જેને કંઈ નથી જોઈતું એ ખરા અર્થમાં સાચો સાધક

21 July, 2022 11:40 PM IST  |  Mumbai | Morari Bapu

કેટલાક સાધકો તોફાની હોય છે. તેમનો કોઈ બીજો આશય નથી હોતો કે બીજું કોઈ લક્ષ્ય સાધવું એવું પણ મનમાં નથી હોતું; પણ પ્રક્રિયા તોફાની છે, સંઘર્ષની છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આપણે વાત કરવાની છે ચાર પ્રકારના સાધક પૈકીના પહેલા નંબરે આવતા તોફાની સાધકની. કેટલાય એવા સાધકો જોયા છે જેઓ તોફાની હોય છે. તોફાની એટલે એવા સાધકો જેઓ પોતાની ઇન્દ્રિયો સામે ખૂબ જ લડે છે. ઘણી વાર તો તેઓ મહિનાઓ સુધી આંખ નથી ખોલતા. કોઈ-કોઈ વાર તેઓ એવા પ્રયોગ કરે છે કે પોતાના હાથ પણ નથી હલાવતા. ક્યારેક કેવળ પાણી પીએ, બીજું કશું નહીં.
પોતાની જે ઇન્દ્રિયો છે એની સાથે આવા સાધકો લડે છે, સંઘર્ષ કરે છે. પ્રયોગો શરૂ કરતાં પહેલાં તેઓ મારી પાસે આવે છે અને કહે છે, ‘બાપુ, આવો પ્રયોગ કરવાનું મન થાય છે.’
તેમને હું કહું છું કે તમે તોફાની છો, ગમે એ કરી શકો; પણ એવું કરવું જરૂરી નથી. અત્યારે મને ભગવાન ગોવિંદે કહેલી એક વાત યાદ આવે છે.
‘જે શરીરને ત્રાસ આપે છે, જે બહુ ભૂખ્યા રહે છે એ હકીકતમાં તો મને ખૂબ કષ્ટ પહોંચાડે છે.’
કેટલાક સાધકો તોફાની હોય છે. તેમનો કોઈ બીજો આશય નથી હોતો કે બીજું કોઈ લક્ષ્ય સાધવું એવું પણ મનમાં નથી હોતું; પણ પ્રક્રિયા તોફાની છે, સંઘર્ષની છે. તેમના મનમાં સતત ચાલ્યા જ કરે કે આમ કરીએ, તેમ કરીએ. ત્રાટક કરીએ અને નજર બાંધીએ અને તંત્રના પ્રયોગ કરીએ કે કાલ ભૈરવને જગાડીએ. આવા તોફાની સાધકોને દરેક કાર્યમાં તોફાન સૂઝે અને આ રીતે તેની તોફાની વૃત્તિ કામ કર્યા કરે.
મારા કહેવાનો અર્થ એ છે કે સાધનામાં કેટલાય સાધકોની માનસિકતા તોફાની હોય છે. જ્યારે મને પૂછવામાં આવે ત્યારે હું કહું છું કે રુચિ છે એટલે ચોક્કસ કરો, પણ થાકી જશો અને બે-ચારમાં વળી છોડી દેવું પડશે. એટલે જો શક્ય હોય તો આવી તોફાની પ્રવૃત્તિઓ ટાળો અને મજાથી જીવન જીવો. 
ગઈ કાલે તમને કહ્યું એમ જે કોઈને બાધક ન બને, જરાય કોઈને બાધક ન બને તેનું નામ સાધક. જેને કંઈ નથી જોઈતું તે સાધક.
તોફાની સાધક પછી આપણે વાત કરવાની છે બર્ફાની સાધક, કુરબાની સાધક અને શર્માની સાધકની. આ ત્રણ સાધકોની વાતો પણ જાણવા જેવી છે, પણ એ ચર્ચા કરીશું આપણે હવે આવતા બુધવારે.

astrology columnists Morari Bapu