પાત્રમાંથી સંગ્રહ ઘટાડશો તો જ નવું એમાં ભરી શકશો

25 August, 2021 01:43 PM IST  |  Mumbai | Morari Bapu

આપણા પર પ્રભુનો અનુગ્રહ ઊતરે એ માટે પહેલી શરત એ છે કે જીવનના આ અમૂલ્ય પાત્રમાંથી હું અને તમે આગ્રહ ઘટાડીએ. સભ્યતા દર્શાવવા માટે તો આગ્રહ રાખવો જ પડે છે. એટલું જ નહીં, આગ્રહ ન રાખો તો બહાર તમને મૂઢ અથવા પરમહંસ ગણશે.

પ્રતીકાત્મક તસવીર

હું અને તમે આગ્રહથી ખૂબ જ ભરેલા છીએ. આપણામાંથી આગ્રહ છૂટતો નથી અને એથી આપણે આપણામાં અનુગ્રહ ભરવાની જગ્યા કરી શકતા નથી. 
માનવજીવનમાં આગ્રહ શિષ્ટાચાર કહેવાય છે. આગ્રહ ન કરવામાં આવે તો તેમને સારું નથી લાગતું. આગ્રહ આપણા માટે આપણી સારી સભ્યતા દર્શાવતો શબ્દ છે. ભક્તિમાર્ગમાં આવી સભ્યતા નથી હોતી. ભક્તિમાર્ગમાં જો સભ્યતાનું પ્રાધાન્ય હોય તો શબરીએ કઈ સભ્યતા શીખી હતી? આપણા પર પ્રભુનો અનુગ્રહ ઊતરે એ માટે પહેલી શરત એ છે કે જીવનના આ અમૂલ્ય પાત્રમાંથી હું અને તમે આગ્રહ ઘટાડીએ. સભ્યતા દર્શાવવા માટે તો આગ્રહ રાખવો જ પડે છે. એટલું જ નહીં, આગ્રહ ન રાખો તો બહાર તમને મૂઢ અથવા પરમહંસ ગણશે.
હવે વાત કરીએ બીજા નંબરની. બીજા નંબરે આવે છે સંગ્રહ ઓછો હોય.
આપણા જીવનમાંથી આગ્રહ છૂટી જાય, પરંતુ જીવનમાં કંઈ એક આગ્રહ તો છે કે જેટલો આગ્રહ રાખવો જરૂરી હોય એટલો જ રાખીએ. જોકે ઘણી વાર સમાજની પરિસ્થિતિ જોઈને એમ લાગે છે કે લોકો એટલો બધો સંગ્રહ કરે છે કે એ સંગ્રહનો બોજો પોતે ઉપાડી શકતા નથી અને તેમનું કુટુંબ પણ ઉપાડી શકતું નથી. તેઓ સંગ્રહના બોજા હેઠળ એટલા બધા દબાઈ ગયા હોય છે કે તેમને જોઈને દયા આવી જાય છે.
ધ્યાન રાખજો કે જીવનમાં સંગ્રહ ઓછામાં ઓછો થાય. જીવનમાં જ્યાં સુધી સંગ્રહ ઓછો ન થાય ત્યાં સુધી તમે જાગ્યા છો એમ ન કહેવાય. સવારે પણ આપણે રજાઈમાંથી બહાર નીકળીને પલંગની નીચે ઊતરીએ અને બ્રશ કરી લઈએ ત્યાર પછી જ જાગ્યા છીએ એમ કહેવાય. પલંગમાં ચાદર ઓઢીને સૂતા-સૂતા ભલે આપણે વાતો કરી રહ્યા હોઈએ, પરંતુ એને જાગ્યા છીએ એમ ન કહેવાય.
મારું અને તમારું જાગવાનું આવું જ છે. એને જ જાગવું કહેવાય જેમાં આપણે પલંગ છોડી દઈએ, ઓઢવાનું છોડી દઈએ. કહેવાનો અર્થ એટલો જ છે કે જીવનમાં ધીમે-ધીમે સંગ્રહ ઓછો થાય એ સિદ્ધાંતનું પાલન કરો અને જીવનમાં સંગ્રહ ઘટાડો. એટલા માટે નહીં કે આપણે બધાને ત્યાગી બનાવી દેવા છે, પરંતુ હું અને તમે જીવનનું એ અનિવાર્ય સત્ય જાણીએ છીએ કે એક વાર સૌએ આ દુનિયાને છોડીને જવાનું છે અને જ્યારે આ આખું પાત્ર છોડવાનું જ છે તો શું ધીમે-ધીમે સંગ્રહ કરવાની વૃત્તિ ઘટી ન શકે? સંગ્રહ ઓછો કેમ ન થઈ શકે?
અનુગ્રહ ભરવા માટે આગ્રહ છોડવો અને સંગ્રહ ધીમે-ધીમે ઘટાડવો, પરંતુ જો આ બેથી આપનું કામ થઈ જાય તો સારું. જોકે ત્રીજી બાબત બહુ જ મુશ્કેલ છે એ વાત તો તમે પણ માનશો.

morari bapu columnists astrology