જે સત્યના સહારે જીવે તેને કોઈના સહયોગની જરૂર પડતી નથી

10 June, 2021 11:34 AM IST  |  Mumbai | Morari Bapu

પરમ સત્યમાંથી તમારું, મારું અને આપણું સત્ય પ્રગટ થાય છે અને એના જ અજવાળામાં આપણે આપણું નાનું એવું જીવન આનંદપૂર્વક, પ્રસન્નતાથી વિતાવી શકીએ છીએ.

GMD Logo

‘ત્રિ-સત્ય’
ભાગવતનો આ અર્થ છે : એક મારું સત્ય છે, બીજું હોય છે તમારું સત્ય અને ત્રીજું હોય છે આપણું સત્ય તો પછી આમાં ગરબડ ત્યારે થાય જ્યારે માણસ ભલે સાચો હોય પરંતુ ‘હું જે કહું એ જ સાચું છે’ એ દર્શાવવા બહુ આક્રમક બની જાય, એવા સમયે ‘મારું સત્ય’ યુદ્ધનો વિકલ્પ બની જાય અને એ સમયે વધુ એક મુદ્દો સમજવાનો આવે.
સત્ય ક્યાંથી પ્રગટ થાય છે?
સત્ય સત્યમાંથી જ પ્રગટ થાય છે. 
‘સત્યસ યોનીમાં નિહત્યસ સ્તયેસ’. 
અસત્યમાંથી સત્ય નીકળે જ નહીં. સીધીસાદી વાત છે. પરમ સત્યમાંથી તમારું, મારું અને આપણું સત્ય પ્રગટ થાય છે અને એના જ અજવાળામાં આપણે આપણું નાનું એવું જીવન આનંદપૂર્વક, પ્રસન્નતાથી વિતાવી શકીએ છીએ.
વધુ એક મુદ્દો સમજી લઈએ. કઈ અવસ્થામાં સત્ય પ્રગટ થાય છે?
મારી સમજણ મુજબ એમ લાગે છે કે જ્યારે અંતઃકરણ ભાવસભર હોય કે પછી સદ્‍વૃત્તિથી છલકાતું હોય એવી અવસ્થામાં વ્યક્તિમાં સત્ય પ્રગટ થવા લાગે છે. જ્યારે અંતઃકરણ સદ્ભાવથી પરિપૂર્ણ અને સભર હોય ત્યારે સત્ય પ્રગટ થવા લાગે છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત. અંતઃકરણ જ્યારે અહંકાર વગરનું હોય, ખાલી હોય, નિષ્પાપ હોય, નિર્મળ હોય ત્યારે સદ્‍વૃત્તિ સદ્ભાવમાં સત્ય પ્રગટ થાય છે.
સત્ય ક્યાં પ્રગટ થાય છે?
એનો કોઈ ખાસ દેશ, વેષ, તેનું કોઈ વિશેષ સ્થાન, વિશેષ વ્યક્તિ, કોઈ વિશેષ વચન નથી. સત્ય ક્યાંય પણ પ્રગટ થઈ શકે છે. તણખલામાં પણ એ પ્રગટ થઈ શકે અને બાળકમાં પણ એ પ્રગટ થઈ શકે. શ્રીમદ્ભાગવતમાં દત્તાત્રેયને પૂછો, તેણે ૨૪ જગ્યાએથી સત્યની શોધ કરી છે. શોધકને મળી જાય છે. 
તરસ લાગી હોય તે વ્યક્તિ પાણી શોધી કાઢે છે. સત્ય જ્યાં ક્યાંય હોય ત્યાં લોકો ખેંચાઈ આવે છે. દુશ્મનો પણ આકર્ષાય છે. બાપુ જેવા સત્યનિષ્ઠ મહાત્મા કોણ છે? કેવળ સત્ય પાછળ આખી દુનિયા ખેંચાઈ. વ્યક્તિમાં જો સચ્ચાઈ હોય તો કોઈના સહયોગની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ અસત્યના આશરે જીવતી હોય તો તે કોઈ કામમાં નહીં આવે. અને જે સત્યના સહારે જીવે છે તેણે કોઈના સહયોગ કે કોઈના સપોર્ટની જરૂર પડતી નથી. એને પોતાનો જ સાથ મળે છે. લોકો કહે છે, સત્યમેવ જયતે!
પણ સત્યને હારજીત સાથે શી લેવાદેવા? દુનિયા એવી થઈ ગઈ છે, 
જ્યાં જીત હોય એને જ સત્ય માનવામાં આવે છે.

astrology morari bapu columnists