તો તમારે ત્રિશા દાસનું પુસ્તક મિસ્ટર કુરુઝ ઇન દિલ્હી વાંચવું પડે. ત્રિશા દાસ લેખક હોવાની સાથે નેશનલ એવોર્ડ વિનિંગ ડૉક્યુમેન્ટરી ફિલ્મ મેકર છે.

તેમણે મહાભારત પર આધારિત પહેલું પુસ્તક 2016માં પ્રકાશિત કર્યું જેમાં મિસ દ્રોપદી કુરુની વાત હતી. આપણા મહાકાવ્ય મહાભારત પર આ એક કૉમેડી એંગલથી લખાયેલ પુસ્તક છે જેમાં સ્વર્ગમાં રહીને કંટાળેલી દ્રોપદી દિલ્હી આવે છે. આ પુસ્તકનો બીજો ભાગ, તેની સિક્વલ છે મિસ્ટર્સ કુરુ જેમાં પાંડવો અને દ્રોપદી દિલ્હીની પૃષ્ઠભૂમિમાં જીવી રહ્યાં છે.

આ અંગે ત્રિશા દાસે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં કહ્યું, “આ એક લવ સ્ટોરી છે, દ્રોપદી કોને પ્રેમ કરે છે તે જાણવું હોય તો આ પુસ્તક વાંચવું રહ્યું. મહાભારતની કથાએ મને હંમેશા આકર્ષી છે, વળી જેનું આપણા ઐતિહાસિક વારસા તરીકે આટલું મહત્વ હોય, જેમાં ધાર્મિક સંદર્ભો પણ ખૂબ હોય તેના આધારે વ્યંગ લખવો સહેલો તો ન હોય. પરંતુ મેં લાંબા રિસર્ચ પછી આ પુસ્તકો પર કામ કરવાનું ચાલુ કર્યું.” તેમણે ઉમેર્યું કે, “આધુનિક સંદર્ભ સાથે આખી વાત રજૂ કરવી વધારે એક્સાઇટિંગ છે. દ્રોપદીની લાગણીનું અપ એન્ડ ડાઉન પુસ્તકમાં ઉતારવાની મજા અલગ જ છે. જો કે મને સૌથી વધારે તકલીફ નકુલ અને સહદેવના પાત્રને વિકસાવવામાં પડી કારણકે તેમના વિશે અન્યોની સરખામણીએ બહુ જ ઓછું કહેવાયું છે. મારે સ્વાભાવિક રીતે જ તેમના પ્લોટ પોઇન્ટ પર વધુ ધ્યાન આપવું પડે જે વર્તમાન દિલ્હીમાં સેટ થતા હોય.”

એવોર્ડ વિનિંગ ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર હોવાને નાતે ત્રિશાએ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માગતા યંગસ્ટર્સ માટે ઇન્ટરેસ્ટિંગ ટિપ્સ પણ આપી. તેણે કહ્યું કે, “ડૉક્યુમેન્ટરી ફિલ્મ હોય છતાં પણ તેમાં વાર્તા હોય તે જરૂરી છે, તે પણ નોંધનિય. તેનાથી પ્રેરણા મળે કંઇક બદલાય તે અગત્યનું છે. ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે ફંડીગ મળવું મુશ્કેલ હોય છે, પણ તેનું રિસર્ચ મજબુત હોય તે અનિવાર્ય તો છે જ અને તમે કયા ઑડિયન્સ માટે આ ફિલ્મ બનાવી રહ્યા છે તેની સ્પષ્ટતા તમને હોવી જોઇએ. વળી તમે બધું જ ન કરી શકો તે યાદ રાખો અને બીજા કામમાં જે લોકો બહેતર હોય તે તેમને જ સોંપો.”

દ્રોપદી જો આ લેખકને ખરેખર મળી જાય તો તેને તે શું સવાલ કરે તેવું પુછતાં ત્રિશાએ કહ્યું કે, “મારે તેને એક જ વાત પુછવી છે કે તું આ જિંદગીમાંથી વળી કેવી રીતે પસાર થઇ, આ પાંચ પાંડવો સાથે રહેવામાં તને મનની કઇ મજબુતાઇ કામ લાગી, તને એમ ન થયું કે આ સંજોગો સાથે ઝીંક ઝીલું તેના કરતાં તો સન્યાસ લઇ લઉં તો સારું.” ત્રિશા દાસનું પુસ્તક હાર્પર કોલિન્સે પ્રકાશિત કર્યું છે. 

 

mahabharat