પૂજા કરવી સરળ છે, પણ પ્રેમ કરવો ઉચ્ચ બાબત છે

20 January, 2022 10:15 AM IST  |  Mumbai | Morari Bapu

જો સ્વચ્છંદી ન થવું હોય તો ભય હોવો જોઈએ અને ભય હશે તો સદ્ગુરુના દરેક શબ્દ કાયમ માટે હૃદયમાં રહેશે. આમ પણ હૃદય પ્રેમ માટે છે, માટે પ્રેમ ત્યાં જ રાખવાનો હોય.

પ્રતીકાત્મક તસવીર

પ્રેમમાં બાધક બનતાં ક્રોધ, બોધ, નિરોધ, મળ, કપટ, વિક્ષેપ, આવરણ, અનૃત અને અમૃત્ય, અનિત્ય, સંદેહ સુગેહ, દેહ, તૃપ્તિ, કામ અને મતિની વાત પછી હવે વાત આવે છે પ્રેમમાં બાધક બનતી ભીતિની અને યાદ રાખજો કે જ્યાં સુધી ભય રહેશે ત્યાં સુધી એ પ્રેમમાં બાધક બનશે જ બનશે. શંકામાં ભીતિનું હોવું જરૂરી છે. સદ્ગુરુનો ડર, બેટા પર બાપનો ડર હોવો જરૂરી છે. આ રીતે જે ડરે એ હકીકતમાં નિર્ભય થઈ જાય છે. એ નિર્ભયતા જ પ્રેમના માર્ગ તરફ લઈ જાય છે. પ્રેમની યાત્રામાં અડધા રસ્તા સુધી જ ડર જરૂરી છે, ત્યાર પછી નહીં. ભય-અભય બન્નેનું સર્જન પરમાત્માએ કર્યું છે. તમને જો તમારા સદ્ગુરુનો ભય ન રહે તો તમે સ્વચ્છંદી થઈ જશો. જો સ્વચ્છંદી ન થવું હોય તો ભય હોવો જોઈએ અને ભય હશે તો સદ્ગુરુના દરેક શબ્દ કાયમ માટે હૃદયમાં રહેશે. આમ પણ હૃદય પ્રેમ માટે છે, માટે પ્રેમ ત્યાં જ રાખવાનો હોય.
પ્રેમની વાત ચાલે છે અને એમાં બનનારા બાધકની ચર્ચા ચાલે છે ત્યારે પ્રેમ પંથ પાવકની જ્વાળાની વાત પણ કરવી જોઈએ.
પ્રેમ મુશ્કેલ વ્રત છે. પ્રેમનો પંથ જ વિષમ વ્રત છે. 
‘જો મેં ઐસા જાનતી કિ પ્રીત કિયે દુઃખ હોય! 
નગર ઢીંઢોરા પીટતી કિ પ્રીત ન કરિયો કોઈ.’ 
દુનિયાનું સૌથી કઠિન, વિષમ વ્રત છે પ્રેમનિર્વાહ. ચર્ચા કરવામાં આવે છે, મોટા-મોટા લેખ લખવામાં આવે છે. અરે, પ્રેમ પર આખી નવલકથા લખવામાં આવે છે. સિદ્ધહસ્ત કમ્યુનિસ્ટોને તમે કોઈ પણ વિષય આપો તો ધોધમાર બોલે. વર્ષાઋતુ ઉપર તો આખું પાનું ભરી નાખે, પાણીનું એક ટીપું પણ ન છોડે!
પ્રેમવ્રત વિષમ વ્રત છે, મારી સમજણ પ્રમાણે. જ્ઞાનનિર્વાહ સરળ છે, ભલે ખાંડાની ધાર પર હોય. 
‘જ્ઞાન કે પંથ કૃપાણ કી ધારા.’ 
માની લઈએ કે વૈરાગ્યનો માર્ગ પણ બહુ જ આકરો છે, પરંતુ વિશ્વમાં જો કોઈ અતિ વિષમ વ્રત હોય તો એ પ્રેમવ્રત છે. પ્રેમનું ફળ મુક્તિ નથી, પ્રેમ જ છે. મુક્તિ પ્રેમના ઘરમાં વાસણ માંજે છે, કપડાં ધુએ છે, દાસી બનીને રહે છે. પ્રેમનું ફળ પ્રેમ જ છે. પ્રેમ મળ્યા પછી કોઈ વસ્તુ મેળવવાની રહેતી નથી અને હું તો કહીશ કે પ્રેમને ફળ જ સમજજો. પ્રેમનું પાલન કરજો. વિષમ વ્રત આચરન કો. એ બહુ જ મુશ્કેલ વ્રત છે. પૂજા કરવી બહુ જ સરળ છે, પણ પ્રેમ કરવો બહુ ઉચ્ચ બાબત છે.

astrology columnists Morari Bapu