જેના વગર ક્યાંય ન ગમે એનું નામ પ્રેમ

08 September, 2021 05:37 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમ જળ પણ છે જે અંતઃકરણને ધોઈ મલીનતાથી મુક્ત કરી દે છે. ફરીથી કહું તો સત્ય પ્રકાશ છે, પ્રેમ પ્રવાહ છે, પાણી છે અને કરુણા સ્વભાવ છે.

પ્રતીકાત્મક તસવીર

એક ઘરમાં ચાર દીવાલ છે. દરવાજા-બારી બધું બંધ કરી દો, સૂરજનું કોઈ કિરણ હવે આવી નથી શકતું, હવાની કોઈ લહેરખી નથી આવી શકતી, વરસાદનું એકેય ટીપું નથી આવી શકતું. આવા જે બંધ ઓરડામાં છીએ એનું નામ છે કામ, નિરર્થક દેહવાદમાં રચ્યાપચ્યા રહીએ છીએ. ક્યાંયથી પ્રભુપ્રેમની ઝલક મળતી નથી, પરંતુ કોઈએ બારી-દરવાજા ખોલી નાખ્યાં તો થોડી હવા આવી ગઈ, વરસાદની થોડી વાછટ આવી, એ જે છે એ છે પ્રેમ. ફક્ત થોડો દરવાજો ખોલી નાખો તો આવી ગયો પ્રેમ. આ જગતની ઉત્પત્તિ યુદ્ધથી નથી થઈ, આકર્ષણથી થઈ છે, પ્રેમથી થઈ છે. પ્રેમથી ગીત પ્રગટ થાય છે.
પ્રેમતત્ત્વ એ અગ્નિતત્ત્વ છે. ભૂલવું નહીં ક્યારેય કે ઈર્ષાથી કરેલો પ્રેમ પણ હિંસા જ છે. 
પ્યાર નહીં હૈ સૂર સે જિનકો, વો મૂરખ ઇન્સાન નહીં હૈ.
રાગ ન પારખી શકાય તો પણ પ્રેમ કરો, કારણ કે પ્રેમ કરનારા અંતર નથી જોતા. પૂર્વની સભ્યતામાં નિર્દોષ અને આરપાર નિર્દંભ પ્રેમનો મહિમા અદ્ભુત છે.
પ્રેમ એક અજ્ઞાત યાત્રા છે, અંધકારમાં ભટકે છે, પણ છે એક પ્રવાહ. હા, પ્રેમનો પણ એક પ્રકાશ હોય છે. પ્રેમ જળ પણ છે જે અંતઃકરણને ધોઈ મલીનતાથી મુક્ત કરી દે છે. ફરીથી કહું તો સત્ય પ્રકાશ છે, પ્રેમ પ્રવાહ છે, પાણી છે અને કરુણા સ્વભાવ છે. કરુણા પ્રકાશ નથી, પાણી પણ નથી, એ તો સ્વભાવ છે. કરુણા સ્વભાવ બને, મજબૂરી નહીં. જેનો સ્વભાવ બની જાય, સ્વભાવ બનીને જેના લોહીમાં ભળી જાય તેની સાથે ગમે તેવી ઘટના ઘટે તો પણ એ તો કરુણા જ કરશે.
મીરા મહિલા મટી ગઈ હતી. મીરા તો પોતે જ પ્રેમ બની ગઈ હતી. ઓશો રજનીશનું આ વાક્ય છે. મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો, કૃષ્ણએ મીરાને પ્રેમ નથી કર્યો. મીરા સ્વયં પ્રેમ બની ગઈ. કૃષ્ણની રાધા બની ગઈ. જ્યાં સુધી માણસ પોતે પ્રેમસ્વરૂપ ન બની જાય ત્યાં સુધી આવરણ પર કાટ લાગવાની સંભાવના રહે છે.
ઓછામાં ઓછા શબ્દોમાં જો પ્રેમની સમજ આપવાની હોય તો કહી શકાય કે જેના વગર ક્યાંય ન ગમે એનું નામ પ્રેમ. જેના વિના અસ્તિત્વ અધૂરું લાગે એનું નામ પ્રેમ. જેના વિના વ્યવહાર અજુગતો લાગે એનું નામ પ્રેમ. અગાઉ કહ્યું હતુંને, પ્રેમ પરમ શાંતિ છે, પ્રેમ પરમ સુખ છે, પરમ જ્ઞાન છે અને પ્રેમ પરમ વૈરાગ્ય તથા પરમ શક્તિ છે. જેણે પ્રેમની શક્તિનો અનુભવ કર્યો છે તેને ખબર છે, દુનિયાની કોઈ તાકાત તેને હરાવી નથી શકતી.

astrology columnists